લીમડો

દ્વિદળી વર્ગમાં આવેલા મેલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Azadirachta indica A. Juss. (સં. નિંબ, પ્રભદ્ર; સર્વતોભદ્ર; મ. કડૂનિંબ, બાળંત નિંબ; હિં., બં. નીમ; ત.તુ.ક. એવું.; તે. વેપ્પા; મલ. વેપ્પુ; અં. માર્ગોસા ટ્રી, નીમ ટ્રી) છે. તે વિશાળ, સદાહરિત, 12 મી.થી 18 મી. ઊંચું અને 1.8 મી.થી 2.4 મી.નો ઘેરાવો ધરાવતું વૃક્ષ છે. તેનું મુખ્ય થડ લાંબું અને સીધું હોય છે અને તેની શાખાઓ ફેલાતી હોય છે અને તેઓ વિસ્તૃત પર્ણમુકુટ બનાવે છે. ભારતના મોટાભાગના પ્રદેશોમાં તે થાય છે અને ઘણી વાર તેનું વાવેતર કરવામાં આવે છે. છાલ ભૂખરી અથવા ઘેરી ભૂખરી, ખરબચડી અને અંદરની બાજુએ લાલાશ પડતી બદામી હોય છે અને ત્રાંસી તિરાડો ધરાવે છે. પ્રકાંડ ઉપર ગાંઠો વીખરાયેલી હોય છે. પર્ણો અયુગ્મ એકપિચ્છાકાર (imparipinnate), એકાંતરિક અને 20 સેમી.થી 38 સેમી. લાંબાં હોય છે. પર્ણિકાઓ 9થી 19, એકાંતરિક કે સંમુખ, અંડ-ભાલાકાર (ovate-lanceolate), તિર્યક્ (oblique) કે ઉપદાત્રાકાર (subfalcate) કે દાત્રાકાર–ભાલાકાર (falcate lanceolate), ચમકદાર અને દંતુર (serrate) હોય છે. પુષ્પો સફેદ કે આછાં પીળાં, નાનાં, સુગંધિત, અસંખ્ય અને લાંબા પાતળા કક્ષીય લઘુપુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે શિથિલ રીતે ગોઠવાયેલાં હોય છે. ફળ અષ્ઠિલ (drupe) પ્રકારનું, લીલું, પાકે ત્યારે પીળું, સુગંધિત, લંબચોરસ (oblong) કે અંડાકાર લંબચોરસ (ovoid-oblong), લીસું, 1.3 સેમી.થી 1.8 સેમી. લાંબું હોય છે અને એક જ અભ્રૂણપોષી (non-endospermous) બીજ ધરાવે છે. તેના ફળને ‘લિંબોળી’ કહે છે.

આ વૃક્ષ ‘શિવાલિક’ની ટેકરીઓ પર અને આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કર્ણાટકનાં સૂકાં જંગલોમાં ‘વન્ય’ તરીકે થાય છે. જોકે તે જંગલનું વૃક્ષ નહિ હોવા છતાં સામાન્ય રીતે વન્ય સ્થિતિમાં મળી આવે છે. આંધ્રપ્રદેશમાં જાતે ઊગી નીકળેલા બીજમાંથી મોટાભાગનાં વૃક્ષો વૃદ્ધિ પામે છે. સમગ્ર ભારતમાં ખાસ કરીને તેના સૂકા પ્રદેશોમાં તેનું વાવેતર કરવામાં આવે છે.

