લુઈલિયે, આન (L’Huiller, Anne) (જ. 16 ઑગસ્ટ 1958, પૅરિસ, ફ્રાન્સ) : પદાર્થ(દ્રવ્ય)માં ઇલેક્ટ્રૉનની ગતિક્રિયાના અભ્યાસ માટે પ્રાયોગિક રીતે પ્રકાશના ઍટોસેકન્ડ કંપનો ઉત્પન્ન કરવા માટે 2023નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર પિયર ઍગોસ્ટિન તથા ફેરેન્સ ક્રાઉઝ સાથે સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો.

આન લુઈલિયેના દાદા વિદ્યુતીય (ઇલેક્ટ્રિકલ) ઇજનેર હતા તથા તેઓએ રેડિયો સંચાર(રેડિયો કૉમ્યુનિકેશન)ક્ષેત્રે સંશોધનો કર્યાં હતાં. આન લુઈલિયે તેમનાથી પ્રેરિત થયા હતા. માનવનું ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ – આ મહત્વની ઘટનાથી પણ લુઈલિયો વિજ્ઞાનક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત થયા હતા.

1980માં લુઈલિયેએ પૅરિસ પાસે આવેલી એકોલે નોર્માલે સુપિરિયરમાંથી ગણિતશાસ્ત્રમાં સ્નાતકની પદવી મેળવી. ત્યારબાદ પિયર અને મૅરી ક્યુરી યુનિવર્સિટીમાંથી સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર તથા ગણિતશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી મેળવી, પરંતુ પીએચ.ડી.ના અભ્યાસ માટે પ્રાયોગિક ભૌતિકશાસ્ત્ર પસંદ કર્યું અને 1986માં સફળતાપૂર્વક પીએચ.ડી.નો અભ્યાસ પૂરો કરી ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી.

જે મહત્વના કાર્ય માટે તેમને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો તે કાર્ય 1980ના દાયકામાં ઉમદા વાયુ (noble gas) ના પરમાણુઓના અભ્યાસ સાથે શરૂ થયું. આયનીકરણની પ્રક્રિયા દરમિયાન પરમાણુઓ ઘણા અથવા બધા જ ઇલેક્ટ્રૉન મુક્ત કરતા હતા. લુઈલિયેએ અધોરક્ત (ઇન્ફ્રારેડ) લેસરનો ઉપયોગ આ પરમાણુઓ પર   કર્યો જેનાથી એક અસામાન્ય ઘટના બની – ઉચ્ચ સુસંગત ઉત્પત્તિ અર્થાત્ high harmonic generation. લુઈલિયે અને તેમના સહકાર્યકર્તાઓએ આ ઉચ્ચ સુસંગત કંપનોને જોડીને સમયના પરિમાણમાં અત્યંત ટૂંકાં અથવા નાનાં કંપનો ઉત્પન્ન કર્યાં. આ કંપનોનો સમયગાળો માત્ર ઍટોસેકન્ડ (attosecond) જેટલો હતો, અર્થાત્ 1018 સેકન્ડ. એક સેકન્ડનો એકની પાછળ 18 શૂન્ય– જેટલો અતિ સૂક્ષ્મ ભાગ. આ જ પ્રકારના પ્રયોગો ઍગોસ્ટિની અને ક્રાઉઝે 2000ની સાલની આસપાસ કર્યા હતા.

2011માં લુઈલિયેને લૉરિયેલ– યુનેસ્કોનો ‘વિમેન ઇન સાયન્સ’નો પુરસ્કાર પ્રાપ્ત થયો. 2013માં તેમને કાર્લ ઝિસ સંશોધન પુરસ્કાર તથા તે જ વર્ષમાં યુરોપિયન એકૅડેમી ઑવ્ સાયન્સીસ દ્વારા બ્લેઝ પાસ્કલ ચંદ્રક એનાયત થયો. 2022માં તેમનું ‘વુલ્ફ પ્રાઇઝ’ દ્વારા સન્માન થયું.

હાલમાં તેઓ સ્વીડનમાં આવેલી લન્ડ યુનિવર્સિટીમાં શૈક્ષણિક તથા સંશોધનકાર્યમાં કાર્યરત છે.

પૂરવી ઝવેરી