વોરા (દાઊદી વોરા સહિત) : પશ્ચિમ ભારતમાં મુખ્યત્વે વેપારધંધો કરતી એક જાતિ. વોરા હિન્દુ અને મુસ્લિમ બંને કોમોમાં હોય છે. મુસ્લિમ વોરા મોટેભાગે ગુજરાતમાં રહે છે. ‘વોરા’ શબ્દની વ્યુત્પત્તિ અને વોરા જાતિના મૂળ વિશે બે મત પ્રવર્તે છે. એક મતાનુસાર ગુજરાતી ભાષાના શબ્દ ‘વહોરવું’ ઉપરથી ‘વોરા’ અથવા ‘વહોરા’ શબ્દ બન્યો છે. ‘વહોરવું’નો અર્થ વેપાર કરવો થાય છે તેથી વેપારીઓ ‘વોરા’ કહેવાય છે. બીજા મતાનુસાર ખાસ કરીને મુસ્લિમો માટે વપરાતો ‘વોરા’ શબ્દ, ‘બયાસિરા’માંથી નીકળ્યો છે. ઇસ્લામના ઉદ્ભવ (સાતમો સૈકો) પહેલાં પણ પશ્ચિમ એશિયાના લોકો વેપાર અર્થે ભારત આવતા હતા અને ગુજરાતના સમુદ્રકાંઠા ઉપરનાં સ્થળોએ તેમની વસાહતો હતી. આ લોકો સ્થાનિક પ્રજા સાથે લગ્ન-સંબંધો બાંધતા હતા અને તેના પરિણામસ્વરૂપ જે નવી પેઢી જન્મી તે બયાસિરા કહેવાયા. ‘બયાસિરા’નો અર્થ ‘બે મૂળવાળા’ અથવા ‘મિશ્ર જાતિના’ થાય છે. ઇસ્લામના ઉદય પછી મુસ્લિમો ઇજિપ્ત, યમન તથા અખાતના વિસ્તારોમાંથી વેપાર અર્થે ગુજરાતમાં આવતા રહ્યા હતા અને પાટણથી લઈને સૂરત સુધી તેમની વસ્તી હતી. આ લોકોના વંશજો ‘વોરા’ અથવા ‘વહોરા’ કહેવાયા. ગુજરાતના મુસ્લિમ વોરાઓની બે મુખ્ય પેટા જાતિઓ છે : સુન્ની વોરા અને શિયા વહોરા. દરેકની વળી પેટાશાખાઓ પણ છે. સુન્ની વોરાઓમાં પટણી, ચરોતરી, ભરૂચી અને સૂરતી – એ મહત્વની પેટાશાખાઓ છે, જે જમાત કહેવાય છે. અમદાવાદમાં સુન્ની વોરાઓની જમાત ‘સુન્નત જમાત કોમે બવાહિર’ કહેવાય છે. વેપાર, ધંધો તથા નોકરી તેમનો વ્યવસાય છે. ખેડા તથા આણંદ જિલ્લાના મુસ્લિમ વોરાઓ ચરોતરી વોરા કહેવાય છે. જ્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ, ધોળકા, ધંધુકા; ગાંધીનગર જિલ્લાના કલોલ; મહેસાણા જિલ્લાના મહેસાણા, વિસનગર, કડી, વિજાપુર; પાટણ જિલ્લાના પાટણ; બનાસકાંઠાના પાલનપુર, રાધનપુર અને સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ, મોડાસા અને હરસોલના મુસ્લિમ વોરાઓને સુન્ની વોરા કહેવામાં આવે છે. આ જમાતોનો પણ મુખ્ય વ્યવસાય વેપાર-ધંધો છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જિલ્લાના સુન્ની મુસ્લિમ વોરાઓ  પટેલ વોરાઓ કહેવાય છે. તેઓ વેપારની સાથે સાથે ખેતીનો પણ વ્યવસાય કરે છે. એવી જ રીતે સૂરત શહેર અને જિલ્લામાં તથા નવસારી શહેર અને જિલ્લાનાં ગામડાંઓમાં સુન્ની વોરાઓની મોટી જમાતો છે. તેઓ શિક્ષણ અને વેપાર બંને ક્ષેત્રોમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. દક્ષિણ ગુજરાત તથા પાટણના સુન્ની મુસ્લિમ વોરાઓએ વિદેશોમાં રંગૂન, સિંગાપુર, દક્ષિણ આફ્રિકા, પૂર્વ આફ્રિકા, મૉરિશિયસ અને હવે તો ઇંગ્લૅન્ડમાં પણ મોટી વસાહતો ઊભી કરી છે. પાટણના વોરાઓ સાઊદી અરેબસ્તાનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. પાટણ, અમદાવાદ, વડોદરા તથા સૂરત જેવાં મોટાં નગરોના સુન્ની વોરાઓ ઉર્દૂ બોલે છે; જ્યારે બાકીના બધાની ભાષા ગુજરાતી છે. સુન્ની વોરાઓ મુસ્લિમોના હનફી સંપ્રદાયને અનુસરે છે, ધર્મનું ચુસ્ત રીતે પાલન કરે છે અને સામાન્ય રીતે રાજકારણથી અલિપ્ત રહે છે. તેઓ ધાર્મિક તેમજ આધુનિક કેળવણીની સાથે સાથે સામાજિક કાર્યોમાં ઘણો રસ લે છે.

