સાસોફેરાતો, જિયોવાની બાતિસ્તા સાલ્વી (જ. 1609, સાસોફેરાતો, ઇટાલી; અ. 1685) : ઇટાલિયન બરોક-ચિત્રકાર. એવું અનુમાન કરવામાં આવે છે કે નેપલ્સમાં ચિત્રકાર દોમેનિકિનો પાસે તેમણે ચિત્રકલાની તાલીમ લીધી હતી. એ પછી 1641માં તેમણે રોમ જઈને ચિત્રકારની કારકિર્દી શરૂ કરી.
સાસોફેરાતોએ આલેખેલ મધર મેરીનું ચિત્ર
રોમના સાન્તા સાબિના ચેપલ માટે તેમણે ચીતરેલ ભીંતચિત્ર ‘મેડોના દેલ રોસારિયો’ તેમની શ્રેષ્ઠ ચિત્રકૃતિ ગણાય છે. પેરુજિયામાં સેંટ પિયેત્રો ચૅપલ માટે તેમણે સંખ્યાબંધ ચિત્રો આલેખ્યાં; જેમાંથી એક ચિત્ર ‘જુડિથ’ ઘણું જાણીતું છે. એ પછી તેમણે માતા મેરી, બાળ ઈસુ સાથેનાં માતા મેરીનાં ઘણાં આલેખનો કર્યાં. ઉપરાંત, એક વ્યક્તિચિત્રકાર તરીકે પણ નામના મેળવી. એમનાં ચિત્રોના રંગો ઘણા જ ભડક છે.
અમિતાભ મડિયા