શમા (જ. 28 જુલાઈ 1945, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર) : હિંદી કવયિત્રી. તેમણે જમ્મુ અને કાશ્મીર યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી. તેમણે ઓસ્કાય એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડમાં મૅનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી.
તેમણે અત્યાર સુધીમાં હિંદીમાં 16 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘એક પરિચિત આકાશ’ (1971), ‘ચુટકીભર મુસ્કાન’ (1981), ‘ઉદાસિયૉ કે શહર મેં’ (1986), ‘તુમ્હેં યાદ તો હોગા’ (1989), ‘વક્ત કે કોરે પન્ને પર’ (1994) એ તેમના લોકપ્રિય કાવ્યસંગ્રહો છે. ‘પીછા કરતે, સફર’ (1994) પ્રવાસવર્ણન છે. ‘નરગીસ કે ફૂલ’ (1996) તેમનો વાર્તાસંગ્રહ છે.
તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1981ના વર્ષનો શિક્ષા ઔર સંસ્કૃતિ મંત્રાલય ઍવૉર્ડ; 1987ના વર્ષનો જમ્મુ અને કાશ્મીર એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ કલ્ચરનો ઍવૉર્ડ; 1992ના વર્ષનો અભિવ્યક્તિ કલા સંગમ ઍવૉર્ડ તથા 1992ના વર્ષનો ભારતનિર્માણ ઍવૉર્ડ આપવામાં આવ્યા હતા.
બળદેવભાઈ કનીજિયા