શાકલ્ય : ઋગ્વેદની સંહિતાની એક ઉપલબ્ધ શાખા. ભગવાન પતંજલિના મહાભાષ્યના ‘પસ્પશાહિનક’માં જણાવ્યા મુજબ ઋગ્વેદની 21 શાખાઓ હતી. एकविंशतिधा बाह्वृचम् । શૌનકના ‘ચરણવ્યૂહ’માં પાંચ શાખાનાં નામ આપ્યાં છે. તેમના સમયમાં ઋગ્વેદ પાંચ શાખાઓમાં હતો : શાકલ, બાષ્કલ, આશ્વલાયન, શાંખાયન અને માંડૂકાયન. વર્તમાન સમયમાં ઉપલબ્ધ શાખા કેવળ એક છે : શાકલ્ય. ઉપલબ્ધ ઋક્ સંહિતા આ શાખામાં સચવાયેલી સંહિતા છે. મહર્ષિ શાકલ મહાભારત યુદ્ધ થયું તે પૂર્વે 100 વર્ષ પહેલાં થયેલા છે. ત્યારથી અદ્યાપિપર્યન્ત આ શાખા ટકી રહી છે; તેનું કારણ એ છે કે આ શાખાનું ગૌરવ વિપુલ પ્રમાણમાં જળવાયેલું છે. દેવો પાસે પણ આ શાખાનું મહત્વ હતું. ‘મહાભાષ્ય’નું વિધાન છે, તે મુજબ, શાકલ્યે કરેલી સંહિતાને ઇન્દ્રે સાંભળી અને પછી વૃદૃષ્ટિ કરી. शाकल्येन सुकृतां संहितामनुनिशम्य देवः प्रावर्षत् । આ સંહિતા सुकृता હતી. સારી રીતે રચાયેલી હતી. પુરાણો અને મહાભારત મહર્ષિ શાકલ અને તેની શાખાના પ્રશંસક રહ્યા છે; તેમની વિગત આપે છે. તે આ મુજબ છે : મહર્ષિ શાકલ્યે માત્ર મનોમય યજ્ઞ કર્યા અને એ યજ્ઞથી ભગવાન શંકરની સ્તુતિ કરી. ભગવાન શંકર પ્રસન્ન થયા. તેમણે શાકલ્યને આશીર્વાદ આપ્યા કે તે ગ્રંથકાર થાય અને તેનો પુત્ર સૂત્રકાર થાય. શાકલ્યને પાંચ શિષ્યો હતા : મુદ્ગલ, ગોખલ, વાત્સ્ય, શાલીય અને શિશિર. તે સમયે ઋગ્વેદની શાકલ્ય શાખાના આ પ્રમાણેના પાંચ ભેદ હતા; પરંતુ વર્તમાનમાં અસ્તિત્વમાં નથી. તત્વત: શાકલ્ય બ્રહ્મર્ષિ હતા અને તેમની શિવોપાસના નવસો વર્ષ ચાલી હતી. ઋગ્વેદ સંહિતા એમણે સ્વયં વ્યાસ મુખેથી પ્રાપ્ત કરી હતી. આ સંહિતાના મંત્રોનો પદપાઠ પણ એમણે કર્યો હતો. પોતાના સેંકડો શિષ્યો દ્વારા આ સંહિતાને ઢ પ્રતિષ્ઠા આપી હતી. ઋક્પ્રાતિશાખ્ય અને પાણિનીય અષ્ટાધ્યાયીને આધારે જણાય છે કે તે સારા વ્યાકરણાચાર્ય હતા. યાજ્ઞવલ્ક્ય સાથે એમને આજીવન વિવાદ રહેલો. એમને નામે આ બે ગ્રંથ મળે છે : ‘શાકલ્ય સંહિતા’ અને ‘શાકલ્યમત’. પાંડ્યનરેશ શંકરે આખેટ દરમિયાન વાઘના ભ્રમથી આ ઋષિની અને ઋષિપત્નીની હત્યા કરી નાખી હતી.
રશ્મિકાન્ત મહેતા