શકુંતલા : ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1943. શ્ર્વેત અને શ્યામ. ભાષા : હિંદી. નિર્માણસંસ્થા : રાજકમલ કલામંદિર. નિર્માતા-દિગ્દર્શક : વી. શાંતારામ. કથા-પટકથા : મહાકવિ કાલિદાસના ખ્યાતનામ નાટક ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’ પરથી – દેવેન શારર. ગીતકાર : દેવેન શારર, રતનપ્રિયા. છબિકલા : વી. અવધૂત. સંગીત : વસંત દેસાઈ. મુખ્ય કલાકારો : જયશ્રી, ચંદ્રમોહન, નિમ્બાલકર, ઝોહરા, વિદ્યા, નાના પલસીકર, કુમાર ગણેશ.

રાજકમલ કલામંદિરના નેજા હેઠળ બનેલું પ્રથમ ચલચિત્ર. પહેલાં આ ચિત્રને ઠંડો આવકાર મળ્યો હતો, પણ પછી તે જોવા લોકો ઊમટી પડ્યાં હતાં અને તે એટલું સફળ થયું હતું કે આ ચિત્ર મુંબઈમાં સ્વસ્તિક છબિઘરમાં 104 સપ્તાહ દર્શાવાયું હતું. આ ચિત્રને મળેલી આવી સફળતાને કારણે રાજકમલ કલામંદિરના પાયા મજબૂત બની ગયા હતા. આ ચિત્ર 1947માં ન્યૂયૉર્કમાં વ્યાવસાયિક રીતે પ્રદર્શિત કરાયું હતું. જોકે તેને ત્યાં પ્રદર્શિત કરવાના સમયની પસંદગી યોગ્ય નહોતી, કારણ કે એ દિવસોમાં ન્યૂયૉર્કમાં ભયાનક ઠંડી પડી હતી. તેમ છતાં 25 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી સુધી બાર દિવસ આ ચિત્ર ત્યાં દર્શાવાયું હતું. નોંધપાત્ર વાત એ હતી કે ન્યૂયૉર્કમાં એ પહેલાં કોઈ ભારતીય ચિત્રસર્જકે આ રીતે પોતાનું ચિત્ર વ્યાવસાયિક ધોરણે રજૂ કરવાની હિંમત કરી નહોતી. વી. શાંતારામે પ્રારંભે તેમનાં મોટાભાગનાં ચિત્રો હિંદી અને મરાઠી બંને ભાષાઓમાં બનાવ્યાં હતાં, પણ ‘શકુંતલા’ માત્ર હિંદીમાં બનાવ્યું હતું.

ફિલ્મનું કથાનક કાલિદાસના અત્યંત જાણીતા નાટક ‘અભિજ્ઞાન શાકુંતલમ્’ પર આધારિત હતું. કેટલાક સમીક્ષકોએ મૂળ સંસ્કૃત નાટક સાથે આ ચિત્રના કથાનકની સરખામણી કરીને તેની આકરી ટીકાઓ કરી હતી, પણ ચિત્રની સફળતાએ શાંતારામની પ્રતિષ્ઠામાં ઓર વધારો કર્યો હતો. શકુંતલા રાજા દુષ્યંતના પ્રેમમાં પડે છે. પ્રિયતમની યાદમાં ખોવાયેલી શકુંતલા એક દિવસ દુર્વાસા મુનિનો યોગ્ય આદરસત્કાર ન કરી શકવાને કારણે તેમના કોપનો ભોગ બને છે. મુનિએ આપેલા શાપને કારણે અંતે દુષ્યંત શકુંતલાને ઓળખવાનો ઇનકાર કરી દે છે. સગર્ભા શકુંતલા જંગલમાં રહેવાનું પસંદ કરે છે અને ત્યાં જ ભરતને જન્મ આપે છે. બીજા વિશ્વયુદ્ધના સમયે અને દેશમાં ‘ભારત છોડો’ ચળવળ બાદ નિર્માણ પામેલા આ ચિત્રમાં શાંતારામે ભરતના જન્મને નવા ભારતના પ્રતીક તરીકે પ્રયોજ્યો હતો. શાંતારામે તેમની શૈલી મુજબ આ ચિત્ર દ્વારા એવો સંદેશ પણ આપ્યો હતો કે જેઓ નારીનું ઉચિત સન્માન નથી કરતા તેમનું પતન નિશ્ચિત બને છે. ‘શકુંતલા’ સંદર્ભે બીજી એક નોંધપાત્ર વાત એ છે કે આ ચિત્રના નિર્માણ દરમિયાન અભિનેત્રી જયશ્રી સગર્ભા હતાં. ચિત્રમાં જયશ્રીને સગર્ભા શકુંતલા તરીકે દર્શાવીને આવું વાસ્તવિક શૂટિંગ કરવાની પણ શાંતારામે પહેલ કરી હતી. ચિત્રનું ગીત ‘જીવન કી નાવ ના ડોલે, હાં, યે હૈ તેરે હવાલે’ લોકપ્રિય થયું હતું. 1961માં શાંતારામે આ જ કથાનક પરથી રંગીન ચિત્ર ‘સ્ત્રી’નું નિર્માણ કર્યું હતું. તેમાં દુષ્યંતની ભૂમિકા તેમણે પોતે અને શકુંતલાની ભૂમિકા સંધ્યાએ ભજવી હતી.

હરસુખ થાનકી