શવોત્ખનન (exhumation) : ન્યાયિક હુકમને આધારે મૃતદેહને કબરમાંથી ખોદી કાઢીને તેનું શવપરીક્ષણ (postmortem examination) કરવું તે. જોકે ભારતમાં બહુમતી સમાજ અગ્નિદાહ આપે છે માટે શવોત્ખનન ઓછા પ્રમાણમાં થાય છે. જિલ્લા-ન્યાયાધીશ કે તેની સમકક્ષ અને કાયદાથી અધિકૃત કરાયા હોય તેવા હોદ્દાની વ્યક્તિના હુકમ પછી જ આ ક્રિયા હાથ ધરાય છે. કબરમાંથી ઉત્ખનન વહેલી સવારે પોલીસ-અધિકારીની હાજરીમાં કરાય છે. ઉત્ખનિત શબને તેનાં સગાં તથા તેને દાટતી વખતે હાજર વ્યક્તિઓએ ઓળખી બતાવવું જરૂરી ગણાય છે. ત્યારબાદ શવપરીક્ષણ કરાય છે, જે કબરના સ્થળ પર કોઈક આવરણ કરાયેલી જગ્યાએ અથવા શવપરીક્ષણખંડમાં કરાય છે. ભારતમાં મૃત્યુ પછી શવોત્ખનન કરવા માટે કોઈ સમયમર્યાદા નિશ્ચિત કરવામાં આવેલી નથી.

શિલીન નં. શુક્લ