સાંઈનાથ, પાલાગુમ્મી (. 1957, આંધ્રપ્રદેશ) : પત્રકારત્વ, સાહિત્ય અને સર્જનાત્મક પ્રત્યાયન માટે 2007ના વર્ષનો રેમન મૅગ્સેસે પુરસ્કાર મેળવનાર પત્રકાર. એશિયા ખંડના નોબેલ પુરસ્કારની બરોબરીનો આ પુરસ્કાર 50,000 ડૉલરનું મૂલ્ય ધરાવે છે; જે સપ્ટેમ્બર, 2007માં તેમને એનાયત થયો.

પાલાગુમ્મી સાંઈનાથ

તેમણે ચેન્નાઈની લૉયોલા કૉલેજમાં અભ્યાસ દરમિયાન સામાજિક સમસ્યાઓને રાજકીય અભિગમથી તપાસવાની દૃષ્ટિ કેળવવા માંડી. ચેન્નાઈ છોડી દિલ્હી આવવાનું બન્યું, કારણ તેમના દાદા અને સ્વર્ગસ્થ નેતા ડૉ. વી. વી. ગિરિ ભારતના રાષ્ટ્રપ્રમુખપદે ચૂંટાયા હતા. આથી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં જોડાઈ તેઓ સ્નાતક અને ઇતિહાસના અનુસ્નાતક બન્યા. અહીં કર્મશીલ વિદ્યાર્થી તરીકે તેઓ સક્રિય રહ્યા. નીવડેલા પત્રકાર તરીકેની કારકિર્દીને કારણે આ યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય તરીકે તેમની પસંદગી કરવામાં આવી. 1980માં ‘યુનાઇટેડ ન્યૂઝ ઑવ્ ઇન્ડિયા’માં પત્રકાર તરીકે તેમણે કારકિર્દીનો આરંભ કર્યો. ત્યાં તેમણે ન્યૂઝ એજન્સીનો સર્વોચ્ચ વૈયક્તિક ઍવૉર્ડ મેળવી પત્રકારત્વના ક્ષેત્રની આવડત સિદ્ધ કરી બતાવી. ત્યારબાદ ‘બ્લિટ્ઝ’ અને ‘સાઉથ એશિયન’ સાપ્તાહિકમાં કામ કરવા સાથે મુંબઈની સોફિયા પૉલિટૅકનિકના સોશિયલ કૉમ્યુનિકેશન્સ મીડિયામાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવી. ત્યાં યુવાન, મહિલા-પત્રકારોની પેઢીને તેઓ જ્ઞાન અને પ્રેરણા પૂરા પાડતા રહ્યા. 1993માં તેઓ ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’માં જોડાયા, જ્યાં તેમણે ગ્રામીણ ભારતના અહેવાલોની રજૂઆત પરત્વે પક્ષપાત દાખવી ગ્રામીણ પ્રશ્નોને ઉજાગર કરવાની તક ઝડપી લીધી. આ નિમણૂક-વેળા વર્તમાનપત્રના તંત્રીએ તેમને પ્રશ્ન કર્યો કે ‘મારા વાચકોને ગ્રામીણ ભારતની વાતમાં રસ ન હોય તો ?’ ત્યારે સાંઈનાથે તેમને વળતો પ્રશ્ન કર્યો કે ‘તમે તમારા વાચકોને ક્યારે મળ્યા કે આવો દાવો કરી શકો ?’ આ ધારદાર પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમને નિમણૂક માટે પસંદ કરાયા અને વિના વિલંબે તેઓ કામે લાગ્યા. આ માટે તેમણે પાંચ રાજ્યોના સૌથી ગરીબ દસ જિલ્લાઓ પસંદ કર્યા. આ વિસ્તારોમાં એક લાખ કિલોમિટરનો પ્રવાસ કર્યો, 5000 કિલોમિટર પગપાળા ફર્યા અને કુલ 16 પ્રકારનાં નાનાંમોટાં વિવિધ વાહનોનો ઉપયોગ કર્યો. ગ્રામીણ પત્રકારત્વની તેમની આ લગન દાદ માગી લે તેવી હતી. આ લાંબો પ્રવાસ ખેડવા માટે તેમણે કોઈ કૉર્પોરેટ સંગઠનની મદદ ન જ લીધી અને ખુદના પ્રૉવિડન્ટ ફંડની રકમ તે માટે વાપરી નાખી. ‘ટાઇમ્સ’ના તંત્રીએ તેમનાં કાર્યો પ્રત્યેની નિસબતથી પ્રેરાઈને તેમના અહેવાલોને પ્રથમ પાના પર રજૂ કર્યા અને તેઓ અન્ય સમાચારોને ત્રીજા પાના પર લઈ ગયા હતા. પોતાની આ કામગીરીને માટે ‘પત્રકારત્વ’ જેવો ભારેખમ શબ્દ વાપરવાને બદલે તેઓ ‘ગ્રામીણ ખબરપત્રી’ શબ્દ પ્રયોજે છે. તેમના મતે પરંપરાગત પત્રકારત્વ સત્તાના ક્ષેત્ર સાથે સંકળાયેલું રહ્યું છે તેમજ ‘સમાચારો’ને સ્થળે મનોરંજન ભણી વળ્યું છે. જોકે તેઓ દૂરદરાજના વિસ્તારોનું વિકાસલક્ષી પત્રકારત્વ વધુ પસંદ કરે છે. આ અહેવાલોને આધારે પ્રાપ્ત થયેલા પુરસ્કારો સ્વીકારતાં તેમને ભારોભાર સંકોચ થતો હોવાથી તેઓ તે લેવા જ ગયા નહોતા.

