સિટીઝન્સ બૅન્ડ રેડિયો : સંદેશાવ્યવહારની આપ-લે માટેનું વીજાણુસાધન. એક કેન્દ્રસ્થાનેથી પ્રસારિત થતો ધ્વનિ-સંદેશ અનેક રેડિયો-રિસીવર એટલે કે રેડિયો-સેટ ઉપર સાંભળવા મળે અને એ રીતે એકસાથે અનેક શ્રોતાજનોને માહિતી અને મનોરંજન મળે. આ શ્રોતાજનો જો પોતાનો સંદેશો અન્ય શ્રોતાઓને કે કેન્દ્રસ્થાને વળતો મોકલવા ઇચ્છે, તો એ શક્ય ન બને કારણ કે રેડિયો-સેટ એ માત્ર રિસીવર છે, ટ્રાન્સમીટર નથી. જો સંદેશા મેળવવા અને આપવા પણ હોય તો શ્રોતા પાસે એવું સાધન હોવું જોઈએ જે પોતાના સંદેશા પાછા પણ મોકલી શકે. મૂળભૂત રીતે સંદેશાવ્યવહારનો પ્રાથમિક ઉદ્દેશ તો આપવા-લેવા બંનેનો હોય અને એ જ એને સાર્થકતા આપી શકે. એ વિભાવનાને મૂર્ત કરવા એવું વીજાણુસાધન વિકસાવવામાં આવ્યું જે રિસીવર અને ટ્રાન્સમીટર બંને હોય, જેથી એ પ્રજાતાંત્રિક દ્વિમાર્ગી રીતે ઉપયોગી બને. આ પદ્ધતિને સિટીઝન્સ બૅન્ડ રેડિયો તરીકે અમેરિકામાં તેમજ ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયામાં ઓળખવામાં આવે છે. એનો આરંભ 1945માં થયો. 1960 સુધીમાં કારીગરો, સુથારો, લુહારો વગેરે તેમજ વાહનચાલકોમાં આ પદ્ધતિ ખૂબ જ લોકપ્રિય બની. ધીમે ધીમે પેલા વીજાણુસાધનમાં ટ્યૂબની જગ્યાએ ટ્રાન્ઝિસ્ટર મુકાતાં એ રેડિયોની કિંમત ઘટી અને એને લાવવા-લઈ જવાની સરળતા પણ વધી. ઇંગ્લૅન્ડમાં 1982 સુધીમાં એનો પ્રચાર ખાસ્સો વધ્યો હતો. ઑસ્ટ્રેલિયામાં 1960ની શરૂઆતમાં અમેરિકી બનાવટના 1 વૉટના રેડિયોના ઉપયોગની શરૂઆત થઈ અને ત્યાં કાંગારુ ટેરિટરી, ડેલ્ટા વ્હિસ્કી ક્લબ વગેરે જાણીતી હતી. અંગત તેમજ વ્યાવસાયિક પ્રવૃત્તિ માટે 5થી 30 કિલોમિટરના વિસ્તારને આવરતી આ સંદેશાવ્યવહારની પદ્ધતિ સંગીત, સમાચારો અને લોકમત જાણવા માટે વ્યાપક રીતે ઉપયોગમાં આવવા માંડી. અલબત્ત, આ પદ્ધતિમાં પ્રસારિત થતા સંદેશાઓ અનેક લોકો સાંભળી શકતા હોવાથી એ ખાનગી રહી શકતા નથી. હાલમાં પ્રચલિત મોબાઇલ ફોન અને ઇન્ટરનેટના ચેટરૂમ(વાતચીત થઈ શકે તેવી વ્યવસ્થા)ને લીધે સિટીઝન્સ બૅન્ડ રેડિયોની લોકપ્રિયતા અને ઉપયોગિતા ઘટવા માંડી છે. અલબત્ત, આ પદ્ધતિ કેન્દ્રસ્થાનેથી, એટલે કે સત્તાસ્થાનેથી રજૂ થતા સંદેશાઓને બદલે લોકોના સંદેશાઓની આપ-લેને મહત્ત્વ આપતી હોવાથી 20મી સદીના ઉત્તરાર્ધમાં આવા પ્રયોગોથી પ્રત્યાયનને દ્વિમાર્ગી કરવાની જરૂરત લોકોને સમજાતી રહી અને એ દ્વારા એ દિશામાં પ્રત્યાયનનાં સાધનોનો વિકાસ અને ઉપયોગ થતો રહ્યો. ટ્રાન્ઝિસ્ટર પછી ચીપ અને ડિજિટલ સાધનોએ આ વાત સિદ્ધ કરી આપી છે.
હસમુખ બારાડી