શાસ્ત્રી, પતંજલિ (ન્યાયમૂર્તિ)

January, 2006

શાસ્ત્રી, પતંજલિ (ન્યાયમૂર્તિ) (. ?, . ?) : સ્વતંત્રતા પછી,  ફેડરલ કોર્ટ તરીકે ત્યારે ઓળખાતા ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તથા 26 જાન્યુઆરી 1950 પછી સ્વતંત્ર ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ. ભારતનું લોકશાહી ગણતંત્ર 26-1-1950ના રોજ અસ્તિત્વમાં આવ્યું એ પહેલાં 1935ના કાયદા મુજબ એક સમવાયતંત્ર તો હતું જ. તે પૂર્વે નવ વર્ષ સુધી ન્યાયમૂર્તિ પતંજલિ શાસ્ત્રી મદ્રાસ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે રહી ચૂક્યા હતા અને પોતાના પાંડિત્ય ભરેલા ચુકાદાઓથી કીર્તિ મેળવી ચૂક્યા હતા. ડિસેમ્બર, 1947માં તેમની નિમણૂક ફેડરલ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે થઈ હતી. આવકવેરાના કાયદાની એમની જાણકારી વિસ્મયકારક હતી. સ્વતંત્ર ભારતનું બંધારણ 26 જાન્યુઆરી, 1950ના રોજ અસ્તિત્વમાં આવતાં પહેલાં ભારતીય સમવાયતંત્રના પ્રારંભિક ન્યાયમૂર્તિ તરીકે પતંજલિ શાસ્ત્રી નિમાયા અને જ્યારે તેનું સ્થાન સર્વોચ્ચ અદાલતે લીધું ત્યારથી સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ નિમાયા. નવેમ્બર, 1951માં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમાયા અને જાન્યુઆરી, 1954માં જ્વલન્ત કારકિર્દી બાદ તેઓ નિવૃત્ત થયા.

ચિન્મય જાની