શમશેર સિંઘ (શેર) (. 10 ઑક્ટોબર 1926, રાવલપિંડી (હાલ પાકિસ્તાનમાં)) : પંજાબી અને ઉર્દૂ કવિ. તેઓ ડેન્માર્કમાં રેડિયો સબરંગના નિયામક; ઇન્ડિયન આર્ટ પ્રમોશન કાઉન્સિલ, ડેન્માર્કના અધ્યક્ષ; ઇન્ટરનૅશનલ પંજાબી કલ્ચરલ ફાઉન્ડેશનના અધ્યક્ષ; ઉર્દૂ અઠવાડિક ‘શેર-એ-હિંદ’, ‘અમન’ મૅગેઝીન, કૉપનહેગન(ડૅન્માર્ક)ના સંપાદક રહ્યા હતા.

તેમણે પંજાબી ઉપરાંત ઉર્દૂ અને હિંદીમાં 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ફૂલ કલિયૉ’ (1962-1965); ‘દલ્હકડે હંજૂ’ (1967) કાવ્યસંગ્રહો છે. ‘તેરી યાદેં મેરે ગીત’ (1979) ઊર્મિકાવ્ય-સંગ્રહ છે. ‘સદાયે દિલ’(1979)માં ઉર્દૂ ગઝલો અને ઊર્મિકાવ્યો છે. ‘ઝગમગ દીપ જલે’ (1995) હિંદીમાં નિબંધસંગ્રહ છે. ‘બિલ્ડ ઑર્ડ. બૉર્ગ’ (1995) હિંદી-પંજાબી-ડેનિસ ડિક્શનરી છે. જ્યારે ‘બિલ્ડ ઑર્ડ બૉર્ગ’ (1995) ઉર્દૂ-ડેનિશ ડિક્શનરીનો અનુવાદ છે. તેમણે તમામ યુરોપીય દેશોનો પ્રવાસ ખેડ્યો છે.

તેમને 1982માં ‘પોએટ ઑવ્ ધ યર’ મેડલ, અને 1989માં ઇન્ડિયન કલ્ચરલ સોસાયટી તરફથી ફિરાક ગોરખપુરી ઍવૉર્ડ મળ્યા હતા. વળી 1963માં પંડિત નહેરુ દ્વારા, 1972માં ઇન્ટરનૅશનલ પંજાબી સોસાયટી દ્વારા, 1990માં ઉર્દૂ અકાદમી, દિલ્હી અને 1991માં હરિયાણા ઉર્દૂ અકાદમી દ્વારા તેમને સન્માનવામાં આવ્યા હતા.

બળદેવભાઈ કનીજિયા