શર્મા, દેવદત્ત કુંદારામ (. 1900, . 1970) : સિંધી ગદ્યલેખક અને કવિ. તેમણે શાલેય શિક્ષણ ઉપરાંત પરંપરાગત પદ્ધતિથી સંસ્કૃતનો અભ્યાસ કર્યો. વળી, તેમણે હિંદી તથા બીજી કેટલીક ભારતીય ભાષાઓ પર પ્રભુત્વ પણ મેળવ્યું.

તેઓ મહાત્મા ગાંધીના ચુસ્ત અનુયાયી હતા. તેમણે આઝાદીની ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો. તેઓ સિંધમાં હિંદી ભાષાના મુખ્ય પ્રોત્સાહક રહ્યા. તેમને સિંધમાં રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધા દ્વારા શરૂ કરેલી હિંદી પરીક્ષાઓના વ્યવસ્થાપક નીમવામાં આવ્યા હતા. આઝાદી બાદ તેઓ અજમેરમાં સ્થાયી થયા અને સિંધીભાષી લોકોમાં હિંદીનો પ્રચાર શરૂ કર્યો. આમ તેમણે તેમનું સમગ્ર જીવન રાષ્ટ્રીય ચળવળ અને સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ગાળ્યું.

સિંધી સાહિત્યમાં, બંકિમચંદ્રના ‘આનંદમઠ’ના સુંદર અનુવાદથી તેઓ ખ્યાતિ પામ્યા. કબીરની વાણી અને શાહ લતીફનાં કાવ્યો (1689-1752) વચ્ચેની સમાનતા પ્રત્યે સિંધી જગતનું ધ્યાન દોરનાર તેઓ  પ્રથમ સિંધી પંડિત હતા. તેમણે ‘શાહ સાહિબ તે કબીર જો આશરુ’ (‘ઇન્ફલ્યુઅન્સ ઑવ્ કબીર ઑન શાહ અબ્દુલ લતીફ’) (1946) નામક વિવેચનાત્મક લેખ પ્રગટ કર્યો. તેમણે શાહ લતીફનાં કાવ્યોની નિર્ગુણ-પંથી હિંદી સંતકવિઓનાં ભક્તિગીતો સાથે તુલના કરી, જેણે શાહ લતીફનાં સિંધી કાવ્યો પર નવતર પ્રકાશ પાડ્યો.

આઝાદી પછી, શર્માએ સિંધી સાહિત્યને હિંદી વાચકો સમક્ષ રજૂ કર્યું. તેમના ‘શ્રી કિશનચંદ્ર બેવસ’ નામક પુસ્તક બદલ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધાએ તેમને સન્માનિત કર્યા. તેમણે 12થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ભગત કબીર’ (1965), કબીરના વિવેચનાત્મક અભ્યાસ તથા કવિના સંક્ષિપ્ત જીવન-વૃત્તાંત માટે તેમના તત્વજ્ઞાનવિષયક વિચારો અને પસંદ કરેલી તેમની વાણીના સિંધી અનુવાદ માટે ઉલ્લેખનીય છે. ‘નયીં પ્રભાત’ વિષ્ણુ પ્રભાકરના હિંદી નાટકનો સિંધી અનુવાદ (1965) છે. તેમાં કલિંગ પરની ચઢાઈ પછી સમ્રાટ અશોકના ચારિત્ર્ય અને વિચારમાં આવેલ પરિવર્તનને કલાત્મક રીતે ચિત્રાંકિત કર્યું છે. ‘દેવ દોહાવલિ’ (‘દોહાઝ ઑવ્ દેવદત્ત’, 1967)માં નૈતિક અને ઉપદેશાત્મક વિષયો; ‘હેમુ શતક’(1967)માં 1942ની ચળવળમાં બ્રિટિશ સરકારે ફાંસી આપેલ હેમુ કાલાણી નામના યુવાનની શહાદત 100 કુંડલીમાં; ‘દાંડીકૂચ શતક’માં ગાંધીજીની દાંડી-કૂચને 100 દોહામાં ખૂબ પ્રભાવક રીતે અભિવ્યક્ત કરાયાં છે.

તેઓ કાલિદાસના પ્રખ્યાત દૂતકાવ્ય ‘મેઘદૂત’ના કુંડલી છંદમાં કરેલા અનુવાદ(1970)થી ખ્યાતિ પામ્યા. તે અનુવાદ તેની સરળ શૈલી અને મૂળ સંસ્કૃત ગ્રંથની પ્રામાણિકપણે કરેલી રજૂઆત માટે જાણીતો છે.

બળદેવભાઈ કનીજિયા