કૉખ, હેનરિક હર્મન રૉબર્ટ (જ. 11 ડિસેમ્બર 1843, જર્મન ફ્રી સિટી; અ. 27 મે 1910, બેડેન-બૅડેન, જર્મની) : સૂક્ષ્મજીવવિજ્ઞાનના આદ્ય સ્થાપક તરીકે જાણીતા જર્મન વિજ્ઞાની. ગટિન્જન વિશ્વવિદ્યાલયના આયુર્વિજ્ઞાનના સ્નાતક; શરૂઆતમાં વિવિધ ઇસ્પિતાલોમાં સેવા આપી વૉલસ્ટિનમાં તબીબી જિલ્લાધિકારી તરીકે જોડાયા. ત્યાં તેમણે એક નાનકડી પ્રયોગશાળાની સ્થાપના કરી. આ પ્રયોગશાળામાં સૌપ્રથમ ન્યુમોનિયા કે ચામડીનાં ચાંદાં માટે જવાબદાર બૅક્ટેરિયા bacillus anthraxનું સંવર્ધન કરવામાં સફળતા મેળવી. આ સિદ્ધિને એક
મહત્વનું સંશોધન ગણાવીને તે વખતના પ્રખ્યાત સૂક્ષ્મજીવવિજ્ઞાની ફર્ડિનાંડ કોહને કૉખની પ્રશંસા કરી. બૅક્ટેરિયાનું સંવર્ધન, અભિરંજન (staining) અને બૅક્ટેરિયાની પ્રજાતિને ઓળખવાની રીત શોધવાને કારણે કૉખ આજે સૂક્ષ્મજીવવિજ્ઞાનના આદ્યસ્થાપક તરીકે ઓળખાય છે. તેમણે સૂક્ષ્મદર્શક દ્વારા દેખાતા જીવાણુનો ફોટો પાડવાની રીત શોધી. ઈ. સ. 1882માં રૉબર્ટ કૉખે ક્ષયરોગ માટે કારણભૂત Bacillus Vibrio બૅક્ટેરિયાની શોધ કરી. તે જ અરસામાં ઇજિપ્ત અને ભારતનો પ્રવાસ ખેડીને તેમણે ચેપી રોગ કૉલેરાના બૅક્ટેરિયાની શોધ કરી. 1890માં તેમણે ટ્યુબર્ક્યુલિન નામના દ્રવ્યની શોધ કરી જેથી ક્ષયના નિદાનમાં સરળતા થઈ છે. ક્ષયરોગનાં બૅક્ટેરિયાના સંશોધન માટે કૉખને ઈ. સ. 1905માં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
પ્રખ્યાત સંશોધનકાર ઉપરાંત એક સારા શિક્ષક તરીકે પણ કૉખ જાણીતા હતા. કૉખનાં સંશોધનો તેમની રોગનિદાન અંગેની મૂળભૂત અટકળો સાથે સુપેરે બંધ બેસતાં હતાં. તેમણે અમુક રોગમાં ચોક્કસ જીવાણુ જ કારણભૂત છે તે નિશ્ચિત કરવા નિર્દેશક સિદ્ધાંતો આપ્યા છે જે આજે પણ વપરાશમાં છે (સારણી).
સારણી : જીવાણુની રોગકારી ક્ષમતા નિશ્ચિત કરતા નિર્દેશક સિદ્ધાંતો
1. | તે જીવાણુ તે રોગના દરેક દર્દીમાં દર્શાવી શકતા હોવા જ જોઈએ. |
2. | તે જીવાણુનું દર્દીના લોહી કે અન્ય પદાર્થમાંથી શુદ્ધ સંવર્ધન (pure culture) થઈ શકે. |
3. | રોગવશ દરેક વ્યક્તિમાં તે જીવાણુને પ્રવેશ આપવાથી રોગ થાય. |
4. | આવી રીતે રોગ ઉત્પન્ન કર્યો હોય તે દર્દીના શરીરમાંથી તે જીવાણુ મેળવીને ફરીથી તેમને સંવર્ધિત કરી શકાય. |
મ. શિ. દૂબળે