કોટેશ્વર (બનાસકાંઠા) : દાંતા તાલુકામાં અંબાજી અને કુંભારિયા નજીક આવેલું તીર્થસ્થાન. અંબાજીથી 6 કિમી. દૂર કોટેશ્વર 24o 21′ ઉ. અ. અને 72o 54′ પૂ. રે. ઉપર આવ્યું છે. પવિત્ર ગણાતી સરસ્વતી નદી કોટેશ્વર નજીકના ડુંગરામાંથી નીકળી ગૌમુખ દ્વારા કુંડમાં થઈને વહે છે. કુંડ નજીક કોટેશ્વરનું જીર્ણોદ્ધાર કરાયેલું સાદું મંદિર છે. નજીકના વૈષ્ણવ મંદિરમાં વિષ્ણુ તથા સપ્ત માતૃકાઓની મૂર્તિઓ જળવાઈ રહી છે. વાલ્મીકિ આશ્રમ નજીકના મંદિરની દીવાલમાં લકુલીશની મૂર્તિ છે, જે પાશુપત સંપ્રદાયનું આ મૂળ સ્થાનક હશે તે સૂચિત કરે છે. અહીં એક પ્રાથમિક શાળા છે.
શિવપ્રસાદ રાજગોર