કૉમ્બ્રીટમ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલી મોટું આરોહી ક્ષુપ સ્વરૂપ ધરાવતી પ્રજાતિ. તેની 400 જેટલી જાતિઓનું દુનિયાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વિતરણ થયેલું છે. ભારતમાં તેની 12 જેટલી જાતિઓ થાય છે.

Combretum grandiflorum કઠલતા (liana) છે. તેનાં પર્ણો સાદાં સંમુખ, લંબગોળાકાર અને અનુપર્ણીય (exstipulate) હોય છે. આ વેલ વજનદાર હોવાથી તેને મજબૂત ટેકો આપવો જરૂરી છે. શિયાળામાં લાંબી ડાળીઓ ઉપર બ્રશની જેમ નાનાં નાનાં નારંગી લાલ રંગનાં પુષ્પો ઝૂમખાંમાં આવે છે અને શોભા આપે છે.

C. decandrum Roxb. (C. roxburghii Spreng.) જંગલમાં થતી ત્રાસદાયી કઠલતા છે. તે સહિષ્ણુ (hardy) હોય છે. તેનાં પ્રકાંડ પાતળાં અને લાંબાં હોય છે. તેનો ઉપયોગ ટોપલાઓ બનાવવામાં થાય છે. પર્ણોનો ઉપયોગ દક્ષિણ આફ્રિકામાં પૈત્તિક (bilious) રક્તમેહીય (hematuric) મલેરિયાની ચિકિત્સામાં થાય છે. તેઓ ટેનિન અને પોટૅશિયમ નાઇટ્રેટ ધરાવે છે.

C. pilosum Roxb. (હિં. ભોરી લોથ)નાં પર્ણો કૃમિનાશક હોય છે. તેનાં પર્ણોનો ક્વાથ કરમિયા માટે ખાસ વપરાય છે.

C. sundaicum Mig. રાળ અને ટૅનિક ઍસિડ ધરાવે છે. C. acuminatum Roxb.નાં પર્ણો અને C. trifoliatum Vert.નાં ફળો કૃમિનાશક હોય છે. C. acuminatum પટ્ટીકીડા સામે અને C. trifoliatum કરમિયા સામે અસરકારક છે. C. trifaliatum સેપોનિન ધરાવે છે.

C. ovalifolium Roxb. (મધવેલ) ખૂબ મોટી આરોહી ક્ષુપ-જાતિ છે. તે ગાંઠો ઉપરથી મૂળ ઉત્પન્ન કરે છે. પુષ્પો પીળા રંગનાં કક્ષીય લઘુપુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે ગોઠવાયેલાં અને શુકી (spike) પુષ્પવિન્યાસ ખૂબ નાનો હોય છે. ફળ સપક્ષ (samara) પ્રકારનું અને કાગળ જેવા લાલ કે બદામી અંડાકાર ચાર પાંખોવાળું હોય છે.

C. coccineum Wall. મોટી આરોહી ક્ષુપ-જાતિ છે. પુષ્પો ચળકતા કિરમજી લાલ રંગનાં સઘન બ્રશ જેવા ગુચ્છમાં ગોઠવાયેલાં હોય છે. તે ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે.

C. macrophyllum Wall. ખૂબ મોટી આરોહી જાતિ છે. તેનાં પર્ણો મોટાં, લૉરલ આકાર(laurel shaped)ના તરંગી અને ઘેરા લીલા રંગનાં હોય છે. પુષ્પો ખૂબ ચમકતા ઘેરા કિરમજી રંગનાં હોય છે. આ જાતિ શોભાની વનસ્પતિ તરીકે ઉદ્યાનોમાં ઉછેરવામાં આવે છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