સાહચર્ય-કસોટી (Association test)

January, 2008

સાહચર્યકસોટી (Association test) : મનોવિશ્લેષણમાં ઉપયોગી બનતી એવી પ્રવિધિ (ટૅકનિક) જેમાં અસીલ શાંત બનીને પોતાના મનમાં જે કાંઈ આવે તે [ગમે તેટલું ક્ષોભ કે પીડા ઉપજાવે એવું હોય કે ક્ષુલ્લક જણાય તોપણ] કહે છે. સાહચર્ય-કસોટી એક પ્રકારની ભાવવિરેચન(Catharsis)ની પદ્ધતિ છે.

આપણા એક અનુભવનું અન્ય અનુભવો સાથે મનમાં સાહચર્ય વડે જોડાણ થાય છે. વ્યક્તિના મનમાં કયા કયા વિચારો વચ્ચે જોડાણ છે તે જાણવા માટે સાહચર્યની કસોટી કરવામાં આવે છે. એ મોટેભાગે શબ્દ-સાહચર્યના પ્રયોગના રૂપમાં હોય છે, જેમાં પ્રયોગકર્તા એક શબ્દ (ઉદ્દીપક શબ્દ) બોલે છે. અસીલ કે પ્રયોગપાત્ર એ શબ્દ સાંભળીને પોતાના મનમાં જે પહેલો વિચાર આવે તેને એક શબ્દ (પ્રતિક્રિયા-શબ્દ) બોલીને વ્યક્ત કરે છે; દા.ત., પતંગ (ઉદ્દીપક શબ્દ) → ફીરકી (પ્રતિક્રિયા-શબ્દ).

સાહચર્યની કસોટી વિવિધ પ્રકારે થાય છે. જ્યારે આપેલા ઉદ્દીપક શબ્દ પ્રત્યે એક જ પ્રતિક્રિયા-શબ્દ બોલીને જવાબ આપવાનો હોય ત્યારે તેને પૃથક (discrete) સાહચર્ય-કસોટી કહે છે; દા.ત., રાત-દિન. જ્યારે એકથી વધુ શબ્દોની હારમાળા વડે જવાબ આપવાનો હોય ત્યારે તે સતત (continuous) સાહચર્ય-કસોટી કહેવાય છે; દા.ત., સફેદ (ઉદ્દીપક શબ્દ) → કાળો, કાગડો, પોપટ, જામફળ વગેરે (પ્રતિક્રિયા-શબ્દો). એક ઉપરથી બીજો અને તેના ઉપરથી ત્રીજો એમ વિચારોની સાંકળ રચાય છે.

જ્યારે વ્યક્તિએ મનમાં આવતો ગમે તે વિચાર શબ્દ વડે વ્યક્ત કરવાનો હોય ત્યારે તે મુક્ત સાહચર્ય-કસોટી કહેવાય છે; દા.ત., ‘નદી’ શબ્દના જવાબમાં કોઈ પણ નદીનું નામ અથવા ‘તળાવ, સરોવર’ અથવા ‘હોડી, વહાણ’ અથવા ‘પ્રવાસ’ કે ‘માછલી’ જેવા શબ્દ બોલી શકાય છે. જ્યારે પ્રયોગ કરીને દર્શાવેલી શરત પ્રમાણે સંબંધ ધરાવતા શબ્દ વડે જ જવાબ આપવાનો હોય ત્યારે તેને નિયંત્રિત (controlled) સાહચર્ય-કસોટી કહે છે. શરત વિવિધ પ્રકારની હોઈ શકે; દા.ત., જાતિ-ઉપજાતિ કસોટીમાં ઉદ્દીપક શબ્દ વડે સૂચવાતી જાતિ(વ્યાપક વર્ગ)માં સમાઈ જતી ઉપ(પેટા)જાતિ વ્યક્ત કરતો શબ્દ જવાબમાં કહેવાનો હોય છે; દા.ત., માણસ → એશિયાવાસી. ખંડ-અખંડ કસોટીમાં પ્રયોગકર્તા ભાગનું નામ બોલે છે. તે સાંભળીને પ્રયોગપાત્રે એ જે આખી વસ્તુનો ભાગ છે એ વસ્તુનું નામ કહેવાનું હોય છે; દા.ત., સૂંઢ → હાથી. વિરુદ્ધાર્થ કસોટીમાં આપેલા શબ્દના વિરોધી અર્થવાળો શબ્દ જવાબમાં બોલવાનો હોય છે; દા.ત., ઢીલું → સખત.

