કોટ્ટાયમ : કેરળ રાજ્યનો એક જિલ્લો, તે જ નામનું જિલ્લામથક અને નાનું બંદર. આ જિલ્લો 9o 15’થી 10o 21′ ઉ.અ. અને 76o 22’થી 77o 25′ પૂ.રે. વચ્ચે આવેલો છે. પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 112 કિમી. અને ઉત્તર-દક્ષિણ લંબાઈ 116.80 કિમી. છે. તેનું ક્ષેત્રફળ 2204 ચોકિમી. છે. વસ્તી : 19,79,384 (2011). કુલ વસ્તી પૈકી 48.6% હિંદુઓ, 46.8% ખ્રિસ્તીઓ અને 4.5% મુસલમાન છે.

કોટ્ટાયમ જિલ્લો

કુદરતી રીતે તેના ત્રણ વિભાગો છે : કિનારાનું સપાટ મેદાન, મધ્ય ભાગ અને પૂર્વનો પહાડી પ્રદેશ. 73% ભાગ પહાડી છે. સૌથી ઊંચા અનામુડી પર્વતનું શિખર 2817 મી. ઊંચું છે. પહાડી પ્રદેશની જમીન કાળી છે. મધ્યભાગની જમીન કાંપ, રેતી અને કાંકરાવાળી છે. કાંઠાની જમીન રેતાળ છે. ત્યાંની મુખ્ય નદી પેરિયર છે. તેના પર જળવિદ્યુતમથક છે.

કોટ્ટાયમનું એક ર્દશ્ય

આબોહવા ગરમ અને ભેજવાળી છે. ઉનાળો આકરો અને શિયાળો આહલાદક રહે છે. કાર્ડેમમ ટેકરીઓની ઊંચાઈને કારણે હવામાન આહલાદક હોય છે. સરેરાશ તાપમાન 31o સે.થી 25o સે. રહે છે. વધુમાં વધુ વરસાદ પૂર્વના પહાડી પ્રદેશમાં 5164.8 મિમી. પડે છે, જ્યારે ઓછામાં ઓછો વરસાદ 649.2 મિમી. છે. પૂર્વના પહાડી પ્રદેશમાં સતત લીલાં, ભેજવાળાં ખરાઉ અને સૂકાં ખરાઉ જંગલો આવેલાં છે. વાંસ, નેતર, સાગ, રોઝવુડ, પોચું અને બળતણનું લાકડું, ઔષધીય વનસ્પતિ, મધ વગેરે તેની પેદાશ છે. પર્વતીય પ્રદેશમાં રબર, ચા, પીપર, ઇલાયચી તથા અન્ય તેજાના વગેરેના બગીચા આવેલા છે. શેરડી, હળદર, આદું, સોપારી, નારિયેળ, ટૅપિઓકા, ડાંગર, કાજુ, કઠોળ વગેરે અન્ય પાકો છે. ત્યાં કેળાં, કેરી, પાઇનૅપલ, જૅકફ્રૂટ વગેરે ફળો પણ થાય છે. ફળોની નિકાસ કરાય છે.

બેરિલ, ચાલ્કોપાઇરાઇટ, કાચરેતી, ચૂનાખડક, મોનેઝાઇટ, માટી વગેરે ત્યાંનાં મુખ્ય ખનિજો છે. લોકોનો મુખ્ય ઉદ્યોગ ખેતી છે. આ સિવાય વેમ્બાડ સરોવર નજીક મત્સ્ય-ઉદ્યોગ વિકસ્યો છે. નદીના પટમાંની છીપોનો ચૂનો બનાવાય છે. નારિયેળના રેસામાંથી કાથી, ચટાઈ વગેરે બનાવાય છે. તે ઘણા લોકોને રોજી આપે છે. સિમેન્ટ તથા પ્લાયવુડ અને રબર ઉદ્યોગ પણ ત્યાં વિકસ્યો છે.

કોટ્ટાયમ શહેર 9o 35′ ઉ.અ. અને 76o 30′ પૂ.રે. પર આવેલું છે. તેનું ક્ષેત્રફળ 16 કિમી. છે. વેમ્બાડ સરોવર દ્વારા તે કોચીન અને એલેપ્પી સાથે જળમાર્ગે જોડાયું છે. રેલમાર્ગ દ્વારા એર્નાકુલમ્ અને તિરુવનન્તપુરમ્ સાથે અને બસમાર્ગ દ્વારા અંદરનાં તથા કિનારાનાં શહેરો સાથે જોડાયું છે. સિમેન્ટ તથા પ્લાયવુડનો મુખ્ય ઉદ્યોગ છે. અગાઉ ત્યાંથી પીપર તથા રબર નિકાસ થતાં હતાં. જૂનો કિલ્લો તથા રાજમહેલનાં ખંડેરો, પ્રાચીન શિવમંદિર અને કૃષ્ણમંદિર જોવાલાયક છે. ત્યાં રબર બોર્ડની ઑફિસ તથા નજીકમાં રબર સંશોધન કેન્દ્ર છે. હિંદુ મંદિરો, 1550માં બંધાયેલું ખ્રિસ્તી દેવળ તથા મસ્જિદોને કારણે તે સર્વ ધર્મોનું મિલનસ્થાન બન્યું છે. ત્યાં ચારેક કૉલેજો, પૉલિટેકનિક, હાઈસ્કૂલ, પ્રાથમિક શાળાઓ અને પુસ્તકાલય છે. આમ, કોટ્ટાયમ કેરળ રાજ્યનું મહત્વનું વેપારી તથા શિક્ષણનું કેન્દ્ર છે.

મહેશ મ. ત્રિવેદી