લીમડો, તેનાં પર્ણો, પુષ્પ અને ફળ

આ વૃક્ષ માટીવાળી (clayey), ક્ષારયુક્ત અને આલ્કેલાઇન મૃદામાં, એમ લગભગ બધા પ્રકારની મૃદામાં ઊગી શકતું હોવા છતાં તે કાળી કપાસ મૃદામાં સારી રીતે ઊગે છે. તે સૂકી, પથરાળ અને છીછરી મૃદામાં કે જલરહિત અવ-મૃદા (sub-soil) કે સપાટીની નજીક કૅલ્શિયમયુક્ત કે માટીયુક્ત કઠોર સ્તર ધરાવતી મૃદામાં અન્ય વૃક્ષજાતિઓ કરતાં વધારે સારી રીતે થાય છે. તે પ્લાવન (inundation) સહી શકતું નથી. તે મૃદાની ફળદ્રૂપતા અને જલગ્રહણક્ષમતા(water-holding capacity)માં વધારો કરે છે; કારણ કે તે કૅલ્શિયમનું ખનન (mining) કરવાનો ગુણધર્મ ધરાવે છે, જેથી ઍસિડિક મૃદા તટસ્થ બને છે.

તે મોટેભાગે સદાહરિત (evergreen) વૃક્ષ છે. જોકે શુષ્ક સ્થળોએ ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન લગભગ પર્ણરહિત બની જાય છે અને નવાં પર્ણો માર્ચ-એપ્રિલ દરમિયાન આવે છે. ભારતના દક્ષિણના ભાગોમાં પુષ્પનિર્માણ જાન્યુઆરી-માર્ચ દરમિયાન અને ઉત્તરમાં તેનાથી મોડું થાય છે. કેરળમાં જાન્યુઆરીમાં; કર્ણાટક, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ફેબ્રુઆરી-માર્ચમાં; મધ્ય પ્રદેશમાં એપ્રિલના પ્રથમ અઠવાડિયે અને ઉત્તર ભારત તથા પંજાબમાં ક્રમશ: વધારે મોડું પુષ્પનિર્માણ થાય છે. ઉપહિમાલયી પ્રદેશોમાં મેના પ્રથમ અઠવાડિયે લીમડો પુષ્પ આપે છે. ઉત્તર પ્રદેશનાં મેદાનોમાં ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં પણ મર્યાદિત પ્રમાણમાં પુષ્પનિર્માણ થાય છે. ફળનિર્માણમાં પણ આ પ્રકારનું વલણ છે. બીજ લાંબો સમય જીવનક્ષમતા (viability) ધરાવતાં નથી. બીજના એકત્રીકરણમાં સંભાળ રાખવી આવશ્યક છે. વૃક્ષ ઉપર સંપૂર્ણપણે પાકે ત્યારે તેને ઉતારી લઈ એકત્રીકરણ પછી તરત જ જેમ બને તેમ જલદી વાવવાં જરૂરી છે.

તે પ્રકાશાપેક્ષી (light-demander) છે અને તરુણ અવસ્થામાં કાંટાળા જંગલમાં અન્ય વનસ્પતિઓની તુલનામાં જોશપૂર્વક ઉપર નીકળી આવે છે. તે સહિષ્ણુ (hardy) હોવા છતાં હિમરોધી (frost resistant) નહિ હોવાથી ખાસ કરીને રોપની કે બાલવૃક્ષની અવસ્થામાં અતિશય ઠંડી સામે ટકી શકતો નથી. તે ઝાડી-વન (coppice) સારી રીતે બનાવે છે અને ઠૂંઠું થઈ જાય તોપણ સારી રીતે ટકે છે. પ્રથમ ઋતુ બાદ બાલવૃક્ષ ઝડપથી વિકાસ સાધે છે. તે પ્રતિ 2.5 સેમી.એ પાંચ વલયો ઉત્પન્ન કરે છે અને ઘેરાવામાં સરેરાશ 3.2 સેમી./પ્રતિવર્ષ વૃદ્ધિ કરે છે.