સાહચર્ય-કસોટીમાં પ્રયોગપાત્રે ઉચ્ચારેલો પ્રતિક્રિયા-શબ્દ, તેણે એ પ્રતિક્રિયા શરૂ કરવામાં લીધેલો સમય (પ્રતિક્રિયા-કાળ) અને પ્રતિક્રિયા દરમિયાન તેના મુખભાવ તથા તેની આવેગની અભિવ્યક્તિઓ નોંધવામાં આવે છે.

મુક્ત સાહચર્ય-કસોટીમાં મોટાભાગનાં પ્રયોગપાત્રોએ આપેલી પ્રતિક્રિયાઓ આ પ્રમાણે કોઈ એક પ્રકારની હોય છે : (1) (ક) વ્યાખ્યારૂપ કે સમાનાર્થી શબ્દ; દા.ત., માણસ → નર. (ખ) ઉપલી જાતિ કે વ્યાપક વર્ગ સૂચવતા શબ્દ; દા.ત., પીપળો → ઝાડ. (2) પૂરક કે વિધેયરૂપ શબ્દ; દા.ત., મરચું → તીખું. હરણ → દોડે. (3) (ક) સમવર્ગી શબ્દ; દા.ત., વાઘ → સિંહ. શાળા → કૉલેજ (એ જ કક્ષાનો અન્ય વર્ગ). (ખ) વિરોધી શબ્દ; દા.ત., ઠંડું → ગરમ, ચડતી → પડતી. (4) મૂલ્યાંકનરૂપ અને અંગત પ્રતિક્રિયાઓ; દા.ત., બાળકો → ભોળાં. અમદાવાદી → કંજૂસ. વ્યક્તિએ સેંકડો શબ્દોને આપેલી પ્રતિક્રિયાઓમાંથી કયા પ્રકારની કેટલી પ્રતિક્રિયાઓ છે તેનું વિશ્લેષણ કરવાથી તેનાં માનસ અને વ્યક્તિત્વ ઉપર ઠીક ઠીક પ્રકાશ પડે છે.

સાહચર્ય-કસોટીના વિવિધ ઉપયોગો છે : પ્રક્ષેપણ-પ્રવિધિ તરીકે તેના વડે વ્યક્તિત્વનાં કેટલાંક અજાણ્યાં પાસાં ઓળખી શકાય છે. તેનો કેટલીક વાર ગુનાશોધનમાં પણ ઉપયોગ થાય છે. ગુનાના સ્વરૂપ-સ્થળ વગેરે સાથે સંકળાયેલા ઉદ્દીપક શબ્દો બોલીને શકમંદોને તેમનો જવાબ આપવાનું કહેવાય છે. તેમના પ્રતિક્રિયા-શબ્દ, સમય અને તેમના હૃદયના ધબકારા જેવા શરીરના આંતરિક ફેરફારોની અસત્યશોધકયંત્ર (lie detector) વડે નોંધ લેવાય છે. એના આધારે ગુનામાં ખરેખર સંડોવાયેલ વ્યક્તિ ઓળખાઈ જાય છે. કેટલીક વાર સાહચર્ય-કસોટી વડે મૂંઝવણો અને મનોવિકૃતિઓનું નિદાન પણ થાય છે.

સ્વસ્થ વ્યક્તિઓના વ્યક્તિત્વની વિશિષ્ટતાને ઓળખવા માટે કૅન્ટ અને રોઝાનૉફ-રચિત સાહચર્ય-કસોટી વપરાય છે. એમાં અંગ્રેજી ભાષાનાં પરિચિત નામો, વિશેષણો, ક્રિયાપદો વગેરે મળીને 100 ઉદ્દીપક શબ્દો રજૂ કરાય છે. વ્યક્તિએ દરેક શબ્દના આપેલા જવાબો નોંધી એ જવાબો કેટલા પ્રચલિત કે વિરલ (અનોખા) છે તેનું આંકડાકીય વિશ્લેષણ થાય છે; દા.ત., ‘સોય’ શબ્દ 1000 વ્યક્તિઓને સંભળાવાયો, ત્યારે તેમાંના 160 માણસોએ ‘દોરી’, 158 વ્યક્તિઓએ ‘ટાંકણી’, 152 વ્યક્તિઓએ ‘અણીદાર’ અને 242 વ્યક્તિઓએ ‘સીવવું’ એવા જવાબ આપ્યા. આ બધા પ્રચલિત જવાબો છે; પણ 11 જણાએ ‘વાગવું’, 2 જણાએ ‘ઈજા’, 2 જણાએ ‘ઇન્જેક્શનની’ અને 1 વ્યક્તિએ ‘લોહી’ કે ‘શસ્ત્ર’ એવો જવાબ આપ્યો. આ વિરલ જવાબો છે. વ્યક્તિના જવાબોની વ્યાપકતા/સામાન્યતા ઉપરથી તેનું વ્યક્તિત્વ અમુક અંશે ઓળખાય છે.

વ્યક્તિની ભાવગ્રંથિઓને શોધવા માટે મનોચિકિત્સક યુંગે બીજી સાહચર્ય-કસોટી રચી છે. ભાવગ્રંથિ (complex) વ્યક્તિની ઇચ્છાઓ, આવેગો અને સ્મૃતિઓનું એક વસ્તુ કે ઘટનાની આસપાસ ગૂંથાયેલું તંત્ર હોય છે. એમાં તણાવ, નિષ્ફળતા, અસંતોષ કે દોષની લાગણી પણ સમાવિષ્ટ હોય છે. મોટાભાગે પ્રેમલગ્ન અને જાતીય પ્રેરણા, કૌટુંબિક કે આર્થિક મુશ્કેલીઓ, પોતાની મર્યાદાઓથી અસંતોષ, અન્યાયની લાગણી, મૈત્રી કે દુશ્મનાવટ કે માંદગી ઈજા કે મૃત્યુના ભય જેવી બાબતો અંગે ભાવગ્રંથિ રચાય છે. ઘણી ભાવગ્રંથિઓ અજ્ઞાત હોય છે, જ્યારે બીજી કેટલીક જ્ઞાત હોવા છતાં વ્યક્તિ તેમને ટાળે છે. વ્યક્તિ કઈ ભાવગ્રંથિથી પીડાય છે તે સાહચર્ય-કસોટીથી શોધી શકાય છે. એ માટે ઉપર દર્શાવેલી બાબતો સાથે સંકળાયેલા શબ્દોવાળી કસોટી રચાઈ છે.

યુંગની સાહચર્ય-કસોટી વ્યક્તિને બે વખત આપવામાં આવે છે. બીજી રજૂઆત વખતે વ્યક્તિને કહેવામાં આવે છે કે તેણે બને ત્યાં સુધી પહેલી વખત આપેલો પ્રતિક્રિયા-શબ્દ બોલવો.

પોતાના જીવનની જે બાબતો વિશે વ્યક્તિના મનમાં ભાવગ્રંથિ હોય તેને લગતા શબ્દો અંગે તે નીચેની વિશિષ્ટ પ્રતિક્રિયા આપે છે : (1) તેનો પ્રતિક્રિયાકાળ લાંબો હોય છે. (2) તે પ્રતિક્રિયા આપતો જ નથી. (3) તે ઉદ્દીપક શબ્દનું જ પુનરાવર્તન કરે છે. (4) તે ઉદ્દીપક શબ્દનો ખોટો અર્થ સમજે છે. (5) તે ઉદ્દીપક શબ્દ સાથે બિલકુલ સંબંધ ન હોય એવી કે અંગત પ્રતિક્રિયા આપે છે. (6) તેના ચહેરા ઉપર ક્ષોભ કે ઉત્તેજનાનાં ચિહ્નો દેખાય છે. (7) તે તોતડાય છે, હસી પડે છે કે બહુ જ ધીમેથી અથવા ઘાંટો પાડીને પ્રતિક્રિયા-શબ્દ બોલે છે. (8) તે બીજી રજૂઆત વખતે નવો પ્રતિક્રિયા-શબ્દ બોલે છે.

સાહચર્ય-કસોટી દ્વારા વ્યક્તિની ભાવગ્રંથિ ઓળખવાથી તેનો મનોપચાર વધારે અસરકારક રીતે કરી શકાય છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે