લુવ્રનો મહેલ : ફ્રાન્સનું ઐતિહાસિક સ્થાપત્ય. લુવ્રનો રાજમહેલ પૅરિસમાં આવેલો છે. નેપોલિયન ત્રીજાએ તેનો ત્યાગ કર્યો ત્યાં સુધી તે રાજમહેલ તરીકે વપરાશમાં હતો. વર્તમાનમાં તે વિશ્વની સૌથી સુંદર ગૅલરી  લુવ્ર મ્યુઝિયમ તરીકે પ્રસિદ્ધ છે. રેનેસાંસ કાલનું ફ્રાન્સનું આ અગ્રગણ્ય સ્થાપત્ય છે. વિશેષ કરીને સ્ક્વેર કૉર્ટનો તેનો મુખભાગ (facade) અને તેની પૂર્વ પાંખ ઉલ્લેખનીય છે. સ્ક્વેર કૉર્ટના મુખભાગનું નિર્માણ સ્થપતિ પિયેરે લૅસ્કૉટ અને શિલ્પી જીન ગૌજોને હેન્રી બીજાના શાસનકાલ દરમિયાન કર્યું હતું.

લુવ્રનો મહેલ

તેની સપ્રમાણતા, કોમળતા, સુંદર ડિઝાઇન અને સુશોભનમાં ફ્રેન્ચ કલા જોવા મળે છે. ગ્રીક ઑર્ડરનો વપરાશ પણ જોવા મળે છે. પ્રથમ મજલે અર્ધસ્તંભો બારીઓને છૂટી પાડે છે. બારીઓ ઉપર પેડિમેન્ટ્સની રચના છે. ઇમારતની અણીદાર છત (pointed roof) ઉત્તરની લાક્ષણિકતા દર્શાવે છે. પૂર્વના મુખભાગને પુન: નમૂનેદાર બનાવવા ઇટાલીમાંથી લુઇ ચૌદમો મહાન કલાકાર બર્નિનિને લાવ્યો હતો; પરંતુ લુઇનો રાષ્ટ્રીય વિરોધ થતાં તેને દૂર કરવામાં આવ્યો અને તેથી આ ઇમારત ફ્રેન્ચ કલા પ્રમાણે નિર્માણ પામી. ક્લાઉડ પેરોલ્ટે તેને ફ્રેન્ચ સ્થાપત્યની એક મહાન કૃતિ બનાવી.

થોમસ પરમાર