સિક્રિ, એસ. એમ. (જ. 26 એપ્રિલ 1908; અ. 24 સપ્ટેમ્બર 1992) : ભારતની સર્વોચ્ચ અદાલતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ. તેઓ જાન્યુઆરી, 1971થી એપ્રિલ, 1973 સુધી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રહ્યા તે પૂર્વે 1964થી સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિપદે કાર્યરત રહ્યા હતા.
વિનયન વિદ્યાશાખાના સ્નાતક બની તેમણે બાર-ઍટ-લૉમાં સફળતા મેળવી. 1930થી લાહોરની વડી અદાલતમાં તેમણે વકીલાતનો આરંભ કર્યો અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહ્યા. 1949માં પંજાબ રાજ્યના આસિસ્ટન્ટ ઍડ્વોકેટ જનરલ અને 1951થી 64 ઍડ્વોકેટ જનરલ રહ્યા. આ કામગીરી દરમિયાન 1947થી યુનો દ્વારા નિમાયેલી કોડિફિકેશન ઍન્ડ ડેવલપમેન્ટ ઑવ્ ઇન્ટરનૅશનલ લૉ કમિટીના પ્રતિનિધિપદે રહી તેમાં પ્રદાન કર્યું.
એસ. એમ. સિક્રિ
1949માં સિંચાઈ અને વિદ્યુત મંત્રાલયના કાનૂની સલાહકાર અને 1955થી 1958 સુધી ભારતીય કાયદા પંચના સભ્ય રહ્યા. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય કાયદા અંગેની વિવિધ સમિતિઓમાં તેમણે ફરજ બજાવી હતી; જેમ કે, લૉ ઑવ્ ધ સી કૉન્ફરન્સ, વર્લ્ડપીસ થ્રૂ લૉ કૉન્ફરન્સ વગેરે. આ અંગે વિવિધ દેશોમાં યોજાતી પરિષદોમાં યોગદાન કરવા નિમિત્તે તેમણે જિનીવા, ટોકિયો, ઍથેન્સ જેવાં શહેરોનો પ્રવાસ ખેડેલો.
ઇન્ડિયન લૉ ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્ડિયન કમિશન ઑવ્ જ્યુરિસ્ટ જેવાં સંગઠનોની કારોબારી સમિતિના સભ્યપદે તેમણે સેવાઓ આપી હતી. તેઓ સરસ્વતી સુગર સિન્ડિકેટ લિ.ના 1951 સુધી ડિરેક્ટર તેમજ સર ગંગારામ હૉસ્પિટલના ટ્રસ્ટી રહેલા. કાયદાનાં વિવિધ ક્ષેત્રોમાં તેમનું પ્રદાન નોંધપાત્ર હતું.
રક્ષા મ. વ્યાસ