શંબર : રામાયણ, મહાભારત અને પુરાણોમાં જાણીતો રાક્ષસ.
(1) રામાયણ અને મહાભારતમાંથી તેની વિગતો મળે છે. તે મુજબ દક્ષિણમાં દંડકદેશની નગરી વૈજયન્તનો રાજા તિમિધ્વજ હતો. આ પ્રદેશ અત્યારનો, બિલિમોરા પાસેનો ડાંગ જિલ્લાનો વિસ્તાર છે. આ તિમિધ્વજ ‘શંબર’ તરીકે વિખ્યાત હતો. તેને સેંકડો માયાવી વિદ્યાઓનું જ્ઞાન હતું. દેવો સમૂહમાં રહે, તોપણ તેને હરાવી શકે નહિ તેવો પરાક્રમી હતો. તે વૃત્રાસુરનો અનુયાયી હતો તેથી ઇન્દ્ર સાથે વારંવાર યુદ્ધે ચડતો. એક વાર આ રીતે તેણે ઇન્દ્રને લલકાર્યા. ઇન્દ્રે રાજા દશરથની મદદ લીધી. આ યુદ્ધમાં શંબરને નાસી જવું પડ્યું. પણ પછીના યુદ્ધ પ્રસંગે તે હાર્યો. ઇન્દ્રે તેનો વધ કર્યો. તે રાજનીતિજ્ઞ હતો. સ્મૃતિશાસ્ત્રનો રચયિતા હતો. મૃત્યુ પૂર્વે તેણે ઇન્દ્રને બ્રાહ્મણમાહાત્મ્યનો ઉપદેશ આપેલો.
(2) બીજા એક શંબરના નિર્દેશો, ભાગવતમાંથી મળે છે. તે ઉપર્યુક્ત તિમિધ્વજથી ભિન્ન છે. આ શંબર કશ્યપ અને દનુનો પુત્ર હતો. કુલ 34 પુત્રોમાં તે સર્વશ્રેષ્ઠ હતો. તેને ખબર હતી કે કામદેવ દ્વારા પોતાનું મૃત્યુ નિશ્ચિત છે. તેને જાણવા મળ્યું કે દ્વારિકામાં પ્રદ્યુમ્નનો જન્મ થયો છે તે કામદેવનો અવતાર છે. તેથી માયાવી વિદ્યાથી દ્વારિકામાં પ્રવેશ્યો અને 10 જ દિવસના પ્રદ્યુમ્નને ચોરી લીધો અને સમુદ્રમાં ફેંકી દીધો. એ પછી શંબરને મળવા એક માછીમાર તરતમાં જ પકડેલી માછલી લઈને આવ્યો. શંબરે તે માછલીને રસોઈ ઘરમાં મોકલી આપી. તેને કાપતાં, તેના પેટમાંથી દિવ્ય બાળક નીકળ્યું. એ વખતે ત્યાં માયાવતી હતી. તે શંબરની પાલક પુત્રી હતી. તે પૂર્વજન્મની રતિ હતી. તે બાળકને જોઈને પ્રસન્ન થઈ ત્યાં મહર્ષિ નારદ ઉપસ્થિત થયા. તેમણે માહિતી આપી કે આ પૂર્વજન્મનો કામદેવ જ છે. માયાવતીએ એના ઉછેરમાં કાળજી લીધી. યુવાન પ્રદ્યુમ્ને વૈષ્ણવાસ્ત્રથી શંબરનો વધ કર્યો. માયાવતીએ પ્રદ્યુમ્નને અનુરૂપ વય ધારણ કરી લીધી અને બંને દ્વારિકા પહોંચી ગયાં. કામદેવનું નામ ત્યારથી ‘શંબરારિ’ પડી ગયું.
(3) હજુ એક ‘શંબર’નો નિર્દેશ મહાભારતમાંથી મળે છે. આર્ય પ્રજાનો રાજા દિવોદાસ હતો. તેને આ શંબરનો ત્રાસ હતો. તે શંભરાસુર તરીકે પણ ઓળખાતો. દિવોદાસે ઇન્દ્રની મદદ માગી. ઇન્દ્રે તે અસુરને ઊંચા પર્વત પરથી ધક્કો મારી ગબડાવીને મારી નાખ્યો.
રામાયણ-મહાભારત અને પુરાણોમાંથી આ રીતે ‘શંબર’ દ્વારા ત્રણ વ્યક્તિવિશેષોના સંદર્ભો સાંપડે છે. ત્રણેયમાં, શંબર સાથે પરાક્રમ અને માયાવિદ્યા સંકળાયેલાં છે.
રશ્મિકાન્ત મહેતા