શકુન્તલાદેવી (જ. 4 નવેમ્બર 1939, બૅંગલોર, કર્ણાટક) : અસાધારણ ગાણિતિક પ્રતિભા ધરાવનારાં ભારતીય મહિલા. તેમણે શાળા બહાર અનૌપચારિક રીતે અભ્યાસ કર્યો હતો. 3 વર્ષની વયથી જ તેમણે આંકડાઓ સાથે ચમત્કારો દર્શાવવા માંડ્યા. Complex mental arithmeticમાં તેમણે 5 વર્ષની વયે મૈસૂર યુનિવર્સિટીમાં નિદર્શન આપ્યું. તેમણે યુરોપ તથા વિશ્વના અન્ય અનેક દેશોમાં ભ્રમણ કર્યું. 18 જૂન 1980ના રોજ ઇમ્પીરિયલ કૉલેજ, લંડનમાં તેમણે 19 અંકોની બે સંખ્યાઓના ગુણાકાર માત્ર 28 સેક્ધડમાં કરી, કમ્પ્યૂટર કરતાં વધુ ઝડપ સિદ્ધ કરી બતાવી. વિશ્વના જુદા જુદા દેશોમાં કરેલ ચમત્કારિક ગાણિતિક નિદર્શનોથી તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ.
તેમની માતૃભાષા કન્નડ છે. તેમણે અંગ્રેજીમાં 30 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘પરફેક્ટ મર્ડર’ જાસૂસી નવલકથા; બાળકો માટે ‘રાજુ’ (નવલકથા); ‘ગોગો ધ ડાન્સિંગ મ્યૂલ ઍન્ડ અધર સ્ટોરિઝ’ તથા ‘લાયન હુ કુડ નૉટ રૉર’ એ પુસ્તકો તેમજ ‘ગૉડ ઍન્ડ ગૉડેસિસ ઑવ્ ઇન્ડિયન માઇથૉલૉજી’ તેમજ ‘અવેકન ધ જીનિયસ ઑવ્ યૉર ચાઇલ્ડ’ (1988) ઉલ્લેખનીય છે.
તેમણે સંખ્યાબંધ ફલજ્યોતિષવિષયક પુસ્તિકાઓ અને ગાણિતિક કોયડાઓ અંગેના ગ્રંથો પણ આપ્યા છે. 1968માં યુનિવર્સિટી ઑવ્ સિટી ઓફમનિયાએ તેમને સુવર્ણચંદ્રક તથા ‘Most Distinguished Asiatic Woman of 1968’નું બિરુદ આપ્યું હતું.
બળદેવભાઈ કનીજિયા