સાંઈબાબા (. ? ; . 15 ઑક્ટોબર 1918, શિરડી) : ભારતની અગ્રણી આધ્યાત્મિક વિભૂતિ, સમાજસેવક અને માનવતાવાદી સત્પુરુષ. તેમના જીવન વિશે નક્કર અને પ્રમાણભૂત માહિતી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી, પરંતુ દાસગણુ-કૃત ‘સંતકથામૃત’ શીર્ષક હેઠળના તેમના જીવનચરિત્રમાં ઉલ્લેખિત કેટલીક છૂટીછવાઈ માહિતી તથા તેમના કેટલાક અગ્રણી શિષ્યોને તેમણે પોતે કહેલી માહિતીને આધારે તેમના જીવન વિશેની કેટલીક કડીઓ ભેગી કરવાનો પ્રયાસ થયો છે. વળી 1906માં પ્રસિદ્ધ થયેલ ‘ભક્તલીલામૃત’ નામક ગ્રંથમાં તેમની કેટલીક લીલાઓનું વર્ણન પણ છે. 1911માં સંત ઉપાસની મહારાજે સંસ્કૃત ભાષામાં ‘શ્રી સાંઈનાથ મહિમ્ન:સ્તોત્ર’ની રચના કરી હતી.

લોકવાયકા મુજબ તેમનો જન્મ 1835માં મરાઠવાડાના પરભણી જિલ્લાના પાથર્કી ગામે એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. આ વાત તેમણે પોતે જ તેમના કાયમી સાથીદાર અને પહેલા ભક્ત મ્હાલસાપતિ નામક વ્યક્તિને એક વાર કરેલી. પરભણી જિલ્લાનો આ પ્રદેશ તે જમાનામાં હૈદરાબાદના નિઝામની સત્તા હેઠળ હતો. તેમનો જન્મ થયા બાદ તેમનાં ગરીબ માતા-પિતાએ તેમનું આ બાળક એક ફકીરને સોંપી દીધું. ઉપર્યુક્ત ફકીરે મુસ્લિમ રીતરિવાજ મુજબ તેમનો ઉછેર કરેલો.

સાંઈબાબા

આમ જન્મથી હિંદુ બ્રાહ્મણ અને બાળપણમાં થયેલ ઉછેરથી મુસ્લિમ સંસ્કારોની અસર હેઠળ તેમનું શરૂઆતનું સંગોપન થયું હતું. તે પોતે ફકીર જેવું જ જીવન જીવતા; દા.ત., તેઓ માથે કકડો બાંધતા, શરીર કફનીથી ઢાંકતા અને કમ્મરે લંગોટી બાંધતા. 1842-54 સુધીનાં બાર વર્ષ તેમણે તેમના ગુરુ સૂફી ફકીરની સંગતમાં ગાળ્યાં હતાં. આ ફકીર ‘વૈકુંશા’ નામથી ઓળખાતા. લોકવાયકા મુજબ 1854માં સાંઈબાબા શિરડીના લીમડાના એક ઝાડ નીચે પ્રગટ થયેલા. તે સમયે તેમનો રંગ શુભ્ર ગોરો અને દેહયષ્ટિ ગોળમટોળ રૂપાળા બાળક જેવી હતી. પ્રાગટ્યના સમયથી જ તેઓ બ્રહ્મજ્ઞાની અને વૈરાગ્યનો અવતાર હતા એવી તેમના વિશેની સર્વસામાન્ય માન્યતા છે. એવું કહેવાય છે કે 1857માં તેઓ શિરડીમાંથી અદૃશ્ય થઈ ગયેલા અને ગુપ્તવાસમાં ચાલ્યા ગયેલા. ઔરંગાબાદ જિલ્લાના ધૂપ ગામના ચાંદભાઈ પાટિલ નામક એક ધનવાન મુસલમાનના સાળાના પુત્રનાં લગ્નની જાન શિરડી જવા રવાના થઈ ત્યારે સાંઈબાબા પણ તેમાં જોડાયા. જાન શિરડી પહોંચી તે પછી ત્યાંના ખંડોબાના મંદિરની નજીકના એક ખેતરમાં તેને ઉતારો અપાયો હતો. બધા જાનૈયાઓ બળદગાડામાં ત્યાં પહોંચેલા, જેમાં આ ફકીર પણ હતા. ઉતારાના સ્થળે જાન પહોંચ્યા પછી ફકીર જ્યારે ગાડામાંથી નીચે ઊતરતા હતા ત્યારે ખેતરના માલિકે તેમનું ‘આવો સાંઈ’ કહીને સ્વાગત કર્યું. તે ક્ષણેથી આ ફકીર આજન્મ ‘સાંઈબાબા’ નામથી ઓળખાવા લાગ્યા. લગ્નસમારંભ પછી જાન પાછી ગઈ, પરંતુ સાંઈબાબા તો શિરડીમાં જ રહ્યા. તેઓ એક મસ્જિદમાં નિવાસ કરતા. તેમણે આ મસ્જિદનો પુનરુદ્ધાર કરેલો. તેઓ બધાંને હિન્દુ-મુસ્લિમ એકતાનો ઉપદેશ કરતા. ‘આ બધો અલ્લાહમિયાંનો ખેલ છે’ એવું તેઓ સતત બોલ્યા કરતા. તેમની વાણી હંમેશ અર્થગર્ભ રહેતી. તેઓ સૌને પોતપોતાના ઇષ્ટદેવની આરાધના કરતા રહેવાનું કહેતા. કોઈ પંથ તરફ તેમને પક્ષપાત ન હતો.

1909-’10 પછીના ગાળામાં તેમની ખ્યાતિ સર્વત્ર પ્રસરી અને એક આધ્યાત્મિક પુરુષ તરીકે તેમની પૂજા થવા લાગી. તેમના ભક્તવર્ગમાં બધા જ ધર્મોના અનુયાયીઓ સામેલ હતા, જેમની સંખ્યા સતત વધતી ગઈ. સાંઈબાબાને કારણે જ શિરડી એ ભારતનું એક અગત્યનું તીર્થસ્થાન બની રહ્યું. દર વર્ષે ત્યાં હજારો યાત્રાળુઓ દર્શનાર્થે જતા હોય છે. તેમના માટે ત્યાં રહેવા-જમવાની સગવડો ઊભી કરવામાં આવી છે. તે માટેની શરૂઆત પણ તેમની આજ્ઞાથી 1912માં કરેલી. સગુણમેરુ નાઈક વ્યક્તિના નામે આજે ત્યાં સેંકડો ધર્મશાળાઓ, લૉજ વગેરે છે.

તેમના વિશે ઘણી લોકવાયકાઓ છે, જેમના દ્વારા સાંઈબાબા ચમત્કારી પુરુષ તરીકે પ્રસ્થાપિત થયા છે. તેમનાં કાર્યોનો વિસ્તાર પંજાબ, બંગાળ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને ગુજરાત જેવાં રાજ્યોમાં વ્યાપક પ્રમાણમાં થયેલો છે.

ધર્મિષ્ઠા ગોહિલ