સાહિબ, બીબી ઔર ગુલામ : લોકપ્રિય ચલચિત્ર. નિર્માણવર્ષ : 1962. ભાષા : હિંદી-ઉર્દૂ. શ્વેત અને શ્યામ. નિર્માતા : ગુરુદત્ત. દિગ્દર્શક, પટકથા-સંવાદ : અબ્રાર અલવી. કથા : બિમલ મિત્રની નવલકથા પર આધારિત. છબિકલા : વી. કે. મૂર્તિ. ગીતકાર : શકીલ બદાયૂંની. સંગીત : હેમંતકુમાર. મુખ્ય કલાકારો : ગુરુદત્ત, મીનાકુમારી, રહેમાન, વહીદા રહેમાન, નાસિર હુસેન, ધુમાળ, ડી. કે. સપ્રુ, હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, પ્રતિમાદેવી, રણજિતકુમારી, એસ. એન. બેનરજી, કૃષ્ણ ધવન.

‘સાહિબ, બીબી ઔર ગુલામ’ ફિલ્મનું એક દૃશ્ય

‘પ્યાસા’ અને ‘કાગઝ કે ફૂલ’ જેવાં નોંધપાત્ર ચિત્રોના સર્જક ગુરુદત્તે ‘સાહિબ, બીબી ઔર ગુલામ’ ચિત્ર પહેલી વાર સાહિત્યિક કૃતિ પરથી બનાવ્યું. બિમલ મિત્રની બંગાળી નવલકથા ‘સાહિબ, બીબી ઔર ગુલામ’ મોટા ફલક પર પથરાયેલી છે. તેના પરથી ચિત્ર બનાવવા ગુરુદત્તે બિમલ મિત્ર સાથે મળીને નવલકથામાંના વિશિષ્ટ પ્રસંગોને જ પસંદ કરીને તથા નવલકથા માટે મહત્વનાં પણ ચિત્ર માટે મહત્વનાં ન હોય તેવાં કેટલાંક પાત્રોની બાદબાકી કરીને ચિત્રનું દિગ્દર્શન કરનાર અબ્રાર અલવી પાસે તેની પટકથા તૈયાર કરાવી હતી. બંગાળમાં 19મી સદીની જમીનદારીના સમયગાળાની પશ્ર્ચાદભૂમાં આકાર લેતી આ નવલકથાના અંત કરતાં ચિત્રમાં જુદો અંત નિરૂપાયો છે. નવલકથાના અંતે મુખ્ય પાત્ર ભૂતનાથ એકલતામાં જીવનના આખરી દિવસો પસાર કરે છે અને જવાનાં લગ્ન સુપવિત્રબાબુ સાથે થઈ જાય છે; જ્યારે ચિત્રમાં અંતે ભૂતનાથનાં લગ્ન જવા સાથે થાય છે. નવલકથામાંથી ઘણાં પાત્રો અને પ્રસંગો બાદ થઈ ગયાં હોવાને કારણે ચિત્રની કથાના કેન્દ્રમાં માત્ર ભૂતનાથ, છોટી બહૂ, જવા અને તેનો જમીનદાર પતિ રહે છે. ચિત્રનો પ્રારંભ ભૂતનાથથી થાય છે. તે એક હવેલીનાં ખંડેરોમાં જૂની સ્મૃતિઓ ફંફોસતો હોય છે અને તેને એક હાડપિંજર મળી આવે છે. એ હાડપિંજર હવેલીની એક સમયની છોટી બહૂનું હોવાનું તે માને છે. તે સાથે જ તેની સ્મૃતિઓ સળવળવા માંડે છે અને તેમાંથી તેની આંખે આ હવેલીમાં જિવાયેલા જીવનની કથાના તાણાવાણા ગૂંથાવા માંડે છે. એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવેલી છોટી બહૂ જમીનદાર ખાનદાનના તોરતરીકાથી પરિચિત નથી. તે પોતાના ઐયાશ પતિને હંમેશ માટે પોતાનો બનાવી રાખવા ઇચ્છે છે. પતિને ખુશ કરવા તે દારૂ પીવા પણ તૈયાર થઈ જાય છે અને પછી તો એ તેની લત બની જાય છે. છોટી બહૂ જે કેટલાક લોકોમાં વિશ્વાસ ધરાવે છે તેમાં ભૂતનાથ પણ એક છે. ભૂતનાથ પોતાના બનેવી સાથે હવેલીમાં રહેતો હોય છે. તે છોટી બહૂને અવારનવાર મળતો હોવાથી તેને છોટી બહૂ સાથે સંબંધો હોવાનું પણ હવેલીમાં કેટલાક લોકો માનવા માંડે છે. તેને કારણે બંનેની હત્યાનો પ્રયાસ થાય છે, જેમાં ભૂતનાથ તો બચી જાય છે, પણ છોટી બહૂનો ભોગ લેવાઈ જાય છે. પ્રશિષ્ટ હિંદી ચિત્રોમાં સ્થાન પામી ચૂકેલા આ ચિત્રનાં ગીત-સંગીત પણ ખૂબ લોકપ્રિય થયાં હતાં. ‘ના જાઓ સૈંયા છૂડા કે બૈયાં’, ‘કોઈ દૂર સે આવાઝ દે’, ‘સાકિયા આજ મુઝે નીંદ નહીં આયે રે’, ‘ભઁવરા બડા નાદાન’ જેવાં ગીતો કર્ણપ્રિય બની રહ્યાં છે. આ ચિત્રને શ્રેષ્ઠ ચિત્ર, મીનાકુમારીને શ્રેષ્ઠ અભિનેત્રી અને અબ્રાર અલવીને શ્રેષ્ઠ દિગ્દર્શકના ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યા હતા.

હરસુખ થાનકી