લુઈઝિયાના : યુ.એસ.ના દક્ષિણ ભાગમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 29° થી 33° ઉ. અ. અને 89° થી 94° પ. રે. વચ્ચેનો આશરે 1,35,900 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. મેક્સિકોના અખાતમાં જ્યાં મિસિસિપી નદી ઠલવાય છે ત્યાં તે આવેલું છે. તેની ઉત્તરે આરકાન્સાસ રાજ્ય, પૂર્વે મિસિસિપી નદી અને મિસિસિપી રાજ્ય, દક્ષિણે મેક્સિકોનો અખાત અને પશ્ચિમે ટેક્સાસ રાજ્ય આવેલાં છે. બૅટન રૂઝ તેનું પાટનગર છે. ન્યૂ ઑર્લિયન્સ મોટામાં મોટું શહેર તથા વ્યસ્ત બંદર છે. લેક ચાર્લ્સ, શ્રેવપૉર્ટ અને લાફિયેટ અન્ય શહેરો છે.

લુઈઝિયાનાનું મુખ્ય ભૂમિલક્ષણ મિસિસિપી નદી છે. તે મિસિસિપી રાજ્ય સાથે પૂર્વ સીમા બનાવે છે. નદીએ અહીં પંખીના પગલાની છાપ જેવો વિશિષ્ટ આકારનો ત્રિકોણપ્રદેશ બનાવેલો છે. રેડ રિવર અને ઔચિતા નદી તેની સહાયક નદીઓ છે. કિનારાની અંદર તરફની ભૂમિ બે ભાગમાં વહેંચાઈ જાય છે. પૂર્વ અખાતી કિનારાનું મેદાન નદીના પૂર્વ તરફના તેમજ પૉંટચારટ્રેઇન સરોવરના ઉત્તર તરફના વિસ્તારને આવરી લે છે. પશ્ચિમ અખાતી કિનારાનું મેદાન મિસિસિપી નદીના કાંપના મેદાનની પશ્ચિમ તરફનો રાજ્યનો બધો ભાગ આવરી લે છે. નદીએ રચેલું કાંપનું મેદાન તેના હેઠવાસની આજુબાજુ વિસ્તરેલું છે. પશ્ચિમ તરફના ભાગમાં પંકપ્રદેશો આવેલા છે. આ પંકપ્રદેશો, કિનારા નજીક તેમજ દૂરતટીય સમુદ્રજળ હેઠળ ઊંડાઈએ ખનિજતેલ અને કુદરતી વાયુ ધરાવતા મીઠાના ઘૂમટ (salt domes) આવેલા છે. મિસિસિપી અને બીજી નદીઓ નજીકના પીઠપ્રદેશ કરતાં ઊંચાઈએ રહેલી હોવાથી પૂર માટેની શક્યતાઓ વધી જાય છે. આ રીતે ઊભરાયેલાં પાણીથી રાજ્યના ઘણા ભાગોમાં કળણ-પ્રદેશો રચાયા છે. 163 મીટરની ઊંચાઈ ધરાવતા ડ્રિસ્કિલ પર્વતોનો પ્રદેશ અહીંનું સર્વોચ્ચ સ્થળ છે, જ્યારે સમુદ્રસપાટીથી પણ 1.5 મીટર નીચે તરફ આવેલું સ્થળ ન્યૂ ઑર્લિયન્સનું છે.

લુઈઝિયાના

આબોહવા : અહીં વાર્ષિક સરેરાશ વરસાદ 1,600 મિમી. જેટલો પડે છે. અહીંનાં જાન્યુઆરી અને જુલાઈનાં તાપમાન અનુક્રમે 10° સે. અને 28° સે. જેટલાં રહે છે.

વનસ્પતિ : અહીં એઝિલિયા, કૅમેલિયા, ક્રૅપ મિર્ટલ, રેડ બડ અને યૉપૉન નામનાં ફૂલોના છોડ જોવા મળે છે. ઓક તેમજ કળણવાળા ભાગોમાં જંગલી નેતર થાય છે. રાજ્યનો લગભગ અડધો વિસ્તાર જંગલ-આચ્છાદિત છે. ઊંચાણવાળા ભાગોમાં પાઇન અને બર્ચનાં વૃક્ષો થાય છે. આ રાજ્યના મુખ્ય કૃષિપાકો ડાંગર, શેરડી, મકાઈ, કપાસ, દૂધ, સોયાબીન છે. ઢોરના માંસનું ઉત્પાદન પણ લેવાય છે. ઉત્પાદન-પેદાશોમાં રસાયણો, ખનિજતેલ, કુદરતી વાયુ, ખનિજતેલની પ્રક્રિયાત્મક પેદાશો, લાકડાં, કાગળની પેદાશો, ખાદ્યપેદાશો, શ્રિંપ માછલીઓ, ખાંડ, મીઠું, પરિવહન માટેનાં સાધનો અને ઉપકરણોનો સમાવેશ થાય છે. લુઈઝિયાના ખનિજતેલ અને કુદરતી વાયુનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન કરે છે. આ રાજ્યમાં ઉદ્યોગો કરતાં મુખ્યત્વે તો છૂટક અને જથ્થાબંધ વેપાર વધુ વિકસ્યો છે. રાજ્યના ઘણા લોકો તેમાં રોકાયેલા છે. લુઈઝિયાનાના મુખ્ય વેપારી મથક તરીકે તેના મોટામાં મોટા શહેર ન્યૂ ઑર્લિયન્સનો વિકાસ થયેલો છે, વળી તે રાજ્યનું આગળ પડતું નાણાં અને પરિવહનનું મુખ્ય મથક પણ બની રહેલું છે.

લુઈઝિયાના રાજ્ય ખનિજ-ઉત્પાદનના મૂલ્યની દૃષ્ટિએ યુ.એસ.નાં બધાં રાજ્યોમાં ટેક્સાસથી બીજા ક્રમે આવે છે. ખાણ-ઉત્પાદન પૈકી પેટ્રોલિયમ અને કુદરતી વાયુ રાજ્યની કુલ આવકના આશરે 95 % જેટલો હિસ્સો મેળવી આપે છે. ખનિજતેલ રાજ્યના દક્ષિણ ભાગમાંથી અને કુદરતી વાયુ ઉત્તર ભાગમાંથી મળે છે. બૅટન રૂઝ, લેક ચાર્લ્સ, ન્યૂ ઑર્લિયન્સ અને શ્રેવપૉર્ટ રસાયણ-ઉદ્યોગનાં મુખ્ય ઉત્પાદન-મથકો છે.

વસ્તી–લોકો : આ રાજ્ય પેલિકન રાજ્યના નામથી પણ જાણીતું છે. આ રાજ્યનું જીવન અહીં વસતા જાતજાતના લોકો, તેમની સંસ્કૃતિ, તેમનાં રીતરિવાજો વગેરેનાં મિશ્રણવાળું છે. ક્રિયોલ અને કાજુન લોકો દક્ષિણ ભાગોમાં રહે છે. ક્રિયોલ જાતિના લોકો અહીં આવીને વસેલા મૂળ ફ્રેન્ચ અને સ્પૅનિશ વસાહતીઓના વંશજો છે; જ્યારે કાજુન લોકો કૅનેડાથી આવેલા ફ્રેન્ચ વસાહતીઓના વંશજો છે. લુઈઝિયાના રાજ્યની કુલ વસ્તી 2000 મુજબ 44,68,976 જેટલી છે. અહીંની 40 % વસ્તી ફ્રેન્ચ ભાષા બોલે છે.

લુઈઝિયાનામાં Poverty Point State Commemorative Area નામનો વિસ્તાર છે, જ્યાં ઈ. પૂ. 1800થી 500ના ગાળાની પ્રાક્-ઐતિહાસિક નેટિવ અમેરિકનોની જગાઓ આવેલી છે. બૅટન રૂઝ (1849) પાટનગર તરીકે જોવાલાયક છે. સેન્ટ લુઇ કેથીડ્રલ (1794), જૅકસન ચોક અને તેની આજુબાજુનો ભાગ તથા ન્યૂ ઑર્લિયન્સ શહેર આ રાજ્યનાં જોવાલાયક સ્થળો છે. અહીં લુઇ આર્મસ્ટ્રૉંગ, પીજીટી બ્યૂરેગાર્ડ, હૉય લાગ જેવી નામાંકિત વ્યક્તિઓ થઈ ગઈ. ન્યૂ ઑર્લિયન્સ એ દિક્સિલૅન્ડ જાઝનું જન્મસ્થળ છે. લાખો લોકો દર વર્ષે અહીં આવે છે, મદ્યપાન અને રંગરાગ માણે છે. માર્ડી ગ્રૅસ ઉજવણી માટે પણ જાણીતું છે. આ શહેરનો ફ્રેન્ચ વિભાગ અને સુંદર રેસ્ટોરાં પ્રવાસીઓનાં આકર્ષણ-કેન્દ્રો છે. પ્રવાસીઓ અહીં ન્યૂ ઑર્લિયન્સ શૈલીનું જાઝ સાંભળે છે અને આનંદમગ્ન બની જાય છે.

ઇતિહાસ : સ્પૅનિશોએ 1519માં, કાબેઝા દ વાકાએ 1528માં, દ સોટોએ 1541માં અને ફ્રેન્ચ લા સેલીએ 1682માં અહીં અભિયાનો કરેલાં. સ્પૅનિશો જ્યારે અહીં આવેલા ત્યારે લુઈઝિયાના વિસ્તારમાં આશરે 12,000 જેટલા ઇન્ડિયનો વસતા હતા. 1682માં ફ્રેન્ચ અભિયંતા રેને-રૉબર્ટ-કૅવેલિયર સિઉર દ લા સેલી જ્યારે અહીં આવ્યો ત્યારે તેણે આખાય મિસિસિપી નદી-વિસ્તાર પર ફ્રાન્સનો દાવો મૂકેલો. 1762થી 1800 સુધી સ્પેનના હસ્તક અને 1800 બાદ તે ફ્રાન્સના હસ્તક રહેલો. 1803માં યુ.એસે. ફ્રાન્સ પાસેથી આ વિસ્તાર ખરીદી લીધેલો. 1812માં તે યુ.એસ.નું રાજ્ય બન્યું. 1861માં તે સંઘમાંથી છૂટું પડ્યું, પણ 1868માં ફરીથી દાખલ થયું. અહીં એક ગૃહયુદ્ધ પણ થયેલું. ગૃહયુદ્ધથી અહીંના અર્થતંત્રને માઠી અસર પહોંચેલી. પરિણામે અહીં પુનર્વ્યવસ્થા ધીમી પડી ગયેલી. 1930–40ના દાયકામાં ખનિજતેલ-ઉત્પાદનથી રાજ્યના પેટ્રોકેમિકલ ઉત્પાદનક્ષેત્રે આ રાજ્ય મહત્વનું બની રહેલું છે. 1961 પછી આ રાજ્યે અવકાશી ક્ષેત્રમાં પણ મહત્વનો ફાળો આપ્યો છે.

ગિરીશભાઈ પંડ્યા