તેનું નૈસર્ગિક પુનર્જનન (regeneration) બીજ દ્વારા થાય છે. ચોમાસા દરમિયાન વૃક્ષ પરથી પડેલાં બીજ એક કે બે અઠવાડિયાંમાં અંકુરણ પામે છે. લીમડાનું વાવેતર તેની આજુબાજુ ઊગેલા પીલાને મૂળ સહિત ઉખાડી, તેમજ બીજથી રોપ ઉછેરી કરવામાં આવે છે. રોપ-ઉછેર માટે ફળને પલાળવાથી તેની છાલ પોચી પડે છે અને પછી મસળવાથી માવો અને છાલ દૂર કરી બીજ મેળવી શકાય છે. બીજને સુકાય ત્યાં સુધી છાંયડામાં રાખવામાં આવે છે. સુકાયેલા બીજને 2થી 4 માસ કરતાં વધારે સંગ્રહ કરવાથી અંકુરણક્ષમતા ઘટે છે. લીમડાના બીજના 1.20 મી.થી 4.00 મી.ના અંતરે ગાદી-ક્યારા બનાવીને જુલાઈ માસમાં રોપવામાં આવે છે. જોકે રોપા તૈયાર કરી ફેરરોપણી કરતાં સીધેસીધું બીજનું વાવેતર વનીકરણ માટે વધારે સફળ ગણાય છે. પ્રથમ વરસાદ પછી 7 સેમી.થી 10 સેમી. ઊંચા અને 15 સેમી.થી લાંબું સોટીમૂળ ધરાવતા રોપા ફેરરોપણી માટે યોગ્ય ગણાય છે. જો મોટા રોપાની જરૂરિયાત હોય તો તેને એક વર્ષ વધારે ક્યારીમાં જાળવવામાં આવે છે. ફેરરોપણી કરતાં પહેલાં તેનાં મૂળ અને પ્રકાંડની જરૂરિયાત મુજબ છટણી કરવામાં આવે છે. હિમાળા પ્રદેશોમાં તેમને પડદાઓ વડે રક્ષણ આપવામાં આવે છે. પાણી સિવાયનું અપતૃણન (weeding) વૃદ્ધિને ઉત્તેજે છે. મૃદાને પોચી કરવાથી વાયુમિશ્રણ સારું થાય છે, જે વનસ્પતિ માટે લાભદાયી છે. મૂળ અને પ્રકાંડના ટુકડાઓના રોપણ દ્વારા પણ પ્રસર્જન થઈ શકે છે. વૃદ્ધિ-નિયામક પદાર્થો, જેવા કે IBA (ઇન્ડોલ-બ્યુટેરિક ઍસિડ) અને NAA (નૅપ્થેલીન એસેટિક ઍસિડ) મૂળનિર્માણને ઉત્તેજે છે.

લીમડાને ફૂગ દ્વારા કોઈ ગંભીર રોગ થતા નથી. છતાં તેના પર Cercospora leucosticta Ellis & Everh., C. Subsessilis Syd., Fomes senex Nees & Mont., Polyporus gilvus schw. અને Xylaria azadirachta Anahosur. થાય છે. આ વૃક્ષ ઉપર ઘણી જીવાતો થતી હોવા છતાં કોઈ પણ જીવાત ગંભીર રીતે નુકસાનકારક નથી. જોકે કેટલીક જગાએ શાહુડી લીમડાને નુકસાન પહોંચાડે છે.

