વોરા, વિનાયક (જ. 1929, માંડવી, કચ્છ; અ. 4 જૂન 2006, મુંબઈ) : તારશરણાઈના બેતાજ બાદશાહ. સાહિત્ય અને સંગીતને વરેલા પરિવારમાં જન્મ. પિતા નાનાલાલ વૈકુંઠરાય વોરા સંસ્કૃતના પંડિત અને સંગીતના મર્મજ્ઞ હતા જેમની પાસેથી બાળપણમાં વિનાયક વોરાએ સંગીતની પ્રાથમિક તાલીમ મેળવી હતી. તેમના કાકા પ્રમોદરાય તથા ઉપેન્દ્રરાય કચ્છના જાણીતા સાહિત્યકાર અને કેળવણીકાર હતા. પ્રાથમિક શિક્ષણ વતન માંડવીમાં, ઉચ્ચ અભ્યાસ રાજકોટની ધર્મેન્દ્રસિંગ કૉલેજમાં અને સ્નાતકની પદવી મુંબઈની કૉલેજમાંથી મેળવી હતી.

વિનાયક વોરા

સાથોસાથ સંગીતવિશારદની પરીક્ષા પસાર કરી હતી. સંગીતની ખયાલગાયકીની ઉચ્ચ શિક્ષા તેમણે કિરાના ઘરાનાના જાણીતા શાસ્ત્રીય સંગીતકાર યશવંત પુરોહિત (1916–64) પાસેથી મુંબઈમાં લીધી. તારશરણાઈ મૂળ બંગાળી અને પ્રમાણમાં ઓછું પ્રચલિત વાદ્ય છે. વિનાયક વોરાએ તેના પર નિપુણતા પ્રાપ્ત કરી હતી અને પોતાના એકલ કાર્યક્રમો દ્વારા તેને લોકપ્રિય બનાવ્યું હતું. છેક 1953થી આકાશવાણીનાં કેન્દ્રો પર તેમના તારશરણાઈના કાર્યક્રમો રજૂ થવા લાગ્યા હતા. લગભગ ચાર દાયકા સુધી તેમણે આકાશવાણી મુંબઈ કેન્દ્રને પોતાની સેવાઓ આપી હતી. સંગીતમાર્તંડ પંડિત જસરાજ, વિદુષી લક્ષ્મી શંકર, વિશ્વવિખ્યાત વાયોલિનવાદક યહૂદી મેન્યુહિન (1916–69) જેવા સંગીત-દિગ્ગજો સાથે તેમણે સંગત કરી હતી તથા દેશવિદેશમાં તારશરણાઈના એકલ કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા. વળી, તેમણે અમેરિકાના જાણીતા બિટલ્સ સંગીતજૂથની ફિલ્મ ‘વંડરવૉલ’માં શરણાઈના સૂર રેલાવ્યા હતા તથા કૅલિફૉર્નિયાની દસ્તાવેજી ફિલ્મ ‘કિંગ્ડમ ઇન ક્લાઉડ્ઝ’નું સંગીતનિર્દેશન કર્યું હતું. સાથોસાથ તેમણે આકાશવાણી ઉપરાંત કેટલીક સંગીત-કંપનીઓ માટે હિંદી અને ગુજરાતી ગીતોને સંગીતમાં ઢાળવાની કામગીરી કરી હતી. સ્ટ્રૉ વાયોલિનને નવો ઓપ આપી તેમણે તારશરણાઈનું સર્જન કર્યું હતું અને તેમાં તેમણે આંતરરાષ્ટ્રીય નામના અને સન્માનો પ્રાપ્ત કર્યા હતા.

વિનાયક વોરા તારશરણાઈના ભારતમાં કદાચ છેલ્લા શાસ્ત્રીય વાદક ગણાય.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે