કોઠારી – વિઠ્ઠલદાસ

January, 2008

કોઠારી, વિઠ્ઠલદાસ (જ. 28 ઑગસ્ટ 1900, કલોલ; અ. 25 ડિસેમ્બર 1972, અમદાવાદ) : ગૂજરાત વિદ્યાપીઠના આજીવન સેવક તથા અર્થશાસ્ત્રના અધ્યાપક. પિતા મગનલાલ. માતા ચંચળબા. મૅટ્રિક સુધીનું શિક્ષણ કલોલમાં. 1920માં અમદાવાદની ગુજરાત કૉલેજમાં જોડાયા. એ જ વર્ષે ગાંધીજીની રાષ્ટ્રીય શિક્ષણની હાકલ થતાં કૉલેજ છોડી ગૂજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા. 1923માં અર્થશાસ્ત્રની સ્નાતકની પદવી લઈ વિદ્યાપીઠમાં જ અધ્યેતા નિમાયા. વિદ્યાપીઠ અને રાષ્ટ્રની સેવા માટે આજીવન અપરિણીત રહેવાનો સંકલ્પ કર્યો. વિદ્યાપીઠમાં એકધારું 49 વર્ષ શિક્ષણકાર્ય કર્યું. ઉપરાંત મદદનીશ મહામાત્ર અને ઉપાચાર્ય તરીકે પણ સેવાઓ આપી. વિદ્યાપીઠના આજીવન ટ્રસ્ટી ને કારોબારીના સભ્ય રહ્યા. સ્વૈચ્છિક ગરીબી સ્વીકારી હોઈ 1960 સુધી માસિક પગાર પચાસ રૂપિયા જ લેતા. પુસ્તકો : ‘અર્થશાસ્ત્રપ્રવેશિકા’, ‘હિંદનું પ્રજાકીય અર્થશાસ્ત્ર’, ‘ખેડૂતપોથી’, ‘કેળવણી વડે ક્રાંતિ’, ‘દોઢ સદીનો આર્થિક ઇતિહાસ’, ‘પ્રાચીન અર્થશાસ્ત્ર : એક દોહન’, ‘પ્રૌઢશિક્ષણ’ વગેરે.

મગનભાઈ જો. પટેલ