કોઠારી, સુનીલ (જ. 20 ડિસેમ્બર 1933, મુંબઈ; અ. 27 ડિસેમ્બર 2020, દિલ્હી) : ભારતીય શાસ્ત્રીય નૃત્યક્ષેત્રના મર્મજ્ઞ, ઇતિહાસકાર, લેખક તથા વિવેચક. બાળપણથી જ નૃત્યકલા પ્રત્યે આકર્ષણ જાગ્યું. જેમાં સિતારાદેવી ગોપીકૃષ્ણ જેવા નૃત્યકારોની કલાથી વિશેષ પ્રભાવિત થયા. અભ્યાસનો આરંભ કર્યો વાણિજ્ય વિદ્યાશાખાથી. 1956માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.કૉમ. થયા પછી અનુસ્નાતક કક્ષાએ સાહિત્ય તથા સંસ્કૃતના વિષયો રાખી 1963માં એ જ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી. 1964માં ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટની પરીક્ષા પાસ કરી વ્યાવસાયિક નિપુણતા પણ મેળવી. ત્યારબાદ નૃત્યશૈલી તથા નાટ્યપરંપરાના પોતાના આજીવન અભ્યાસના વિષયને અનુરૂપ રહી, ‘ધ ડાન્સ-ડ્રામા ટ્રૅડિશન ઍન્ડ ધ રસ થિયરી’ વિશે મહાનિબંધ લખીને 1977માં એમ. એસ. યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી. 1986માં કોલકાતા ખાતેની રવીન્દ્ર ભારતી યુનિવર્સિટીમાંથી નૃત્યના વિષયમાં ડી.લિટ.ની પદવીનું બહુમાન પણ પામ્યા. નૃત્યના અભ્યાસ માટે સાત ભારતીય ભાષાઓ શીખ્યા.
ભારતીય નૃત્યકળાના ક્ષેત્રે તેમણે કીમતી અને બહુવિધ કામગીરી બજાવી છે. તેઓ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયાના સળંગ 40 વર્ષ સુધી નૃત્યકલા-સમીક્ષક હતા. ડાન્સર્સ ગિલ્ડ, મુંબઈના સ્થાપક મંત્રી (1963-69), મુંબઈ ખાતેના ભારતીય વિદ્યાભવનના ભવન્સ કલાકેન્દ્રના મંત્રી, મુંબઈની સૂરસિંગાર સંસદ સંસ્થાના વાર્ષિક નૃત્ય મહોત્સવોના કલાનિર્દેશક, ભારત સરકારના ઍડ્વાઇઝરી ફિલ્મ સેન્સર બોર્ડના સભ્ય, યુનેસ્કોની ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑવ્ ડાન્સની કારોબારી સમિતિના સભ્ય, તેમજ એમ. એસ. યુનિવર્સિટી અને ભારતીય વિદ્યાભવન ખાતે મુલાકાતી પ્રાધ્યાપક તરીકેની કામગીરી આમાં વિશેષ ઉલ્લેખનીય છે. ત્યારબાદ દિલ્હી ખાતેની સંગીત-નાટક અકાદમીમાં નૃત્ય વિભાગના મદદનીશ સચિવ તરીકે સેવા આપ્યા પછી તેમણે રવીન્દ્ર ભારતી યુનિવર્સિટી (જોરાસાંકો) ખાતે અધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું.
પરંપરાગત તથા શાસ્ત્રીય નૃત્યશૈલીનાં વિવિધ સ્થળો-કેન્દ્રોની મુલાકાત લેવા તેમણે દેશભરમાં વિસ્તૃત પ્રવાસ ખેડ્યો હતો. છેલ્લાં 30 વર્ષોની આ સંસ્કાર-સંશોધનની યાત્રા દરમિયાન તેમણે શાસ્ત્રીય નૃત્યશૈલી તથા પરંપરાગત નૃત્યો અને લોકનૃત્યના પ્રકારો વિશે સ્લાઇડ, ફોટોગ્રાફ તથા રેકૉર્ડિંગ રૂપે મબલક સંશોધનસામગ્રી એકત્રિત કરી હતી. સાથોસાથ નૃત્યવિષયક પરિસંવાદ તથા પ્રવચન-નિદર્શન, નૃત્ય કાર્યક્રમ, નૃત્ય અંગેના આસ્વાદને લગતા અભ્યાસક્રમો જેવા કાર્યક્રમોનાં આયોજન-સંચાલન મારફત નૃત્યવિષયક સૂઝ અને જાણકારી વધારવામાં તેમણે નિર્ણાયક ફાળો આપ્યો હતો. નૃત્ય પ્રસ્તુતીકરણ કરતાં નૃત્યની શૈલીઓના અભ્યાસમાં તેમને વધારે રસ હતો.
