સાહુ, કેશવચંદ્ર (. 1 જુલાઈ 1917, કુમુદ જયપુર, જિ. કટક, ઓરિસા) : ઊડિયા કવિ અને નિબંધકાર. તેમણે એમ.ડી., પીએચ.ડી. (મેડિસિન); ઉત્કલ યુનિવર્સિટીમાંથી ડી.લિટ. તેમજ ડી.પી.એચ. (લંડન); ડી.સી.એચ.એફ.આર.એસ. (લંડન); એફ.એ.એ.ડી.-(અમેરિકા)ની પદવીઓ પ્રાપ્ત કરી.

તેઓ ઉત્કલ સાહિત્ય સમાજના પેટ્રન; ઓરિસા મેડિકલ કાઉન્સિલના સભ્ય; ઓરિસા વિજ્ઞાન અકાદમીના પ્રમુખ રહ્યા. તેઓ કટકની એસ.સી.બી. મેડિકલ કૉલેજના પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયા.

તેમણે અત્યાર સુધીમાં ઊડિયા અને અંગ્રેજીમાં 44 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘જગન્નાથ’ (1983); ‘કેશવ કોઈલી’ (1985); ‘કાવ્ય સાવિત્રી’ (1995) તેમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહો છે. ‘નિ:શબ્દ ક્રંદન’ (1984) તેમનો લોકપ્રિય વૈજ્ઞાનિક વાર્તાસંગ્રહ છે. ‘ધર્મસંસ્કૃતિ દર્શન ઓ વિજ્ઞાન’ (1977); ‘વેદ વેદાંત ઓ વિશ્વ સંસ્કૃતિ’ (1981) – એ બંને તેમના નિબંધસંગ્રહો છે. ‘લહુ લુહાર કાહિની’ (1980) વાર્તાસંગ્રહ અને ‘શેફડર્ઝ’ (1982) અંગ્રેજી વાર્તાસંગ્રહ છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1985માં ઓરિસા સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો. વિશ્વમિલન પ્રજાતંત્ર પ્રચાર સમિતિએ તેમનું સન્માન કર્યું તથા ‘ઉત્કલ-રત્ન’; ‘ભક્તિ-વિભૂષણ’; ‘સંસ્કૃતિ-રત્ન’ જેવા ખિતાબ તેમને આપવામાં આવ્યા હતા.

બળદેવભાઈ કનીજિયા