શર્મા, દેવરાજ (પથિક) (. 10 ફેબ્રુઆરી 1936, રાવલપિંડી (હાલ પાકિસ્તાન)) : હિંદી નાટ્યલેખક અને વિવેચક. તેમણે વિક્રમ યુનિવર્સિટીમાંથી હિંદી અને ભૂગોળમાં એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. સાગર યુનિવર્સિટીમાંથી એમ.એડ. અને દિલ્હી યુનિવર્સિટીમાંથી ડી.લિટ. થયા. તેઓ દિલ્હી યુનિવર્સિટીના સ્વામી શ્રદ્ધાનંદ મહાવિદ્યાલયમાં હિંદી વિભાગના પ્રાધ્યાપક રહ્યા.

તેમણે હિંદીમાં 24થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમાં ‘પારસ’ (1980); ‘નકાબ-દર-નકાબ’ (1981); ‘બિસર ગયો હરિનામ’ (1986); ‘આધી રાત કા ફૈસલા’ (1995) અને ‘સનતાન સત્ય’ (1995) એ તમામ નાટકો છે. ‘હિંદી કી રાષ્ટ્રીય કાવ્યધારા : એક સમગ્ર અનુશીલન’ (1979); ‘નયી કવિતા મેં રાષ્ટ્રીય ચેતના’ (1985) એ બંને તેમના સંશોધનગ્રંથો છે. ‘જર્જર સેતુ’ (1991) નવલકથા છે તો ‘આંગન કે ઉસ પાર’ (1980) વાર્તાસંગ્રહ છે.

તેમને રામકિશન હરજીમલ દાલમિયા પુરસ્કાર, પ્રેમચંદ પુરસ્કાર અને ગાંધી પુરસ્કાર પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા