રિચાર્ડ ઍક્સલ (જ. 2 જુલાઈ 1946, ન્યૂયૉર્ક સિટી, યુ.એસ.) : 2004ના નોબેલ પુરસ્કારના સહવિજેતા અમેરિકન વિજ્ઞાની. તેમણે 1970માં જ્હૉન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટી સ્કૂલ ઑવ્ મેડિસિન, બાલ્ટીમોરમાંથી એમ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ 1984માં હૉવર્ડ હ્યુઝીસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ(કોલંબિયા યુનિવર્સિટી, ન્યૂયૉર્ક સિટી)માં 1984માં જોડાયા.
ઍક્સલ અને બકે 1991માં સીમાચિહનરૂપ સંશોધનપત્ર સંયુક્તપણે પ્રકાશિત કર્યું. તેમણે ઉંદરો પર પ્રાયોગિક સંશોધન કરી દર્શાવ્યું કે ઉંદરમાં લગભગ 1000 જેટલા પ્રકારનાં ઘ્રાણગ્રાહીઓ (olfactory receptors) હોય છે. તે વિશિષ્ટ પ્રકારનાં પ્રોટીનો છે; જે હવામાં તરતા ગંધકારી (odorant) અણુઓને પારખે છે અને સંકેતોનું નિર્માણ કરે છે. આ સંકેતોનું મગજ દ્વારા અર્થઘટન થાય છે અને ગંધની સંવેદના અનુભવાય છે. આ સંશોધનપત્રમાં 1000 જનીનોનો સમૂહ વર્ણવાયો છે; જે ઘ્રાણગ્રાહીઓનું સંશ્લેષણ કરે છે. ઍક્સલ અને બકે સિદ્ધ કર્યું કે પ્રત્યેક ઘ્રાણગ્રાહી કોષ એક જ ઘ્રાણગ્રાહી જનીનને અભિવ્યક્ત કરે છે અને એક જ પ્રકારના ઘ્રાણગ્રાહીઓ ધરાવે છે; જે નિશ્ચિત પ્રકારની ગંધ પારખે છે. પ્રત્યેક પ્રકારનો ઘ્રાણગ્રાહી કોષ કેટલાક સંબંધિત ગંધયુક્ત પદાર્થો સાથે જ પ્રતિક્રિયા કરે છે. એક જ પ્રકારની ગંધ પારખતા ઘ્રાણગ્રાહી કોષો મગજના ચોક્કસ વિસ્તારમાં પરસ્પર જોડાયેલા હોય છે. મોટા ભાગની ગંધ કેટલાક પ્રકારના ગંધકારી અણુઓની બનેલી હોય છે. મગજ કેટલાક પ્રકારના ગંધગ્રાહીઓની માહિતીનું સંયોજન વિશિષ્ટ ભાતમાં કરે છે; જેથી કોઈ ચોક્કસ ગંધ અનુભવાય છે.
રિચાર્ડ ઍક્સલ અને લિન્ડા બકને 2004માં સંયુક્તપણે નોબેલ પુરસ્કાર ઉપર્યુક્ત સંશોધનો માટે એનાયત કરવામાં આવ્યો.
તેમનાં પ્રારંભિક સંશોધનો પ્રાયોગિક ઉંદર ઉપરનાં હોવા છતાં ઍક્સલ અને બકે પાછળથી સાબિત કર્યું કે ગંધ અંગેની સંવેદના વાસ્તવમાં ઉંદર, મનુષ્ય અને અન્ય પ્રાણીઓમાં સમાન હોય છે. તેમણે શોધી કાઢ્યું છે કે મનુષ્યમાં માત્ર 350 જેટલા પ્રકારનાં કાર્યશીલ ઘ્રાણગ્રાહીઓ હોય છે; જે ઉંદરના કરતાં લગભગ 2 જેટલા જ છે. મનુષ્યમાં ગંધગ્રાહીઓનું સંકેતન કરતાં જનીનો કુલ માનવજનીનોના 3 % જેટલા જ થાય છે. ઉત્ક્રાંતિ દરમિયાન અન્ય સંવેદનાઓ કરતાં ગંધની સંવેદના મનુષ્યના અસ્તિત્વ માટે ઓછી મહત્વની બનવાને કારણે કેટલાક ઘ્રાણગ્રાહી જનીનો લુપ્ત થયા છે. જોકે અન્ય પ્રાણીઓમાં ગંધની સંવેદના અસ્તિત્વ માટે વધારે મહત્વની હતી.
તેમનાં સંશોધનોએ માનવ ફેરોમોન(pheromone)ના સંભવિત અસ્તિત્વ વિશે વૈજ્ઞાનિક રસ ઉત્પન્ન કર્યો છે. ફેરોમોન એવો ગંધકારી અણુ છે કે જે ઘણાં પ્રાણીઓમાં જાતીય પ્રવૃત્તિ અને અન્ય કેટલીક વર્તણૂકોને ગતિમાન કરે છે.
બળદેવભાઈ પટેલ