સાસેતા (. ચૌદમી-પંદરમી સદી, ઇટાલી; . આશરે 1450, સિયેના, ઇટાલી) : ઇટાલીનો પંદરમી સદીનો નામી ગૉથિક ચિત્રકાર. મૂળ નામ સ્તેફાનો દિ જિયોવાની.

સિયેના ખાતે સાસેતાએ ચિત્રકળાની તાલીમ લીધી હોય તેમ માનવામાં આવે છે. સિયેના ખાતે આર્તે દેલા લાના ચર્ચમાં વેદી પર મૂકવા માટેનું ચિત્ર તેમણે 1423થી 1426 સુધીમાં ચીતર્યું. ત્યારપછી 1430થી 1432 દરમિયાન સિયેના કેથીડ્રલ માટે ‘મેડોના ઑવ્ ધ સ્નો’ ચિત્ર ચીતર્યું, જેમાં ફ્લૉરેન્સની રેનેસાંસ-કલાનાં નવોન્મેષની ઝાંખી થાય છે. આ ચિત્રમાં આકૃતિઓ વચ્ચેના સ્થળીય (spatial) સંબંધો ત્રિપારિમાણિક સ્પષ્ટતાઓ સાથે ચીતરેલા નજરે પડે છે. એ પછી તેમણે કૉર્તોના ખાતે સેંટ ડૉમેનિકો ચર્ચમાં મૂકવા માટે પાંચ ચિત્રોનું એક જૂથ ચીતર્યું, જેમાં સેંટ ઍન્થૉનીના જીવનપ્રસંગોનું આલેખન જોવા મળે છે. સાસેતાનું શ્રેષ્ઠ ચિત્ર સાન્સેપોલ્ક્રો ખાતેના સેંટ ફ્રાન્ચેસ્કો ચર્ચની વેદી માટે ચીતરાયું. તેમાં માતા મેરી તથા બાળ ઈશુ ચાર સંતોથી વીંટળાયેલા જોવા મળે છે અને તેના નીચેના ભાગમાં સેંટ ફ્રાન્સિસના જીવનપ્રસંગો આલેખેલા જોવા મળે છે.

સાસેતાએ આલેખેલ ધાર્મિક આકૃતિઓ

અક્કડ, દ્વિપરિમાણી અને સપાટ ગૉથિક ચિત્રણા તથા જીવંત, ત્રિપરિમાણી અને ઊંડાણવાળી રેનેસાંસ-ચિત્રણા વચ્ચેના સંધિતબક્કાના ચિત્રકાર તરીકે સાસેતાની ઓળખ વધુ શ્રદ્ધેય બની રહે છે. એ બંને શૈલીઓનાં શ્રેષ્ઠ લક્ષણો એમનાં ચિત્રોમાં જોવા મળે છે.

અમિતાભ મડિયા