લુમુમ્બા, પૅટ્રિસ (હેમેરી) [જ. 2 જુલાઈ 1925, ઓનાલ્યુઆ, કાસાઈ, ઝાયર (બેલ્જિયન કૉંગો); અ. 1961, કટાંગા, ઝાયર] : આફ્રિકાના લડાયક રાષ્ટ્રવાદી નેતા અને પ્રજાસત્તાક ઝાયરના પ્રથમ વડાપ્રધાન. તેમણે પ્રૉટેસ્ટન્ટ મિશનરી શાળામાં અભ્યાસ કર્યો અને કામની શોધમાં કિન્ડુ બંદર પર પહોંચ્યા. ત્યાં તેમણે શિક્ષિત આફ્રિકનોની ક્લબનું સભ્યપદ મેળવ્યું. ઝાયરની સ્વતંત્રતા માટે સામયિકોમાં નિબંધો અને કાવ્યો લખ્યાં. બેલ્જિયમનું નાગરિકત્વ સ્વીકારી કિન્સાસા (લિયૉપોલ્ડવિલ) ગયા અને ત્યાં ટપાલ-વિભાગમાં કારકુન તરીકે જોડાયા.
આ તબક્કે તેમણે રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય બનવાની શરૂઆત કરી. 1958માં સ્થપાયેલી ઑલ આફ્રિકન પીપલ્સ કૉન્ફરન્સની સ્થાયી સમિતિના તેઓ સભ્ય બન્યા. દેશના કૉંગોલીઝ નૅશનલ મૂવમેન્ટ નામના પ્રભાવકારી રાજકીય પક્ષના તેઓ પ્રમુખ બન્યા. જાન્યુઆરી, 1959ના ઝાયરની સ્વતંત્રતા અંગેના આંદોલનમાં તેઓ સક્રિય બન્યા, પરંતુ ધરપકડથી બચવા તેમણે દેશ છોડ્યો અને ટૂંકસમયમાં વળી દેશમાં પાછા ફર્યા. આ જ વર્ષના છેલ્લા મહિનાઓમાં દેશમાં જાહેર હિંસા ફેલાવવાના તથા ઉશ્કેરણી કરવાના આરોપસર ઝાયરમાંની વિદેશી સરકારે તેમને જેલમાં ધકેલી દીધા.
1960માં ઝાયરને સ્વતંત્રતા આપવા માટે યોજાયેલી બ્રસેલ્સ-કૉંગો પરિષદમાં હાજરી આપવા વિદેશી સરકારે તેમને મુક્ત કર્યા, જેમાં તેમણે અગ્રણી મંત્રણાકાર તરીકેની ભૂમિકા ભજવી.
સ્વાતંત્ર્યના એક માસ પૂર્વે ઝાયરમાં સામાન્ય ચૂંટણી યોજાઈ, જેમાં એક પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળી. આથી પ્રથમ અને દ્વિતીય સ્થાને રહેલા બે રાજકીય પક્ષો વચ્ચે સંધિ કરાતાં લુમુમ્બા વડાપ્રધાન તથા જૉસેફ કાસાવુબુ પ્રમુખ નિયત થયા.
30 જૂન, 1960ના રોજ ઝાયરને સ્વતંત્રતા આપવામાં આવી અને પ્રજાસત્તાકની રચના થતાં લુમુમ્બા વડાપ્રધાન ઘોષિત થયા. તેઓ જૂનથી સપ્ટેમ્બરના ટૂંકા ગાળા પૂરતા વડાપ્રધાન રહ્યા. આ જ અરસામાં ઝાયરમાં આંતરવિગ્રહ ફાટી નીકળ્યો. આ આંતરવિગ્રહ મુખ્યત્વે કૉંગો અને કટાંગા (જે તાંબાની ખાણો ધરાવતો ખનિજસમૃદ્ધ પ્રદેશ છે) વિસ્તારો વચ્ચે ખેલાયો. આથી લુમુમ્બાએ પહેલાં સંયુક્ત રાષ્ટ્ર સંઘને તથા પછીથી સોવિયેત સંઘને મદદ માટે અપીલ કરી. પ્રમુખ અને વડાપ્રધાન બંને આ આંતરવિગ્રહ સાથે પરોક્ષ રીતે સંકળાયેલા હોવાથી 5 સપ્ટેમ્બર, 1960ના રોજ પ્રમુખે વડાપ્રધાન લુમુમ્બાને બરતરફ કર્યા અને જેલમાં પૂર્યા. લુમુમ્બાએ વડાપ્રધાન તરીકેનો દાવો ચાલુ રાખ્યો. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાએ કાસાવુબુ સરકારને માન્યતા આપી. આફ્રિકાનાં સ્વતંત્ર રાજ્યોમાં આ બાબતે ઊંડી તિરાડ પડી. 17 જાન્યુઆરી, 1961ના રોજ તેમને કટાંગાના રાજ્યતંત્રને સોંપવામાં આવ્યા, જ્યાં તેમની હત્યા કરવામાં આવી. ફેબ્રુઆરી, 1961માં તેમની હત્યાની વાત જાહેર કરવામાં આવી. આથી આફ્રિકાના ઘણા ભાગોમાં તોફાનો થયાં અને તેમની હત્યા ઝાયરના રાજકારણનું નિંદનીય કૃત્ય બની રહ્યું.
‘કૉંગો : માય કન્ટ્રી’ (1962) તેમનો ગ્રંથ હતો, જે મરણોત્તર પ્રસિદ્ધ થયો. ‘લુમુમ્બા સ્પીક્સ : ધ સ્પીચિઝ ઍન્ડ રાઇટિંગ્ઝ ઑવ્ લુમુમ્બા (1958–61)’ ગ્રંથ (1972) તેમના વિચારોનું જિન વાનલિર્ડેએ કરેલું સંપાદન છે. આ ગ્રંથો દ્વારા ઝાયર અને આફ્રિકાના રાષ્ટ્રવાદ અંગેના તેમના વિચારો અભિવ્યક્તિ પામ્યા છે.
રક્ષા મ. વ્યાસ