લી હો (પિનિયન લી હી) (જ. 791; અ. 817, ચૅંગ્કુ) : ચીનના તેજસ્વી કવિ. અંગ્રેજ કવિ જૉન કીટ્સની જેમ, માત્ર 26 વર્ષની યુવાન વયે તેમનું મૃત્યુ થયું ન હોત તો તેમની ગણના ચીનના સૌથી મહાન કવિઓમાં થઈ હોત. એક દંતકથા પ્રમાણે તેઓ ‘ક્વેઇત્સાઇ’ – આસુરી શક્તિ ધરાવતા માણસ હતા. ઘોડેસવારીની મજા માણતા ત્યારે તેઓ નાની ચબરખીઓ પર કાવ્યની છૂટક છૂટક પંક્તિઓ લખીને સરસ ભરતગૂંથણવાળી કાળા રંગની કોથળીમાં સાચવી રાખતા અને સાંજે ઘેર આવીને તેમાંથી સંપૂર્ણ કાવ્ય રચતા. સાત વર્ષના હતા ત્યારથી કાવ્યરચના કરતા હતા. રાજ્યના અફસર થવા માટેની પરીક્ષા આપવાનો તેમનો મનસૂબો હતો, પરંતુ સામાન્ય ઔપચારિક વિધિની કોઈક ખામીને લીધે એમની પરીક્ષાર્થી તરીકેની અરજી નામંજૂર થયેલી. આ ઘટનાથી તેમની તબિયત પર વિપરીત અસર થતાં થોડા સમયમાં તેમનું અવસાન થયેલું. લી હોની કવિતા વિશિષ્ટ પણ વિચિત્ર કાવ્યબાનીથી યુક્ત તેમજ તાદૃશ કલ્પનો, પાસપાસેના અસરકારક શબ્દો અને ભારે વિષાદથી સભર છે.
વિ. પ્ર. ત્રિવેદી