કોચર – એમિલ થિયોડોર

January, 2008

કોચર, એમિલ થિયોડોર (જ. 25 ઑગસ્ટ 1841, બર્ન, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 27 જુલાઈ 1917, બર્ન, સ્વિટ્ઝર્લૅન્ડ) : પ્રસિદ્ધ ગલગ્રંથિનિષ્ણાત. શરીરક્રિયાવિજ્ઞાન (physiology), પેશીવિકૃતિવિજ્ઞાન (pathology) અને ગલગ્રંથિ(thyroid gland)ની શસ્ત્રક્રિયાનો નૂતન અભિગમ અપનાવવા બદલ 1909માં તેમને નોબેલ પારિતોષિક મળ્યું હતું.

તેમણે બર્નમાં ઔષધશાસ્ત્રનો અને બર્લિન, લંડન, પૅરિસ અને વિયેનામાં શસ્ત્રક્રિયાશાસ્ત્ર(surgery)નો અભ્યાસ કર્યો. 1872થી 1917 સુધી તે બર્ન યુનિવર્સિટીમાં પ્રોફેસર તેમજ ક્લિનિકલ સર્જરી સેન્ટરના ડિરેક્ટર રહ્યા.

એમિલ થિયોડોર કોચર

શસ્ત્રક્રિયાશાસ્ત્રમાં તેમનું પ્રદાન ખૂબ મહત્વનું છે. 1878માં ગલગંડ(goitre)ની સારવારમાં ગલગ્રંથિનું વિચ્છેદન કરનાર તે પ્રથમ સર્જન હતા. 1912 સુધીમાં તેમણે આવી 5000 શસ્ત્રક્રિયાઓ કરી. આ ગ્રંથિથી મરનારનું પ્રમાણ 18 % પરથી ઘટાડી 0.5 % સુધી લાવી દીધું. જોસેફ લિસ્ટરની શસ્ત્રક્રિયાપદ્ધતિ અનુસાર તે ક્રિયાનાં સાધનોને તે જંતુમુક્ત (antiseptic) બનાવતા. તેમણે સિદ્ધ કર્યું કે આ વિષાણુ ગલગંડજ પ્રતિરૂપો (toxic cretinoid pattern) અને ગલગ્રંથિ અલ્પક્રિયતા(myxoedema)નાં લક્ષણો સમાન હોય છે. આ લક્ષણોના અધ્યયનથી ગલગ્રંથિની અપક્રિયતા (malfunctioning) વધુ સારી રીતે સમજી શકાય છે. આ ઉપરાંત ખભાના વિસ્થાપનને ઘટાડવાની પદ્ધતિ, જઠર, ફેફસાં, મગજ, જીભ, કપાલચેતાઓ અને સારણગાંઠની શસ્ત્રક્રિયામાં સુધારો કર્યો. નેત્રોત્સેધી ગલગંડ(exophthatmic goitre)ની અને અસ્થિમજ્જાશોથ(osteomyelitis)ની સારવાર, ગલગ્રંથિનું પ્રત્યારોપણ (transplanting), ગલગ્રંથિના કૅન્સરનું અધ્યયન, જઠરના કૅન્સરની રોગમુક્તિની સંભાવના (curability), ગલગંડજ વામનતા(cretinism)નો અટકાવ વગેરે ક્ષેત્રોમાં તેમનું કાર્ય ઉલ્લેખનીય છે. તેમણે શલ્યવિજ્ઞાન, નરજનનતંત્ર અને કરોડરજ્જુના રોગો પર પુસ્તક લખ્યાં છે તેમજ શસ્ત્રક્રિયાની પ્રવિધિઓ, પ્રયુક્તિઓ અને ઉપકરણ શોધેલાં છે.

વાસુદેવ યાજ્ઞિક