ભારતમાં 1991માં આર્થિક સુધારાઓ દાખલ કરી સરકારે વિકાસની દિશાઓ ખોલી નાંખી, એથી ઉપભોક્તાવાદ વિસ્તર્યો-વકર્યો. શહેરી અગ્રવર્ગ અને તેમની મોંઘીદાટ જરૂરિયાતો અગત્યનું સ્થાન પામવા લાગી; એથી ભારતની ગરીબ અને ગ્રામીણ જનતાની જરૂરિયાતો અછૂતી રહેલી લાગતાં તેમણે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આથી તેમણે દૃઢ નિર્ણય કર્યો કે સમાચાર માધ્યમો ટોચના પાંચ ટકા વર્ગને સમાચારોમાં આવરી લે છે તો મારે સૌથી નીચેના પાંચ ટકા વર્ગને આવરી લેવો. ગરીબો અને ગ્રામીણ વિસ્તારના લોકો માટેની આ લગન તેમના આંતરિક ખમીરની દ્યોતક બની રહી.

ગ્રામીણ વિસ્તારો જાતે ખૂંદીને તેઓ આધારભૂત માહિતી મેળવતા. આ અંગેના 84 અહેવાલો 18 મહિના સુધી ‘ટાઇમ્સ’ના પ્રથમ પાને પ્રગટ થતા રહ્યા. આમાંના કેટલાક અહેવાલોનો સમાવેશ તેમના પુસ્તક ‘એવરીબડી લવ્ઝ અ ગુડ ડ્રાઉટ’માં કરવામાં આવ્યો છે. આ ગ્રંથથી પ્રાપ્ત થયેલી તમામ આવક (રૉયલ્ટી) તેમણે યુવા ગ્રામીણ પત્રકારોના ઍવૉર્ડ માટે ફંડ ઊભું કરવામાં આપી દીધી. આ વિગતોથી પ્રેરાઈને કૅનેડાના દિગ્દર્શક જો મૌલિન્સે સાંઈનાથ પર એક દસ્તાવેજી ફિલ્મ બનાવી; જેનું શીર્ષક છે ‘અ ટ્રાઇબ ઑવ્ હિઝ ઓન’. આ દસ્તાવેજી ચિત્ર એડમૉન્ટોન ફિલ્મ ફેસ્ટિવલમાં ઇનામને પાત્ર ઠર્યું.

