કોપરનિકસ નિકોલસ

January, 2008

કોપરનિકસ નિકોલસ (જ. 19 ફેબ્રુઆરી 1473, ટૉર્ન, પોલૅન્ડ; અ. 24 મે 1543, ફ્રોમ્બોર્ક [ફ્રુએન્બર્ગ]) : પોલિશ ખગોળવેત્તા, ચિંતક તથા આધુનિક ખગોળશાસ્ત્રના સ્થાપક. પિતા ધનિક વ્યાપારી તથા ન્યાયાધીશ. પિતાના અકાળ અવસાન(1483)ને લીધે મામાને ત્યાં તેમનો ઉછેર. 1491માં મૅટ્રિક થયા બાદ ગણિત, ખગોળશાસ્ત્ર તથા તત્વજ્ઞાનના અભ્યાસ માટે શ્રેષ્ઠ ગણાતી પોલૅન્ડની ક્રેકાઉ યુનિવર્સિટીમાં ચાર વર્ષ (1491-94) ઉચ્ચ શિક્ષણ મેળવ્યું અને તે પછી ઇટાલીની બોલોન્યા યુનિવર્સિટીમાં વિનયન અને પાડુઆ યુનિવર્સિટીમાં તબીબીશાસ્ત્ર અને તત્વજ્ઞાનનું શિક્ષણ લીધું. પછી ફેરારા યુનિવર્સિટીમાં કાયદાશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1497-1503 દરમિયાન ગણિતનું અધ્યાપન કર્યું. 1503માં પોલૅન્ડ પાછા ફર્યા અને ફ્રુએન્બર્ગ ખાતે સ્થાયી થયા. 1497માં ફ્રુએન્બર્ગના મુખ્ય દેવળના ધર્મોપદેશક તરીકે પણ પસંદગી પામેલા જેને લીધે તેમને વ્યાવસાયિક તથા આર્થિક સધ્ધરતા પ્રાપ્ત થતાં તેઓ પુરજોશથી જ્ઞાનસંપાદન અને સંશોધનના કાર્યમાં ઝંપલાવી શક્યા હતા. 1505-12 દરમિયાન હિલબર્ગ ખાતે તેમણે તબીબી સેવાઓ પણ આપી હતી.

ખગોળશાસ્ત્રને લગતું પ્રથમ કથન તેમણે 1497માં કર્યું હતું એવી નોંધ છે. 1510-14 દરમિયાન તેમણે તેમના સિદ્ધાંતની હસ્તપ્રત પ્રસારિત કરી હતી. તે દરમિયાન 1509માં તેમણે થિયોફિલેકટનાં પત્રોનું લૅટિન ભાષાંતર તથા પોલૅન્ડમાં ચલણી સુધારાની જરૂરિયાત અને દિશા અંગે પોતાનાં મંતવ્યો રજૂ કરતાં લખાણો પ્રસિદ્ધ કર્યાં હતાં.

નિકોલસ કોપરનિકસ

કોપરનિકસના મત અનુસાર ગ્રહો એકધારી વર્તુળાકાર ગતિમાં ફરે છે. પૃથ્વી વિશ્વમાં કેન્દ્રસ્થાને નથી પરંતુ ચંદ્રની કક્ષાના કેન્દ્રસ્થાને છે તેનું સમર્થન તેમણે ગણતરી અને નકશાઓ દ્વારા કર્યું. તેમના સિદ્ધાંત ઉપર તેમણે 1533માં રોમમાં વ્યાખ્યાનો આપ્યાં જે પાછળથી પ્રસિદ્ધ કર્યાં. અગાઉના ભૂકેન્દ્રીય ખ્યાલ મુજબ ગ્રહોની ગોઠવણીનો ક્રમ પૃથ્વી (કેન્દ્રમાં), ચંદ્ર, બુધ, શુક્ર, સૂર્ય, મંગળ, ગુરુ અને શનિ – એ પ્રમાણે હતો તેને બદલે તે સૂર્યકેન્દ્રીય પદ્ધતિનો આગ્રહ રાખતા, જેમાં સૂર્ય સ્થિર અને કેન્દ્રમાં છે અને ગ્રહોની ગોઠવણીનો ક્રમ બુધ, શુક્ર, પૃથ્વી (તેની આસપાસ પરિભ્રમણ કરતો ચંદ્ર), મંગળ, ગુરુ અને શનિ છે એમ તેઓ માનતા : તારા અને ગ્રહોની ગતિના ગાણિતિક નિયમો, પૃથ્વીની ગતિનું વર્ણન અને ચંદ્ર તેમજ બાકીના પાંચ ગ્રહોની ગતિ અંગેની વિગતો તેમણે આપી છે. ત્યારબાદ કેપ્લર, ગૅલિલિયો અને અન્ય ખગોળવેત્તાઓએ કોપરનિકસના સિદ્ધાંતને વિકસાવ્યો અને ન્યૂટને તેને પરિપૂર્ણ કર્યો. જ્યાં જ્યાં અવલોકેલી વિગતો ક્ષતિયુક્ત લાગતી ત્યાં કોપરનિકસ પોતે બનાવેલાં સાધનો દ્વારા અવલોકન કરી ક્ષતિ શોધી કાઢતા. પોતાનું કાર્ય કદાચ હાસ્યાસ્પદ થાય એમ માનીને તેમનાં મંતવ્યોનું પ્રકાશન કરવામાં તે અચકાતા હતા. પરંતુ શોનબર્ગ, કેપુઆનો કાર્ડિનલ બિશપ અને ટીડરમાન જેવા મિત્રોના આગ્રહથી ‘Narrative prima de Libris revolutionum’ના શીર્ષક નીચે તેમણે પોતાનું સંશોધન પ્રસિદ્ધ કર્યું, જે તેમના સિદ્ધાંત ઉપર પ્રસિદ્ધ થયેલું પ્રથમ પ્રકાશન હતું. de revolutionibus ખગોળશાસ્ત્રની સંપૂર્ણ નવરચના રજૂ કરે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે