વ્હાલિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેન્થામ અને હૂકરે તેનો સમાવેશ સેક્સિફ્રેગેસી કુળમાં કર્યો હતો. જોકે ઘણા વર્ગીકરણવિજ્ઞાનીઓએ વ્હાલિયેસીને સ્વતંત્ર કુળ તરીકેનો દરજ્જો આપ્યો છે અને તેનું સ્થાન સેક્સિફ્રેગેસી અને રુબિયેસી વચ્ચે હોવાનું સ્વીકારે છે.
આ કુળ એક પ્રજાતિ અને આશરે પાંચ જાતિઓનું બનેલું છે. તેનું વિતરણ દક્ષિણ આફ્રિકા અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં થયેલું છે. ગુજરાતમાં Vahlia Viscosa Roxb (પીળો આગિયો) નામની જાતિ થાય છે.
આ કુળની વનસ્પતિઓ એકવર્ષાયુ કે દ્વિવર્ષાયુ શાકીય, શાખિત અને ક્વચિત્ ગ્રંથિમય હોય છે. પર્ણો સાદાં, સંમુખ, અખંડિત અને અનુપપર્ણીય (exstipulate) જોવા મળે છે. પુષ્પ નિયમિત, દ્વિલિંગી, મોટાભાગે જોડમાં અને ઉપરિજાયી (epigynous) હોય છે. વજ્ર 5 યુક્ત વજ્રપત્રોનું બનેલું હોય છે. તેની વજ્રનલિકા અર્ધગોળાકાર અને બીજાશય સાથે જોડાયેલી હોય છે. દલપુંજ 5 દલપત્રોનો બનેલો હોય છે. દલપત્રો વજ્ર કરતાં ટૂંકાં અને પરસ્પર જોડાયેલાં હોય છે. તેઓ સફેદ કે પીળાશ પડતા રંગનાં હોય છે. પુંકેસરચક્ર 5 પુંકેસરો વડે બનેલું હોય છે. પુંકેસરો દલલગ્ન (epipetalous), ઉપરિજાયી અને દલપત્રોથી એકાંતરિક ગોઠવાયેલાં હોય છે. સ્ત્રીકેસરચક્ર 2થી 3 યુક્ત સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. બીજાશય અધ:સ્થ (inferior), એકકોટરીય હોય છે અને તેમાં અસંખ્ય અંડકો જોવા મળે છે. તે બે પરાગવાહિનીઓ ધરાવે છે.
મીનુ પરબીઆ
દિનાઝ પરબીઆ