ગુજરાત ઇતિહાસ પરિષદ : ગુજરાતની પ્રજામાં ઇતિહાસની અભિરુચિ કેળવાય, ઇતિહાસની સાચી ર્દષ્ટિ મળે, ગુજરાતના ઇતિહાસના ક્ષેત્રે સંશોધન કરતા સંશોધકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન મળી રહે તેમજ ઇતિહાસના અભ્યાસને ઉત્તેજન આપવું એ હેતુથી ગુજરાત ઇતિહાસ પરિષદની સ્થાપના એપ્રિલ 1960માં કરવામાં આવી હતી. વલ્લભવિદ્યાનગર મુકામે 1957ના ડિસેમ્બરમાં ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસનું 20મું અધિવેશન યોજાયું હતું ત્યારે આ સંસ્થા સ્થાપવાનો વિચાર આવ્યો હતો. વિદ્યાનગરના વિશ્વકર્મા શ્રી ભાઈલાલભાઈ દ્યાભાઈ પટેલનો આ સંસ્થા સ્થાપવામાં અજબ ઉત્સાહ હતો. પરિષદનું બંધારણ ઘડવા ઍડહૉક સમિતિની રચના કરવામાં આવી. સભ્યો નોંધવાની હિલચાલ થઈ. 1લી એપ્રિલ 1960થી સંસ્થાનું સત્તાવાર કામકાજ શરૂ થયું. આમ આ સંસ્થા 50 વર્ષથી કાર્યરત રહી છે. તેના પ્રથમ પ્રમુખ ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી હતા અને વર્તમાન પ્રમુખ ડૉ. મંગુભાઈ પટેલ છે.
પરિષદ દર બે વર્ષે અધિવેશન અને જ્ઞાનસત્રનું આયોજન કરે છે. અધિવેશન પ્રસંગે વિદ્વાનોએ લખેલા ગુજરાતના પુરાતત્વ, ઇતિહાસ, સંસ્કૃતિ, કલા વગેરે વિષયો પરના સંશોધનપત્રો રજૂ કરવામાં આવે છે અને સંશોધનની નવી દિશાઓની જાણ સભ્યોને કરાવવામાં આવે છે. અત્યાર સુધી પરિષદનાં આવાં 24 અધિવેશનો ગુજરાત અને ગુજરાત બહારનાં સ્થળોએ યોજાઈ ગયાં છે. અધિવેશન પ્રસંગે ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વના વિષયોને કેન્દ્રમાં રાખીને નિબંધ સ્પર્ધા યોજવામાં આવે છે. વિજેતાઓને સુવર્ણચંદ્રક, રૌપ્યચંદ્રક અને પારિતોષિક વડે સન્માનવામાં આવે છે. પાંચ સુવર્ણચંદ્રક અને આઠ રૌપ્યચંદ્રક સ્પર્ધા માટે નિયત કરેલા છે. અધિવેશન પ્રસંગે ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વના ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વિદ્વાનને શ્રી રસિકલાલ પરીખ સુવર્ણચંદ્રક આપીને સન્માનવામાં આવે છે. 2002થી આ રીતે સદર ચંદ્રક એનાયત કરવાનું શરૂ થયું છે. કૉલેજના ઇતિહાસ વિષયના અનેક વિદ્યાર્થીઓ અને અધ્યાપકો આ સ્પર્ધામાં હોંશભેર ભાગ લે છે. આ સ્પર્ધાથી અનેક વિદ્યાર્થીઓએ સંશોધનની તાલીમ મેળવીને ઇતિહાસ સંસ્કૃતિના સફળ અધ્યાપક તરીકે નામના મેળવી છે. જ્ઞાનસત્રમાં ઇતિહાસની કોઈ વિચારણીય બાબત, ઘટના, વ્યક્તિ-સંસ્થાના કાર્યને કેન્દ્રમાં રાખીને ચર્ચા પ્રારંભ વ્યાખ્યાન (Key-note Lectures) વિદ્વાન વક્તાઓ દ્વારા અપાતાં હોય છે અને તે વિશે ચર્ચા-વિચારણા કરીને તે વિષયનું તલસ્પર્શી જ્ઞાન પામવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આવાં 17 જ્ઞાનસત્રો યોજાઈ ગયાં છે. અધિવેશન અને જ્ઞાનસત્રમાં લગભગ 100 થી 150 આસપાસ સભ્યો ઉપસ્થિત રહેતા હોય છે.
અધિવેશન અને જ્ઞાનસત્રના આયોજન ઉપરાંત ઇતિહાસ અંગેના પ્રકાશનની પ્રવૃત્તિને પણ પરિષદે મુખ્ય સ્થાન આપ્યું છે. ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિમાં સંશોધન કરનારને કે તેમાં રસ ધરાવનારને મદદરૂપ થવાના ઉદ્દેશથી પરિષદે ગુજરાતના ઇતિહાસની સંદર્ભસૂચિના જુદા જુદા ખંડ પ્રકાશિત કરવાની પ્રવૃત્તિ હાથ ધરી છે. આજદિન સુધીમાં પરિષદે આવા આઠ ખંડો છ પુસ્તિકા સ્વરૂપે પ્રગટ કર્યા છે. આમાંના પહેલા ખંડમાં ગુજરાતના ઇતિહાસને લગતાં સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ગ્રંથોની સૂચિ આપવામાં આવી છે. બીજાથી પાંચમા ખંડમાં સંસ્કૃત અભિલેખો તથા પ્રતિમાલેખોની અને છઠ્ઠા ખંડમાં અરબી, ફારસી અભિલેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાતમા ખંડમાં ગુજરાતના ઇતિહાસને લગતી વંશાવલીઓ અપાઈ છે. જ્યારે આઠમા ખંડમાં ગુજરાતના ઇતિહાસને લગતા પ્રકાશિત થયેલા લેખોની સૂચિ આપવામાં આવી છે. પ્રાચીન ગુજરાતના ઇતિહાસની સાલવારીને રજૂ કરતું પુસ્તક I.C.H.R.ની આર્થિક સહાયથી પ્રસિદ્ધ થયું છે. પરિષદના અત્યાર સુધીના પ્રમુખોનાં પ્રવચનો બે ભાગમાં પ્રસિદ્ધ થયાં છે. અત્યાર સુધીમાં કુલ 20 પ્રકાશનો થયાં છે.
સંદર્ભસૂચિઓ ઉપરાંત ગુજરાતનાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોની માહિતી આપતી તથા ઐતિહાસિક બનાવોનું નિરૂપણ કરતી પરિચય પુસ્તિકાઓ સાધનોની મર્યાદામાં રહીને પ્રગટ કરવાનું કાર્ય પણ હાથ ધર્યું છે. આ યોજના હેઠળ ‘નારાયણ સરોવર’, ‘હિંદ છોડો લડતમાં અમદાવાદનું પ્રદાન’, ‘શામળાજી’, ‘ગુજરાતના પ્રાચીન ઇતિહાસની સાધનસામગ્રી’, ‘પુરાતત્વમાં ગુજરાત’, ‘અયોધ્યાકાંડ : રામાયણનું હાર્દ’, ‘દ્વારકા અને શ્રીકૃષ્ણ’, ‘વીસનગર’ નામની આઠ પુસ્તિકાઓ પ્રગટ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના ભાષા નિયામકશ્રી તરફથી મળેલી આર્થિક સહાયથી પ્રથમ આઠ અધિવેશન પ્રસંગે પ્રમુખશ્રીએ આપેલાં પ્રવચનો ‘પરિષદના પ્રમુખોનાં વ્યાખ્યાનો’ એ શીર્ષક નીચે પ્રગટ કર્યાં છે. 9મા જ્ઞાનસત્રના ચર્ચા-પ્રારંભ માટેનાં વ્યાખ્યાનો (key-note lectures) પણ પુસ્તિકા સ્વરૂપે પ્રગટ કર્યાં છે. 15મા અધિવેશન પ્રસંગે યોજાયેલ નિબંધ સ્પર્ધાના ચંદ્રક વિજેતા નિબંધો પુસ્તિકા સ્વરૂપે પ્રકાશિત કર્યા છે. આમ પરિષદની પ્રકાશન પ્રવૃત્તિ પણ તેના મર્યાદિત આર્થિક માળખામાં રહીને કરવામાં આવે છે.
પરિષદ દ્વારા લોકપ્રિય વ્યાખ્યાનશ્રેણી યોજવામાં આવે છે. આ વ્યાખ્યાનોનો વિષય સ્થાનિક ઇતિહાસને લગતો રાખવામાં આવે છે. આવાં વ્યાખ્યાનોથી સ્થાનિક ઇતિહાસનું મહત્વ દર્શાવવા ઉપરાંત ઇતિહાસના નિર્માણ માટેનાં ઉપલબ્ધ સ્થાનિક સાધનો નાશ ન પામે, તેનું જતન કરવાની અને બને એટલી વિગતોની નોંધ કરી લેવાની સ્થાનિક ઇતિહાસ-પ્રેમીઓને સમજ અપાય છે.
પરિષદના સભ્યોની ફી બૅન્કમાં ફિક્સ્ડ ડિપૉઝિટમાં મૂકીને તેના વ્યાજની રકમમાંથી પરિષદનો વહીવટ ચલાવવામાં આવે છે. ચંદ્રકો અને પારિતોષિકો દાતાઓએ આપેલા દાનના વ્યાજની રકમમાંથી આપવામાં આવે છે. હાલ પરિષદમાં 750 જેટલા આજીવન સભ્યો છે. ઇતિહાસના વિષયમાં જે કોઈને રસ હોય તે પરિષદના સભ્ય થઈ શકે તેવું ઉદાર વલણ અપનાવવામાં આવ્યું છે તેથી વિદ્યાર્થીઓ, શિક્ષકો, વિદ્વાનો, સંશોધકો એ સૌ આ પરિષદના સભ્ય તરીકે છે. ગુજરાતની બહાર કોલકાતા (1986), હૈદરાબાદ (1994–2002), મુંબઈ (1995) અને કોટા (2001), આબુ (2006) મુકામે અધિવેશનો-જ્ઞાનસત્ર યોજવામાં આવ્યાં હતાં. આ બાબત દર્શાવે છે કે અન્ય પ્રદેશમાં વસતા ગુજરાતીઓ ગુજરાત ઇતિહાસ પરિષદને ઉમળકાથી અધિવેશન-જ્ઞાનસત્ર યોજવા આમંત્રણ આપે છે અને તેથી ગુજરાત ઉપરાંત ગુજરાતની બહાર પણ ઇતિહાસને ઉત્તેજન આપતી સંસ્થા તરીકે તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આનું કારણ એ છે કે ગુજરાત ઇતિહાસ પરિષદે સમગ્ર ગુજરાતના ઐતિહાસિક સંશોધન અને ઐતિહાસિક હિતને કેન્દ્રમાં રાખીને કાર્ય કરે છે.
ભારતી શેલત
થોમસ પરમાર