ગુજરાત કેળવણી પરિષદ : શિક્ષણની સર્વગ્રાહી વિચારણા માટે ભરાયેલી પરિષદ. પ્રથમ પરિષદ 23 અને 24 ઑક્ટોબર 1916ના દિવસે ચીમનલાલ સેતલવડના પ્રમુખપદે અમદાવાદમાં મળી હતી. મહાત્મા ગાંધી, રણજિતરામ, ઇન્દુલાલ યાજ્ઞિક, સુમંત મહેતા વગેરે કાર્યકરો તથા ગુજરાતનાં દેશી રાજ્યોના વિદ્યાધિકારીઓએ તેમાં હાજરી આપી ચર્ચામાં ભાગ લીધો હતો. આ પરિષદમાં નીચે મુજબના ઠરાવો થયા હતા :

(1) જે દેશી રાજ્યોએ કેળવણી મફત અથવા મફત અને ફરજિયાત કરી છે તેમને આ પરિષદ અભિનંદન આપે છે અને બીજાંને તેવાં જ પગલાં ભરવાની ભલામણ કરે છે.

(2) પ્રાથમિક કેળવણીનો સત્વર પ્રચાર કરવા તેમજ તેને મફત અને ફરજિયાત કરવા આ પરિષદ સરકારને આગ્રહપૂર્વક વિનંતી કરે છે.

(3) લોકલ બોર્ડના અને એજન્સીના પ્રદેશમાં જે ગામમાં પંદર વિદ્યાર્થીઓ ભણવાને તૈયાર હોય તે સર્વેમાં પાંચ વરસમાં નિશાળો સ્થાપવાનો નિશ્ચય સરકારે કરવો જોઈએ અને એની સિદ્ધિ માટે ચોક્કસ યોજના બહાર પાડી તે દર વર્ષે અમલમાં મૂકવી જોઈએ તેમજ તે માટે કેળવણીની ગ્રાંટમાં જરૂરી વધારો કરવો જોઈએ.

શિક્ષકો અંગેના ઠરાવો નીચે મુજબ હતા :

(1) બિનતાલીમી શિક્ષકોનો માસિક પગાર ઓછામાં ઓછો રૂ. 12 હોવો જોઈએ અને પહેલા વર્ષના ટ્રેન્ડ શિક્ષકોનો માસિક પગાર રૂ. 15 જેટલો હોવો જોઈએ.

(2) શાળાઓમાં ટ્રેન્ડ શિક્ષકોનું પ્રમાણ વધે અને નવી સ્થાપવાની શાળાઓ માટે ટ્રેન્ડ શિક્ષકો જ મળે એ હેતુથી ગુજરાતમાં ઓછામાં ઓછી એક વધારે મેઇલ ટ્રેનિંગ કૉલેજ સ્થાપવી જોઈએ.

કન્યાશિક્ષણ માટેના ઠરાવો નીચે મુજબ હતા :

(1) પોતાના શહેરમાં કન્યાઓના પ્રાથમિક શિક્ષણની વૃદ્ધિ તરફ ખાસ ધ્યાન આપવા અને તે હેતુસર વધારે અલાયદી કન્યાશાળાઓ સ્થાપવા આ પરિષદ મ્યુનિસિપાલિટીઓને આગ્રહપૂર્વક ભલામણ કરે છે.

(2) લોકલ બોર્ડના પ્રદેશમાં તે જ હેતુની સિદ્ધિ માટે જે જે ગામમાં ઓછામાં ઓછી 20 કન્યાઓ છોકરાઓની નિશાળમાં ભણતી હોય ત્યાં જુદી કન્યાશાળા સ્થાપવાની ભલામણ આ પરિષદ જિલ્લા લોકલ બોર્ડને કરે છે.

(3) સામાન્ય નિયમ તરીકે બીજા વર્ગની પ્રાથમિક શાળાઓ ચારને બદલે પાંચ ધોરણની હોવી જોઈએ.

(4) સ્થાનિક જરૂરિયાત પ્રમાણે કોઈ પ્રાથમિક શાળામાં આગળનાં ધોરણો વધારવાની સત્તા એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરને બદલે તાલુકા લોકલ બોર્ડની ભલામણથી જિલ્લા બોર્ડને હોવી જોઈએ.

ઠક્કરબાપાએ ગામડાંની પ્રજા અને અંત્યજો માટે વધારે શાળાઓ સ્થાપવા આગ્રહ કર્યો હતો.

બીજી કેળવણી પરિષદ ભરૂચમાં 1917માં ઇન્દુલાલ યાજ્ઞિકના પ્રયાસોથી મળી હતી. આ પરિષદમાં નરહરિ પરીખે રાષ્ટ્રીય શાળાની યોજના રજૂ કરી હતી. વિઠ્ઠલભાઈ પટેલના મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણના ખરડાની આ પરિષદમાં ચર્ચા થઈ હતી. આ ઉપરાંત ઇતિહાસ અને બીજાં પાઠ્યપુસ્તકોની ખામીઓ અંગે ટીકા કરવામાં આવી હતી. વ્યાયામની દેશી પદ્ધતિને બદલે પશ્ચિમની ખર્ચાળ રમતોના આધિપત્ય તરફ અણગમો વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંત્યજો અને કન્યાકેળવણી અંગે વિચારણા કરાઈ હતી.

શિવપ્રસાદ રાજગોર