ગુજરાતમાં શિયા મુસ્લિમ સંપ્રદાયના વોરાઓ, ‘બોહરા’ અને ગુજરાત બહાર ‘બોહરી’ કહેવાય છે. તેઓ શિયા સંપ્રદાયની એક શાખા ઇસ્માઇલીઓની પેટાશાખા મસ્તઅલીનું અનુકરણ કરે છે. મધ્યયુગમાં ઇજિપ્તમાં શિયાપંથી ફાતિમી ખલીફાઓનું રાજ્ય હતું. ધર્મપ્રચાર તેમની રાજનીતિનો એક ભાગ હતો. યમનમાં રહેતા એક ફાતિમી ઇમામે 1067માં અબ્દુલ્લા નામના એક દાઇ(ધર્મપ્રચારક)ને ખંભાત મોકલ્યો હતો. અબ્દુલ્લા અને મોહંમદઅલી નામના દાઇઓએ શિયાપંથી મસ્તઅલી ઇસ્માઇલી સંપ્રદાયનો પ્રચાર કર્યો હતો. તેમના અને તેમના પછી આવેલા દાઇઓની દાવત(પ્રચાર)ના પરિણામે દક્ષિણ રાજસ્થાન, સમગ્ર ગુજરાત તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં હિન્દુઓની જુદી જુદી જાતિઓના લોકોએ શિયાપંથી ઇસ્લામનો સ્વીકાર કર્યો હતો. તે બધા પણ દાઊદી વોરા અથવા બહોરા કહેવાય છે. શરૂઆતમાં તેમના ધર્મગુરુ યમનમાં રહેતા અને ગુજરાતના બોહરાઓ યમનની યાત્રાએ જતા હતા. 1539માં યૂસુફ નામના ધર્મગુરુએ યમનથી ગુજરાતમાં આવીને સિદ્ધપુરમાં પોતાની ગાદી સ્થાપી હતી. 1588માં તેમના ધર્મગુરુ દાઊદ બિન અજબશાહના અવસાન પછી બહોરાઓમાં ભાગલા પડી ગયા. મોટાભાગના લોકોએ દાઊદ બિન કુતુબશાહને અને કેટલાકે સુલેમાન(સુલયમાન)ને આ પંથના વડા તરીકે સ્વીકાર્યાં. આમ દાઊદી વોરાઓ અને સુલેમાની વોરાઓની બે અલગ જમાતો બની. ધાર્મિક માન્યતાઓ, રીતરિવાજો તથા પહેરવેશ બાબતમાં તેમનામાં કોઈ ભેદ હોતો નથી. દાઊદીઓનું મુખ્ય મથક સૂરત છે, પરંતુ તેમના વડા મુલ્લાજી મુંબઈ રહે છે. સુલેમાની વોરાઓની ગાદી વડોદરામાં આવેલી છે. શિયા વોરાઓ પોતાના સંપ્રદાયના રીતરિવાજો અને વડા મુલ્લાજીના ધાર્મિક તેમજ સાંસારિક આદેશોનું ચુસ્ત રીતે પાલન કરે છે. તેઓ પોતાની આવકની પાંચ ટકા રકમ મુલ્લાજીને ચૂકવે છે. વડા મુલ્લાજીના પ્રતિનિધિઓ દરેક વસાહતમાં હોય છે અને તે આમિલસાહેબ કહેવાય છે. છેલ્લા કેટલાક દાયકાઓથી વડા મુલ્લાજીના આપખુદ વલણના વિરોધમાં સુધારાવાદીઓનો એક મોટો વર્ગ ઊભો થયો છે. હાલ સુધારાવાદી વોરાઓના આગેવાન અસગરઅલી એન્જિનિયર છે, જે દેશવિદેશમાં વિચારક, લેખક તથા સામાજિક કાર્યકર તરીકે જાણીતા છે. દાઊદી વહોરા પુરુષો સામાજિક પ્રસંગોએ સફેદ ડગલો અને માથે સોનેરી પાઘડી પહેરે છે. સ્ત્રીઓના પોષાકમાં ચણિયાચોળી અને હવે છીંટના કાપડના હલકા રંગના બુરખાનો પણ સમાવેશ થાય છે. દાઊદી વહોરાઓના પવિત્ર અને યાત્રાનાં સ્થળો અમદાવાદમાં સરસપુર તથા કાંકરિયા વિસ્તારમાં અને દક્ષિણ રાજસ્થાનમાં ગલિયાકોટમાં આવેલાં છે. દાઊદી વોરાઓની ગુજરાતી ભાષા તથા તેમના ઉચ્ચારો લાક્ષણિક હોય છે. તેમનાં ધાર્મિક પુસ્તકોમાં ગુજરાતી ભાષા પણ અરબી લિપિમાં લખવાનો રિવાજ છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી