લુઇસ, પર્સી વિન્ડૅમ (Lewis, Percy Wyndham)

January, 2004

લુઇસ, પર્સી વિન્ડૅમ (Lewis, Percy Wyndham) (જ. 18 નવેમ્બર 1882, નોવા સ્કોટિયા, કૅનેડા; અ. 7 માર્ચ 1957, લંડન, બ્રિટન) :  આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિને વધાવી લેતી અમૂર્ત વૉર્ટિસિસ્ટ (Vorticist) ચળવળના પ્રણેતા ચિત્રકાર અને લેખક. તેમનો જન્મ ઍમ્હર્સ્ટ નજીક દરિયામાં એક તરાપા ઉપર થયો હતો.

માતાપિતાના છૂટાછેડા થતાં આશરે 1893માં દસબાર વરસની ઉંમરે લુઇસ માતાની સાથે લંડન ચાલ્યા ગયા. ત્યાં સોળ વરસની ઉંમરે તેમણે સ્લેઇડ સ્કૂલ ઑવ્ આર્ટમાં પૂરી સ્કૉલરશિપ સાથે પ્રવેશ મેળવ્યો. પરંતુ  ત્રણ વરસ પછી એ કલા-અભ્યાસ અધૂરો જ મૂકી લુઇસ પૅરિસ ગયા. પૅરિસમાં ચિત્રો ચીતરવાં ચાલુ રાખ્યાં અને સોર્બોં (Sorbonne) યુનિવર્સિટીમાં કલા વિશેનાં વ્યાખ્યાનોનું શ્રવણ કર્યું.

1909માં લંડન પાછા આવી પોતાનાં ચિત્રો પ્રદર્શિત કરવાનું અને વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. ઔદ્યોગિક યંત્રોની ગતિ અને શક્તિની પ્રશસ્તિ કરતી તેમની ચિત્રકલા ‘વૉર્ટિસિઝમ’ નામે જાણીતી બની. તેમાં રહેલાં રંગો અને આકૃતિઓની વધુ પડતી નાટ્યાત્મકતા આંખોને કઠિન જણાતી લાગે છે. તેમની આ શૈલી ફ્યૂચરિસ્ટિક ચિત્રકલાની સમીપની છે.

પર્સી વિન્ડેમ લુઇસ

1914માં ‘બ્લાસ્ટ’ (Blast) નામના અંગ્રેજી સામયિકમાં લુઇસની બે વાર્તાઓ પ્રસિદ્ધ થઈ, તેમાં પણ આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિની પ્રશસ્તિ કેન્દ્રસ્થાને છે.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્રદેશોના ભૂમિદળમાં ઑફિસર તરીકે રણમોરચે લુઇસે સેવા આપી. લશ્કર તરફથી વિનંતી થતાં એમની એક યુદ્ધ-કલાકાર તરીકે નિમણૂક થઈ. તેમણે યુદ્ધનાં દૃશ્યોને રેખાચિત્રો અને રંગીન ચિત્રોમાં તાદૃશ કર્યાં.

1918માં લુઇસની પ્રથમ નવલકથા ‘ટૅર’ (Tarr) પ્રકટ થઈ. એ પછી એમણે 1926 સુધી એકલવાયી જિંદગી જીવવી શરૂ કરી. આ આઠ વરસો દરમિયાન એમણે મહત્વના ગ્રંથો લખ્યા : રાજકીય સિદ્ધાંતો અંગેનો ગ્રંથ ‘ધ આર્ટ ઑવ્ બીઇન્ગ રૂલ્ડ’, આધુનિક કલામાં રહેલા અસાતત્ય (Flux) અને વધુ પડતી વસ્તુલક્ષિતા પર પ્રહાર કરતો ગ્રંથ ‘ટાઇમ ઍન્ડ વેસ્ટર્ન મૅન’, શેક્સપિયર અને મૅકિયાવેલી(Machiavelli)ના અભ્યાસ અંગેનો ગ્રંથ ‘ધ લાયન ઍન્ડ ધ ફૉક્સ’ તથા કટાક્ષપૂર્ણ નિબંધો અને ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘ધ વાઇલ્ડ બૉડી’. 1930માં એમની દળદાર વ્યંગ્ય નવલકથા ‘ધી ઍઇપ્સ ઑવ્ ગૉડ’નું પ્રકાશન થતાં લંડનના સાહિત્યજગતમાં હાહાકાર મચી ગયેલો.

1930 પછી લુઇસે એમની શ્રેષ્ઠ ચિત્રકૃતિઓ સર્જી, જેમાં ‘ધ સરન્ડર ઑવ્ બાર્સેલોના’ અને કવિ ટી. એસ. એલિયટના એક વ્યક્તિચિત્રનો સમાવેશ થાય છે. એમનાં કેટલાંક શ્રેષ્ઠ પુસ્તકો પણ આ સમયે લખાયાં :  સાહિત્યિક વિવેચનનો સંગ્રહ ‘મૅન વિધાઉટ આર્ટ’ (1934), યુદ્ધની સ્મૃતિઓ રજૂ કરતું ‘બ્લાસ્ટિન્ગ ઍન્ડ બૉમ્બાર્ડિન્ગ’ (1937) તથા એક નવલકથા ‘ધ રિવેન્જ ફૉર લવ’ (1937).

લેખન અને ચિત્રકલાનાં ક્ષેત્રોમાં ઊંચાં સોપાનો સિદ્ધ કરવા છતાં 1930 પછી લુઇસની નાણાકીય હાલત ખૂબ કથળી ગઈ હતી, તેઓ મોટા દેવામાં ડૂબી ગયા હતા. 1932માં એમની પર થયેલા બદનક્ષીના બે દાવામાં ફરિયાદીઓ કૉર્ટમાં જીતીને સફળ બનતાં પ્રકાશકોએ પણ પછી એમનાં પુસ્તકો છાપવાં બંધ કર્યાં. અગાઉ પ્રસિદ્ધ થયેલાં પુસ્તકોમાં તેમણે ફાસીવાદની કરેલી તરફદારીને કારણે તેમણે મિત્રો અને સાખ પણ ગુમાવ્યાં. પછીથી પોતાની ભૂલનો એકરાર કરી લેવા છતાં ગુમાવેલી પ્રતિષ્ઠા લુઇસ કદી પાછી મેળવી શક્યા નહિ.

1939માં પત્ની સાથે લુઇસે અમેરિકાની વ્યાખ્યાનયાત્રા કરી. ત્યાં વ્યાખ્યાનો અને વ્યક્તિચિત્રો ચીતરી ખાસ્સી કમાણી કરી શકવાની એમની આશા પર પાણી ફરી વળ્યું, કારણ કે તુરત જ બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળવાને કારણે એમને આવકાર મળ્યો નહિ. બીજા યુદ્ધને કારણે એ પાછા ઘેર લંડન પણ ફરી શક્યા નહિ. થોડા મહિના ન્યૂયૉર્કમાં  ગૂંગળામણ અનુભવી તેઓ ટૉરન્ટો ગયા. ત્યાં એક સસ્તી હોટેલમાં કારમી ગરીબીમાં તેઓ ત્રણ વરસ સબડતા રહ્યા. આ ત્રણ વરસની યાતનાનું પ્રતિબિંબ તેમની નવલકથા ‘સેલ્ફ કન્ડેમ્ડ’(1954)માં જોવા મળે છે.

યુદ્ધ પછી લુઇસ પત્ની સાથે લંડન પાછા ફર્યા. ‘બ્રિટિશ બ્રૉડકાસ્ટિન્ગ કૉર્પોરેશન’ના સામયિક ‘ધ લિસનર’ માટે કલાવિવેચક તરીકે તેમની નિયુક્તિ થઈ. 1951માં તેમની આંખોએ દૃષ્ટિ ગુમાવી ત્યાં સુધી તેમણે ઉત્તમ કલાવિવેચન આ સામયિકમાં કર્યું. માઇકલ આયર્ટોન અને ફ્રાંસિસ બેકન જેવા મોટું નામ કાઢનારા ઘણા કલાકારોને પહેલી વાર પોંખવાનું શ્રેય લુઇસને જ મળે છે. પોતાની સ્મૃતિઓને આલેખતું બીજું પુસ્તક ‘રુડ અસાઇન્મેન્ટ્સ’ (1950) અને કટાક્ષપૂર્ણ ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘રૉટિન્ગ હિલ’ (1951) આપ્યાં. ત્યારબાદ પહેલાં 1928માં તેમણે માંડેલી સ્વૈરવિહારી કપોળકલ્પિત કથા ‘ધ હ્યુમન એઇજ’ 1955માં પૂરી કરી, જે પછી 1956માં પ્રસિદ્ધ થઈ.

1956માં લુઇસનાં ચિત્રોનું સિંહાવલોકી/પશ્ચાદર્તી પ્રદર્શન લંડન ખાતેની ટેઇટ ગૅલરીએ યોજેલું.

અમિતાભ મડિયા