શાઇસ્તખાન : મુઘલ સમયમાં 1646થી 1648 અને 1652થી 1654 દરમિયાન ગુજરાતનો સૂબો. મુઘલ શહેનશાહ શાહજહાંએ ઔરંગઝેબને પરત બોલાવીને ગુજરાતની સૂબેદારી અમીર શાઇસ્તખાનને સપ્ટેમ્બર 1646માં સોંપી. તેના સમયમાં ઉત્તર ગુજરાતના કોળીઓએ ત્રાસદાયક પ્રવૃત્તિઓ શરૂ કરી. ઇડરના સરહદી ડુંગરાળ પ્રદેશમાં લૂંટારાઓનો ભય વધી ગયો. શાઇસ્તખાને માથાભારે લૂંટારાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરી. તેણે ચોર તથા લૂંટારાઓને આશ્રય આપ્યાના બહાના હેઠળ ગરીબ તથા રાંક લોકોવાળાં ગામડાં ખાલી કરાવવા જુલમ ગુજાર્યો. શાઇસ્તખાને અમદાવાદના વેપારીઓ અને કારીગરો પ્રત્યે જુલમી વલણ દાખવ્યું. તે દુકાનદારો પાસેથી નિશ્ચિત ભાવે ગળી તથા બીજો માલ ખરીદતો અને વેપાર કરવાનો ઇજારો તેની પોતાની પાસે રહે તેવી ગોઠવણ કરતો. તેથી તેની પકડમાંથી બચવા વેપારીઓએ તેને લાંચ આપવી પડતી. આ રીતથી અંગ્રેજ વેપારીઓ પણ ભડકી ગયા હતા. જુલાઈ 1648માં તેની બદલી માળવા ખાતે કરવામાં આવી.
ઈ. સ. 1652ના અંતમાં, શાહજાદા દારા શુકોહને ગુજરાતના સૂબેદાર તરીકે મુક્ત કરી, શાઇસ્તખાનને ફરીથી તે હોદ્દા પર નીમવામાં આવ્યો. તેણે અમદાવાદ આવી અને હવેલી, તથા ધોળકા, કડી અને વિરમગામ પરગણામાં લોકોને પજવતા કોળીઓ વિરુદ્ધ સખત હાથે કામ લીધું. તોફાનીઓના સરદાર કહાનજીને ચુંવાળના પ્રદેશમાંથી હાંકી કાઢી તેની જાગીર, સાણંદના મુખી જગમલને સોંપી દીધી. શાઇસ્તખાને 1653માં બાદશાહને જણાવ્યું હતું કે અમદાવાદ શહેરનો કોટ (દીવાલો) અનેક ઠેકાણે તૂટી ગયેલો હોવાથી તેને દુરસ્ત કરાવવો જોઈએ. તેથી શહેનશાહે પ્રાંતના દીવાન પર ફરમાન મોકલી, જણાવ્યું કે સ્થાનિક સરકારી તિજોરીમાંથી રૂપિયા 20 હજારનો ખર્ચ કરીને, કોટને દુરસ્ત કરાવી લેવો.
આ શાઇસ્તખાનને શિવાજી સાથે કામગીરી કરવા સૂબા તરીકે દખ્ખણમાં મોકલવામાં આવ્યો હતો. શિવાજીને કચડી નાખવાની સૂચના તેને આપવામાં આવી હતી. તેણે 1660માં તેની કામગીરી શરૂ કરી. તેણે પુણે, ચાકણનો કિલ્લો, કલ્યાણ અને ઉત્તર કોંકણ કબજે કર્યાં; પરંતુ 5 એપ્રિલ 1663ની રાત્રે પુણેમાં તેના નિવાસસ્થાન પર એકાએક હુમલો કરીને શિવાજીએ સખત ફટકો મારી તેને ઘાયલ કર્યો. તેનો એક પુત્ર મરાયો અને તેના જનાનખાનાની છ સ્ત્રીઓ પણ મરણ પામી. ઔરંગઝેબે તે પછી શાઇસ્તખાનની બદલી બંગાળના સૂબા તરીકે કરી. તે દરમિયાન શાઇસ્તખાનની સૌથી મહત્વની સિદ્ધિ ચિત્તાગોંગના વિજયની હતી. તે સમયે આરાકાનના માઘ રાજ્યના પ્રદેશમાં-દરિયામાં ચાંચિયાઓનો ત્રાસ વધી ગયો હતો; તેથી શાઇસ્તખાને 300 યુદ્ધ-જહાજોનું નૌકાસૈન્ય તૈયાર કર્યું અને સમુદ્રમાર્ગે ઢાકા પર હુમલો થાય તો, પૂરતા રક્ષણની વ્યવસ્થા કરી. 1665ના અંતમાં થયેલ લડાઈમાં માઘ લોકોને મુઘલોએ હરાવ્યા, ચિત્તાગોંગના કિલ્લાને ઘેરીને કબજે કર્યો અને ત્યાં શત્રુઓના લશ્કરે શરણાગતિ સ્વીકારી.
જયકુમાર ર. શુક્લ