તેમના આ વિશિષ્ટ પ્રયાસોને કારણે અન્ય 60 સમાચારપત્રોએ ગરીબી, ખેડૂતો અને ગ્રામીણ વિકાસ માટેના સ્તંભો (column) શરૂ કર્યા, તો તમિલનાડુ ઓરિસા અને મધ્યપ્રદેશની પ્રાદેશિક સરકારોએ ‘દુષ્કાળ સંચાલન કાર્યક્રમો’ અંગે વધુ સતર્કતા લાવવા વહીવટી આદેશો બહાર પાડ્યા. વહીવટકર્તાઓ અને કેટલાંક રાજકારણીઓએ તેમની રજૂઆતો માન્ય રાખી, સ્વીકારી અને તંત્રને વધુ જવાબદાર અને ગ્રામીણ વિસ્તારોની દિશામાં પ્રોત્સાહિત કર્યું. એથી પત્રકાર તરીકે તેમને મુક્ત વ્યવસાયી (free lancing) ઢબે કામ કરવાની સુવિધા પ્રાપ્ત થઈ.

દેશમાં ખેડૂતોની આત્મહત્યા બાબતે સૌથી વધુ ધ્યાન દોરનાર એક પત્રકાર તરીકે તેઓ જાણીતા છે. તેમણે આપેલા સમાચારોથી પ્રેરાઈને આંધ્રપ્રદેશ સરકારે ઍગ્રિકલ્ચર કમિશન રચ્યું છે. જોકે સાંઈનાથના મતે ખેડૂતોની આત્મહત્યાનું પ્રમાણ ઘણું વધુ છે. આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં 1997થી 2000નાં વર્ષોમાં 1800થી વધુ લોકોએ આત્મહત્યા કરી હતી; પરંતુ સરકારી નોંધ મુજબ માત્ર 54 વ્યક્તિઓએ જ આત્મહત્યા કરી હતી. જિલ્લાના ગુનાઓ અંગેના અહેવાલોમાં બાકીની હત્યાઓ માટે સામાજિક કારણો દર્શાવવામાં આવે છે.

ગ્રામીણ વિસ્તારો અને ખેડૂતોની બેહાલી માટે તેમના મતે બજારનો કટ્ટરવાદ (માર્કેટ ફન્ડામેન્ટાલિઝમ) જવાબદાર છે; જે ગરીબો અને ગ્રામીણ પ્રજાની જરૂરિયાતોને ભોગે શહેરી અગ્રવર્ગની જરૂરિયાતોને પ્રાધાન્ય આપે છે; એટલું જ નહીં, પરંતુ અદ્યતન ઉત્પાદનશૈલીના નામે અંતરિયાળ વિસ્તારોને બેકારી અને ગરીબીના ખપ્પરમાં હોમે છે. 2006થી તેઓ ‘દલિતો’ અંગેની પરિયોજના (‘પ્રોજેક્ટ’) પર કામ કરી રહ્યા છે. આ પરિયોજનામાં તેમણે ભારતનાં કુલ 15 રાજ્યોને આવરી લીધાં છે અને 1,50,000 કિલોમિટર વિસ્તાર ખૂંદ્યો છે, જેમાં દસ રાજ્યોનો સમાવેશ થયો છે; બાકીના પાંચ રાજ્યોમાંની કામગીરી ક્રમશ: આગળ ચાલશે.

શોષિતો અને પીડિતો અંગેની તેમની ઊંડી નિસબતે તેમને 30થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માનોના અધિકારી ઠેરવ્યા છે. 1990-91માં યુનેસ્કો-પ્રેરિત દ્વિતીય ‘પ્રત્યાયન ગોળમેજી પરિષદ’માં સહભાગી બનીને તેમણે અસરકારક પ્રત્યાયનને લગતા અનેક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં મહત્વની જવાબદારી નિભાવી હતી. ‘માનવ-અધિકારો અંગેના વૈશ્ર્વિક માહિતી અભિયાન’માં પણ તેમણે સેવાઓ આપી હતી.

‘એવરીબડી લવ્ઝ અ ગુડ ડ્રાઉટ’ (1996) તેમનો ગ્રંથ છે, જેને વ્યાપક પ્રસિદ્ધિ મળી હતી. તેમાં ભારતનાં ગરીબ રાજ્યોના દુષ્કાળની દર્દભીની કથની છે. ‘પૅન્ગ્વિન’નું આ પ્રકાશન અઢાર પુનર્મુદ્રણો પામ્યું હતું. તેનો હિન્દી અનુવાદ ‘તીસરી ફસલ’ અને મરાઠી અનુવાદ ‘દુષ્કાળ આવડે સર્વાના’ શીર્ષકથી પ્રકાશિત થયા છે.

રક્ષા મ. વ્યાસ