તેનું રસકાષ્ઠ (sapwood) ભૂખરું સફેદ અને અંત:કાષ્ઠ શરૂઆતમાં ખુલ્લું થતાં લાલ રંગનું અને પછીથી લાલાશ પડતા બદામી રંગનું બને છે. કાષ્ઠ ઝાંખાથી માંડી કેટલેક અંશે ખાસ કરીને તેની અરીય સપાટી ઉપર ચળકતું હોય છે. તે સુગંધિત મધ્યમસરનું ભારે (વજન 705 કિગ્રા.થી 945 કિગ્રા./ઘનમી.), અસમ અને ખીચોખીચ રીતે અંતર્ગ્રથિત-દાણાદાર અને મધ્યમથી કેટલાક પ્રમાણમાં જાડા ગઠનવાળું હોય છે. કાષ્ઠ ખુલ્લી સ્થિતિમાં ટકાઉ હોય છે. તેનું કાષ્ઠ મધ્યમ ઉચ્ચતાપસહ (refractory) હોય છે અને તેનું સંશોષણ (seasoning) સારી રીતે છે. તે સાગની જેમ સહેલાઈથી વહેરી શકાય છે અને હાથ કે યંત્ર દ્વારા તેના ઉપર ખૂબ સહેલાઈથી સુથારીકામ થઈ શકે છે અને લેથ ઉપર જરૂરી ઘાટ ઘડી શકાય છે. તેનાં પાટિયાં ઉપર કોતરકામ થઈ શકે છે, પરંતુ તે પૉલિશ સારી રીતે પકડતું નથી. સાગના સંદર્ભમાં તેના કાષ્ઠના ગુણધર્મોની ટકાવારીમાં તુલનાત્મક ઉપયુક્તતા (suitability) આ પ્રમાણે છે : વજન 124, પાટડાનું સામર્થ્ય 82, પાટડાની દૃઢતા 81, થાંભલા તરીકેની ઉપયુક્તતા 82, આઘાત-અવરોધક ક્ષમતા 105, આકાર-જાળવણી 77, અપરૂપણ (shear) 129, સપાટીની કઠિનતા 131, સ્ક્રૂ-ગ્રહણનો ગુણધર્મ 117.

કાષ્ઠનો ઉપયોગ ફર્નિચર, ગાડાં, ધરીઓ, ધૂંસરી, નાયડી (nave), નેમિ (felloes), પાટિયાં, કૅબિનેટ, ડ્રૉઅરનાં ખાનાં, સુશોભિત છત, સિગાર-પેટી, કોતરેલી મૂર્તિઓ, રમકડાં, ડ્રમ, હલેસાં અને વહાણનું સુકાન બનાવવામાં, વહાણ કે હોડીના બાંધકામમાં અને કૃષિવિદ્યાકીય સાધનો બનાવવામાં થાય છે. તેનું કાષ્ઠ 5 મી.ના અંતરના પુલ બનાવવામાં ઉપયોગી છે. પટારા કે ખાનાંઓવાળી પેટીઓ આ કાષ્ઠમાંથી બનાવાય છે અને તે જંતુ-રોધી (pest-proof) હોય છે.

તેના અંત:કાષ્ઠના વિભંજક નિસ્યંદન દ્વારા મળી આવતા પદાર્થોમાં (શુષ્કતાને આધારે) પાણી 8 %, કોલસો 30.9 %, કોલટાર 11.7 %, કુલ નિસ્યંદક (distillate) 50. 1 %, પાયરોલિગ્નિયસ ઍસિડ 38.4 % (ઍસિડ 5.02 %, ઍસ્ટર 4.03, ઍસિટેટ 3.46 %, મિથેનૉલ 1.03 %), ડામર (pitch) તથા અપવ્યય 0.6 % અને વાયુ 18.4 %. કાષ્ઠનું તેલ β-સીટોસ્ટેરોલ, સાઇક્લોયુકેલેનૉલ અને 24 મિથિલિન સાઇક્લોઆર્ટેનૉલ ધરાવે છે. અંત:કાષ્ઠમાં ટૅનિન, નિમેટોન (C24H30O5), β-સીટોસ્ટેરોલ-β-D-ગ્લુકોસાઇડ, 4, 14 α-ડાઇમિથાઇલ-5, α-અર્ગોસ્ટે-8, 24 (28) ડાઇએન-3-β-ઓલ; 4α-મિથાઇલ, 5α-અગૉર્સ્ટે-8, 24 (28) – ડાઇએન-3-β-ઓલ અને નિમ્બોલિન A અને b, નિમ્બિનિન અને 6-ડેસિટિલ નિમ્બિનિન અને કૅલ્શિયમ, પોટૅશિયમ અને લોહના અકાર્બનિક ક્ષારો હોય છે. તેના અંત:કાષ્ઠમાંથી 24-મિથિલિનલોફિનોલ નામનું સ્ટેરૉઇડ અલગ કરવામાં આવ્યું છે. કાષ્ઠ α-સેલ્યુલોઝ 65.27 %, β-સેલ્યુલોઝ 2.1 % અને γ–સેલ્યુલોઝ 6.49 %, હેમીસેલ્યુલોઝ A 6.84 %, હેમીસેલ્યુલોઝ β 7.2 % અને લિગ્નિન 14.65 % ધરાવે છે.