નૃત્યક્ષેત્રે ઉત્તમ પ્રદાન કરવા બદલ 1959માં તેમને કુમાર સુવર્ણચંદ્રક એનાયત કરાયો હતો. ફિલ્મ, ટેલિવિઝન તથા રેડિયો જેવાં લોકમાધ્યમો મારફત પણ તેમણે નૃત્યકલાને લોકભોગ્ય બનાવવાનો ઉદ્યમ આદર્યો હતો. મુંબઈ દૂરદર્શન પરથી નિયમિત કાર્યક્રમો આપવા ઉપરાંત તેમણે ભારતનાં સમર્થ નૃત્યગુરુ-નૃત્યાંગના રુક્મિણીદેવી તથા ભારતની નૃત્ય વિદ્યાપીઠ સમા ‘કલાક્ષેત્ર’ અંગે દસ્તાવેજી ફિલ્મ તૈયાર કરી તથા વૈજયંતીમાલા વિશે એવી જ ફિલ્મ તૈયાર કરી હતી. મુંબઈ દૂરદર્શન માટે છ પ્રમુખ નૃત્યકારો વિશે દસ્તાવેજી ફિલ્મ તૈયાર કરવામાં તે મુખ્ય સહયોગી રહ્યા હતા. ફિલ્મ્સ ડિવિઝન માટે કમલાદેવી ચટ્ટોપાધ્યાય વિશેની દસ્તાવેજી ફિલ્મ માટેનું લેખનકાર્ય તેમણે સંભાળ્યું હતું.
તેમના સંશોધન અને અભ્યાસના પરિપાકરૂપે ‘છાઉ ડાન્સિઝ ઑવ્ ઇન્ડિયા’ (1968), ‘ભરતનાટ્યમ્’ (1979), ‘એપ્રિસિયેશન ઑવ્ ક્લાસિકલ ડાન્સિઝ ઑવ્ ઇન્ડિયા’, ‘ધ ડાન્સ-ડ્રામા ટ્રૅડિશન ઍન્ડ ધ રસ થિયરી’, ‘ડાન્સ ઍન્ડ ડાન્સર્સ’, ‘કથક’ (1989), ‘ઓડિસી’ (1990) તથા ‘કુચિપુડી’ જેવાં પુસ્તકો, નિબંધો અને અભ્યાસલેખો મારફત તેમણે નૃત્યકલાનાં વિવિધ પાસાં, પરંપરા તથા શૈલી વિશે તેમની વિદ્વત્તાપૂર્ણ તથા અધિકૃત જાણકારીનો લાભ આપ્યો હતો. વિવિધ સાંપ્રત નૃત્યપ્રવાહો તથા નૃત્ય-કાર્યક્રમો અને કલાકારો વિશે તે અવારનવાર દેશવિદેશનાં અગ્રણી અંગ્રેજી દૈનિકો તથા સામયિકોમાં નિયમિત વિવેચન લખતા રહીને તેમની સજાગ મર્મજ્ઞતાની પ્રતીતિ કરાવતા રહ્યા. 2005 સુધીમાં ભારતીય શાસ્ત્રીય નૃત્યશૈલીઓ પર પ્રકાશ પાડતાં તેમનાં 12 પુસ્તકો પ્રકાશિત થયાં છે; જેમાં ભરતનાટ્યમ્, ઓડિસી, કથક, કુચિપુડી, છાઉ વગેરેનો સમાવેશ થાય છે.
તેમણે જે મહત્ત્વનાં પદો પર કાર્ય કર્યું છે તેમાં રવીન્દ્ર ભારતી યુનિવર્સિટીના નૃત્ય વિભાગમાં ઉદયશંકર પ્રોફેસર, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, નવી દિલ્હીના સ્કૂલ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ઍસ્થેટિક્સના ડીન તથા પ્રોફેસર તથા વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ(UGC)ની યોજના હેઠળ બે વર્ષ સુધી નૅશનલ પ્રોફેસર ઑવ્ ડાન્સનો સમાવેશ થાય છે. ‘પદ્મશ્રી’ ઉપરાંત તેમને ગુજરાત રાજ્ય સંગીત-નાટક અકાદમી ઍવૉર્ડ, કેન્દ્રીય સંગીત-નાટક અકાદમી ઍવૉર્ડ, ફુલબ્રાઇટ શિષ્યવૃત્તિ તથા અમેરિકાની ત્રણ યુનિવર્સિટીઓમાં નૃત્યવિષયક વ્યાખ્યાનો આપવા માટે ફુલબ્રાઇટ ફેલોશિપ એનાયત કરવામાં આવ્યા હતા.
તેઓ ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ કલ્ચરલ રિલેશન્સ(ICCR)ની સલાહકાર સમિતિના સભ્ય; સંગીત-નાટક અકાદમીની જનરલ કાઉન્સિલના પૂર્વ સભ્ય; કાલિદાસ સન્માન પસંદગી સમિતિના સભ્ય; વિદેશમાં આયોજિત થતા ‘ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા’ માટે નર્તકોની પસંદગી સમિતિના સભ્ય; ખજુરાહો ખાતે આયોજિત કરવામાં આવતા નૃત્ય-સમારોહો માટે નર્તકોની પસંદગી સમિતિના સભ્ય વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત, એશિયન કલ્ચરલ કાઉન્સિલ ફેલોશિપ યોજના હસ્તક અમેરિકાની ન્યૂયૉર્ક યુનિવર્સિટીના નૃત્ય વિભાગમાં રેસિડન્ટ પ્રોફેસરનું પદ પણ તેઓએ શોભાવ્યું હતું.
ગોવર્ધન પંચાલ