સાહુ, કિશોર (જ. 22 ઑક્ટોબર 1915, રાયગઢ, દુર્ગ જિલ્લો, મધ્યપ્રદેશ; અ. 22 ઑગસ્ટ 1980) : અભિનેતા, નિર્માતા, નિર્દેશક. નાનપણથી ચલચિત્રો તરફ આકર્ષાયેલા કિશોર સાહુએ શિક્ષણ નાગપુરમાં લીધું હતું. મેરિસ કૉલેજમાંથી બી.એ. થયા બાદ મુંબઈ આવી ગયા હતા, પણ ચિત્રોમાં કામ મેળવતાં પહેલાં ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. 1939માં ‘બૉમ્બે ટોકીઝ’ના ચિત્ર ‘જીવનપ્રભાત’માં તેઓ નાયક બન્યા હતા. ચિત્રનાં નાયિકા દેવિકારાણી હતાં.
કિશોર સાહુ
તેઓ તથા અશોકકુમાર તેમને આ કામ અપાવવામાં નિમિત્ત બન્યાં હતાં. આ ચિત્રમાં કામ કરવાનું તેમને કોઈ મહેનતાણું ન અપાતાં તેમનું મન ખાટું થઈ ગયું હતું. તેઓ નાગપુર પાછા જતા રહ્યા, પણ મુંબઈમાં થોડો સમય રહીને તેમણે જે અનુભવ મેળવ્યો હતો એ તેમને કામ લાગ્યો. નાગપુરમાં તેમના એક શ્રીમંત મિત્ર દ્વારકાદાસ ડાગા સાથે મળીને મુંબઈમાં તેમણે ‘ધ ઇન્ડિયા આર્ટિસ્ટ લિ.’ નામની ચિત્રનિર્માણ-સંસ્થા સ્થાપી. તેના બૅનર હેઠળ પ્રથમ ચિત્ર ‘બહુરાની’ બનાવ્યું. એ પછી એ સમયનાં જાણીતાં અભિનેત્રી સ્નેહપ્રભા પ્રધાનને લઈને ‘પુનર્મિલન’નું નિર્માણ કર્યું. આ બંને ચિત્રોની સફળતાએ કિશોર સાહુને અભિનેતા અને નિર્માતા-દિગ્દર્શક તરીકે સ્થાપિત કરી દીધા. હિંદીના જાણીતા સાહિત્યકાર અમૃતલાલ નાગરની કારકિર્દીના પણ એ શરૂઆતના દિવસો હતા. નાગરજી કિશોર સાહુના ખાસ મિત્ર હતા. કિશોરના કહેવાથી જ નાગરજીએ તેમના માટે ‘કુંવારા બાપ’, ‘રાજા’, ‘વીર કુણાલ’ જેવાં કેટલાંક ચિત્રોની કથા-પટકથા લખી હતી અને ‘કુંવારા બાપ’ તથા ‘રાજા’માં તો તેઓ પોતે પણ રજતપટ પર દેખાયા હતા. જોકે પછી તેઓ મુંબઈ છોડીને લખનૌ જતા રહ્યા હતા અને માત્ર સાહિત્યસર્જનમાં જ ગળાડૂબ થઈ ગયા હતા, પણ કિશોર સાહુએ ચિત્રનિર્માણ જારી રાખ્યું હતું. પોતાના એક ચિત્રમાં એક નવી અભિનેત્રીની જરૂર પડતાં લખનૌ જઈ ત્યાંની આઇઝાબેલા થોબર્ન કૉલેજની એક વિદ્યાર્થિનીને લઈ આવ્યા હતા. આ વિદ્યાર્થિની સમય જતાં બીના રાય નામે મશહૂર બન્યાં હતાં. ‘પુનર્મિલન’ ચિત્રના નિર્માણ દરમિયાન અભિનેત્રી સ્નેહપ્રભા પ્રધાનની નિકટ આવેલા કિશોર સાહુએ તેમની સાથે લગ્ન કર્યાં હતાં, પણ તેમનું લગ્નજીવન અલ્પજીવી રહ્યું હતું, અને તેમણે છૂટાછેડા લીધા હતા; પણ તે પહેલાં અદાલતમાં ચાલેલા કેસે પણ ખાસ્સી ચર્ચા જગાવી હતી. દરમિયાનમાં કિશોર સાહુનાં ચિત્રો ઉપરાઉપરી નિષ્ફળ જતાં તેઓ આર્થિક રીતે ખુવાર થઈ ગયા હતા. દેવઆનંદ અને વહીદા રહેમાનના ચિત્ર ‘ગાઇડ’માં તેમણે વહીદાના પતિની નકારાત્મક ભૂમિકા ભજવી હતી. તેમાં સફળતા મળતાં તેમણે એ પછી ઘણાં ચિત્રોમાં ચરિત્ર-ભૂમિકાઓ ભજવી હતી. તેમનાં પુત્રી નયના સાહુને લઈને તેમણે ‘હરે કાંચ કી ચૂડિયાં’ ચિત્રનું સર્જન કર્યું હતું, પરંતુ આ ચિત્રને પણ વ્યાવસાયિક સફળતા મળી ન હતી.
હરસુખ થાનકી