કોપરેલ : નારિયેળને સૂકવ્યા બાદ તેની કાચલીના કોપરામાંથી કાઢવામાં આવતું તેલ. નારિયેળમાં લગભગ 30 %થી 40 % તેલ હોય છે. પરંતુ કોપરામાં 65 %થી 70 % તેલ હોય છે. ફિલિપાઇન્સ તથા ભારતમાં કોપરાનું ઉત્પાદન નોંધપાત્ર છે.

ભારતમાં થતા કોપરાના ઉત્પાદનનો 80 % ભાગ કોપરેલ કાઢવામાં વપરાય છે. કોપરાને ઘાણીમાં પીલીને કે એક્સપેલરની મદદથી કોપરેલ મેળવાય છે. બળદની ઘાણી દ્વારા રોજના લગભગ 50થી 80 કિગ્રા. જ્યારે યાંત્રિક ઘાણી દ્વારા રોજના 250થી 325 કિગ્રા. તેલ કાઢી શકાય છે.

એક ટન કોપરામાંથી આશરે 1250 રતલ કોપરેલ તથા 720 રતલ ખોળ (cake) મળે છે. યુરોપ તથા અમેરિકામાં ખનિજ તેલ દ્રાવકો (હેક્ઝેન પ્રકારનાં) દ્વારા નિષ્કર્ષણથી પણ કોપરેલ મેળવાય છે. પ્રથમ દાબયંત્રથી મોટાભાગનું તેલ કાઢી લીધા બાદ બાકીનાનું દ્રાવક વડે નિષ્કર્ષણ કરવામાં આવે છે. તેલ કાઢી લીધા બાદ વધતો પદાર્થ (ખોળ) મુખ્યત્વે ઢોરના ખાણ તરીકે વપરાય છે.

કોપરેલ રંગવિહીન તથા કોઈ વાર પીળાશ પડતા રંગનું હોય છે. તેને જાડા કપડાથી ગાળી રંગવિહીન કરાય છે. 23o સે. તાપમાને થિજાવેલું કોપરેલ પીગળે છે. અશુદ્ધ કોપરેલમાં કોપરાની વિશિષ્ટ ગંધ રહેલી હોય છે. શુદ્ધ કર્યા બાદ કોપરેલ ખાદ્ય બને છે. અતિ શુદ્ધ કોપરેલમાં 1થી 12 ટકા મુક્ત ચરબીજ ઍસિડ હોય છે, જ્યારે સામાન્ય કોપરેલમાં લોરિક ઍસિડ જેવા તૃપ્ત ઍસિડનું પ્રમાણ આશરે 48 ટકા જેટલું હોય છે. બધાં તેલની માફક કોપરેલ પણ ચરબીજ ઍસિડ તથા આલ્કોહૉલમાંથી બનતો એસ્ટર છે. ખૂબ ઓછા પ્રમાણમાં મુક્ત ચરબીજ ઍસિડ ધરાવતું કોપરેલ જ ખાવા માટે વપરાય છે જ્યારે બાકીનું (કુલ ઉત્પાદનના 75 %) સાબુ તથા C12થી C14 આલ્કોહૉલ બનાવવા વપરાય છે.

શુદ્ધ કોપરેલ ઝટ પારખી શકાતું ન હોઈ મીઠાઈ તથા બેકરી ઉદ્યોગમાં વપરાય છે. દ્વિતીય મહાયુદ્ધ દરમિયાન અમેરિકનો કોપરેલમાંથી માર્જરીનનું ઉત્પાદન કરતા. યુરોપમાં તો આજે પણ તેમાંથી માર્જરીન બનાવાય છે. કૉપરેલનું હાઇડ્રોજનીકરણ કરીને વનસ્પતિ ઘી તરીકે તે રાંધવામાં વપરાય છે. આ ઉપરાંત તે ક્રીમ, શૅમ્પૂ વગેરે સૌંદર્યપ્રસાધનોમાં પણ વપરાય છે. કૉસ્ટિકના ઉપયોગ દ્વારા કોપરેલમાંથી સાબુ બનાવાય છે જે કઠણ પાણી સાથે પણ વાપરી શકાય છે.

જ. પો. ત્રિવેદી