પ્રકાંડની છાલમાં નિમોઝોન, નિમ્બોઝોન, મિથાઇલ નિમ્બૉલ અને મિથાઇલ નિમ્બિયોનોન નામના ચાર ટ્રાઇસાઇક્લિક ડાઇટર્પેનૉઇડો; બે સમાવયવી (isomeric), ડાઇટર્પેનૉઇડો – નિમ્બોનોન અને નિમ્બોનોલોન; માર્ગોઝોન, માર્ગોઝોલોન, માર્ગોલોન, માર્ગોલોનોન અને આઇસોમાર્ગોલોન; નિમ્બોસોડિયોન, નિમ્બિસોલોન અને ડાઇમિથાઇલ નિમ્બિયોનોલ નામના ત્રણ ટ્રાઇસાઇક્લિક ડાઇટર્પેનૉઇડો હોય છે. માર્ગોસિનોન અને માર્ગોસિનોલોન નામના બે ફૅટી ઍસિડ-વ્યુત્પન્નો પણ પ્રકાંડની છાલમાંથી પ્રાપ્ત થયાં છે. પ્રકાંડની છાલના આલ્કોહૉલીય નિષ્કર્ષના પેટ્રોલ-ઈથર દ્રાવ્ય ઘટકમાંથી 0.02 % બાષ્પશીલ તેલ મળે છે. તે પુષ્પકલિકાઓમાંથી અલગ કરેલા તેલ જેવા જ ગુણધર્મો ધરાવે છે.

મૂળની છાલમાંથી માર્ગોસિન, માર્ગોસિનિન અને માર્ગોસિલિન નામના ત્રણ ટ્રાઇસાઇક્લિક ડાઇટર્પેનૉઇડો, નિમ્બિડિયોલ (રૂપાંતરિત ડાઇટર્પેનૉઇડ) અને નિમ્બોલિન, નિમ્બોલિસિન જેવા ટેટ્રાનૉરટ્રાઇટર્પેનૉઇડો અને ઍઝાડિરિનિન (ટ્રાઇટર્પીન) મળી આવ્યાં છે.

પ્રકાંડની છાલમાં ટૅનિન 12 %થી 16 % ટૅનિનરહિત ભાગ 8 %થી 11 % જેટલો પ્રાપ્ત થયો છે. ટૅનિનનો ચર્મશોધનમાં ઉપયોગ કરી શકાય છે. છાલ દ્વારા લાલ રંગ ઉત્પન્ન થાય છે.

