કૉમ્બ્રેટેસી : વર્ગ દ્વિદલાનું એક નાનકડું કુળ. તેનું વિસ્તરણ ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. તે 20 પ્રજાતિ અને 600 જાતિઓ ધરાવે છે. મોટાભાગની જાતિઓ ટર્મિનાલિયા અને કૉમ્બ્રીટમ પ્રજાતિની છે.

મુખ્યત્વે વૃક્ષ કે ક્ષુપ, કેટલીક વખત કાષ્ઠમય આરોહી, પ્રકાંડમાં દ્વિપાર્શ્વસ્થ વાહીપુલો; પર્ણો સાદાં, સમ્મુખ, અખંડિત, અનુપપર્ણીય; પુષ્પવિન્યાસ અપરિમિત; શૂકિ અથવા કલગી; પુષ્પ નિયમિત, ચતુરવયવી કે પંચાવયવી, દ્વિલિંગી, એકલિંગી; પુષ્પાક્ષ બીજાશયની ઉપર નલિકા સ્વરૂપે વિકસિત; ઉપરિજાય, વજ્રપત્રો 4-5; વજ્રનલિકા બીજાશય સાથે સંલગ્ન થઈને નલિકાકાર બને; ધરાસ્પર્શી, ઊર્ધ્વસ્થ; દલપત્રો – 5, કેટલાંકમાં તેનો અભાવ. વજ્રપત્રો સાથે એકાંતરિક, વજ્રલગ્ન; દલપત્રો વજ્રનલિકાની ધાર પરથી ઉદભવે; વ્યાવૃત કે ઇમ્બ્રિકેટ; પુંકેસરો મોટેભાગે 10, દ્વિચક્રીય, નીચેના ચક્રનાં પુંકેસરો વજ્રસમ્મુખ અને ઉપરનું ચક્ર વજ્ર સાથે એકાંતરિક, પુંકેસરો વજ્રનલિકાની ધાર પરથી ઉત્પન્ન થાય; એકસ્ત્રીકેસરીય, એકકોટરીય, અધ:સ્થ બીજાશય; વજ્રપત્રોની સંખ્યા જેટલા ખૂણા ધરાવે; પરાગવાહિની એક, પાતળી અને લાંબી. પરાગાસન સાદું કે ક્વચિત્ ગોળાકાર. અંડકો 2થી 5, તે બીજાશયના કોટરમાં ટોચ પરથી નીચેની તરફ લટકતાં; અંડનાલ લાંબી, પાતળી; અંડક અધોમુખી; ફળ અષ્ઠિ કે સપક્ષ; બીજ અભ્રૂણપોષી.

કૉમ્બ્રેટેસીની કેટલીક અગત્યની જાતો : T. catappa, L. (દેશી બદામ) ખાદ્ય ફળો માટે; Terminaliaની વિવિધ જાતિઓ ઇમારતી લાકડા તરીકે; T. chebula, Retz. (હરડે), T. bellerica, Roxb (બહેડાં) ઔષધકીય ષ્ટિએ; T. chebule, Retz. અને T. arjuna (Roxb) W. A. ચામડું કમાવવામાં, રંગ અને શાહી બનાવવામાં. Quisqualis indica, L. અને Combretumની જાતિઓનો બાગમાં શોભાની વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં ઉપયોગ થાય છે.

આ કુળનાં હરડે, બહેડાં અને ધાવડો ઔષધિ તરીકે ખૂબ ઉપયોગી છે. હરડેનાં ફળ પૌષ્ટિક અને મરડાને મટાડનાર હોય છે. બહેડાંની છાલ પરિપક્વ અને રેચક હોય છે. રક્તની શુદ્ધિ કરે છે. આંબળાં અને બહેડાંની સાથે તેને સમપ્રમાણમાં મેળવવાથી ‘ત્રિફળાચૂર્ણ’ બને છે. ધાવડાના પ્રકાંડની છાલનો યકૃતનાં દર્દોમાં દવા તરીકે ઉપયોગ કરાય છે.

બળદેવભાઈ પટેલ