શર્મા, દ્વારકાપ્રસાદ રોચિરામ

January, 2006

શર્મા, દ્વારકાપ્રસાદ રોચિરામ (. 1898, દાદુ, સિંધ; . 1966) : સિંધી નવલકથાકાર, વાર્તાકાર અને સ્વાતંત્ર્યસેનાની. તેમણે હિંદી તથા સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. તેઓ ગાંધીજીની ફિલસૂફીથી પ્રભાવિત થયા હતા. અસહકારની ચળવળમાં જોડાયા અને તેમની 1922માં ધરપકડ કરાઈ. જેલમાં તેઓ ભારતના જુદા જુદા ભાગના ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા હતા. હિંદુ મહાસભાના અધ્યક્ષ વિનાયક દામોદર સાવરકરથી તેઓ ખૂબ પ્રભાવિત થયા. તેમણે તેમને સિંધ અને તેની સંસ્કૃતિનો અધિકૃત ઇતિહાસ લખવા પ્રેર્યા. જેલમાંથી છૂટ્યા બાદ તેમણે ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિનો ઊંડો અભ્યાસ કર્યો.

આઝાદી બાદ તેઓ જયપુરમાં સ્થાયી થયા અને ભારત પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના કરીને અનેક ઉત્તમ પુસ્તકો પ્રગટ કર્યાં. શર્મા ઐતિહાસિક નવલકથાઓ અને વાર્તાસંગ્રહો માટે જાણીતા છે. તેમણે 25 ગ્રંથો આપ્યા છે. તે હિંદુ ધર્મ અને તત્વજ્ઞાનને લગતા છે. તેમણે સિંધીમાં ઐતિહાસિક નવલકથાઓ, વાર્તાસંગ્રહો અને નાટકો આપ્યાં છે. તેમાં ‘સિંધુ જો પ્રાચીન ઇતિહાસુ’ (3 ગ્રંથમાં) (1943-44) તેમનો સૌથી મહત્વનો ગ્રંથ છે. તેના બાકીના ત્રણ ગ્રંથ ભારતના ભાગલા પડવાને કારણે તેઓ પૂરા કરી શક્યા નહોતા. પહેલા 3 ગ્રંથમાં પ્રાગૈતિહાસિક સમય, વૈદિક સમય, રામાયણ કાળ, સિંધુખીણ સભ્યતા, મહાભારતકાળ અને સિંધમાં બૌદ્ધ અને જૈન ધર્મોના કાળની ઇતિહાસકથા આલેખાઈ છે.

તેમનો બીજો ગ્રંથ ‘સિંધુ સભ્યતા’(1958)માં શરૂના પ્રાગૈતિહાસિક કાળથી શરૂ કરીને આઝાદી પછીના અદ્યતન કાળ સુધીના સિંધુ સભ્યતા અને સંસ્કૃતિનો સંક્ષિપ્ત ઇતિહાસ આવરી લેવામાં આવ્યો છે. તેમના અન્ય જાણીતા ગ્રંથોમાં ‘શૂરવીર અભિમન્યુ’ (1928, નાટક); ‘સિંધુ જા સૂરમા’ (સિંધના વીરોની ગાથા); ‘ગીતા જી કુંજી’ (1932, ગીતા પર ટીકા); ‘ગીતારહસ્ય’ લોકમાન્ય ટિળકના ગ્રંથનો સંક્ષિપ્ત અનુવાદ; ‘મહાભારત’ (1932) સંસ્કૃત મહાકાવ્યનો સંક્ષિપ્ત અનુવાદ છે. આમ, સિંધની સભ્યતા અને સંસ્કૃતિના ઇતિહાસક્ષેત્રે કરેલા સંશોધન માટે સિંધી સાહિત્યમાં તેઓ સ્મરણીય સ્થાન ધરાવે છે.

બળદેવભાઈ કનીજિયા