છાલ દ્વારા સ્વચ્છ, ચમકદાર, કેરબો (amber) રંગના ગુંદરનો સ્રાવ થાય છે, જેને ‘ઈસ્ટ ઇંડિયા ગમ’ કહે છે. તે સમય જતાં કાળા રંગનો બને છે. તે નાના ગાંગડાઓ કે કૃમિરૂપ (vermiform) ટુકડાઓના સ્વરૂપમાં હોય છે. તેની સપાટી તિરાડો કે ચીરાઓવાળી હોય છે. ગાંગડા ઠંડા પાણીમાં દ્રાવ્ય હોય છે અને તે કડવા હોતા નથી. સૂકા પ્રદેશમાં થતાં વૃક્ષ દ્વારા મુક્તપણે ગુંદર ઉત્પન્ન થાય છે. ભેજવાળા પ્રદેશમાં થતો ગુંદર એકત્રીકરણ કરતા પહેલાં કાં તો ધોવાઈ જાય છે અથવા બગડી જાય છે. ગુજરાતમાં તેનું વાર્ષિક ઉત્પાદન 4,200 કિગ્રા. જેટલું થાય છે. ગુંદર ઉત્તેજક, શામક (demulcent) અને બલ્ય હોય છે તથા શ્લેષ્મસ્રાવ (catarrhal) અને અન્ય રોગોમાં ઉપયોગી છે. બાવળના ગુંદર કરતાં તેનો આસંજક (adhesive) ગુણધર્મ ઊતરતી કક્ષાનો હોય છે. બાવળના ગુંદરની અવેજીમાં તેનો ઉપયોગ થાય છે. રેશમના રંગારાઓ તેના રંગની બનાવટમાં ઉપયોગ કરે છે. તેના ગુંદરનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 13.8 % અને ભસ્મ 3.0 %. આલ્કોહૉલ દ્વારા તેનું શુદ્ધીકરણ કરતાં અનુપચાયક (non-reducing) ગુંદર ઉત્પન્ન થાય છે. ગુંદરનું જલાપઘટન (hydrolysis) કરતાં તે એલ-ઍરેબિનોઝ, એલ-ફ્યુકોઝ, ડી-ગૅલેક્ટોઝ અને ડી-ગ્લુક્યુરૉનિક ઍસિડ પ્રાપ્ત થાય છે. ક્રમિક જલાપઘટન દ્વારા આલ્ડોબાયુરોનિક ઍસિડ મળે છે, જે 4-0-ડી-ગૅલેક્ટોપાયરેનોઝ છે. ગુંદરમાં ગ્લુકોસેમાઇન અને પ્રોટિયોલાઇટિક સક્રિયતા માલૂમ પડી છે. છાલમાંથી મળતા રેસા દ્વારા દોરડાં બનાવવામાં આવે છે.

લીમડાનાં પર્ણો અને શાખાઓ બીજા ચારા સાથે મિશ્ર કરીને ઢોરને ખવડાવવામાં આવે છે. ઊંટ પણ તેનાં પર્ણો ખાય છે. પ્રસવ (parturition) પછી દૂધનો સ્રાવ વધારવા માટે ઢોર અને બકરીઓને નિયમિતપણે તે આપવામાં આવે છે. તે વાતહર (carminative) અને પાચ્ય છે. તેમનો ઘાસપાત છાદન (mulch) અને ખાતરમાં ઉપયોગ થાય છે.

તાજી કચર્યા વિનાની લીમડાની શાખાઓના એસિડિક અંશમાંથી સ્કોપોલેટિન; 6, 8ડાઇ હાઇડ્રૉક્સિ-3-મિથાઇલ-3, 4–ડાઈહાઇડ્રો-આઇસોકુમેરિન; 7, 8–ડાઇહાઇડ્રૉક્સિ–3–મિથાઇલ–3, 4-ડાઇહાઇડ્રો-આઇસોકુમેરિન; 7, 8–ડાઇમિથૉક્સિ-3 મિથાઇલ – 3, 4-ડાઇહાઇડ્રો-આઇસોકુમેરિન (માર્ગોસેટિન), 6મિથૉક્સિમેલિન અને 6, 8-ડાઇમિથૉક્સિ–7–હાઇડ્રૉક્સિકુમેરિન પ્રાપ્ત થયાં છે.

પર્ણોમાં નિમ્બિન, નિમ્બિનિન, 6-ડેસેસિટિલ નિમ્બિનિન, નિમ્બેન્ડીઑલ, નિમ્બોલાઇડ અને ક્વિરસેટિન હોય છે. b-સીટોસ્ટેરૉલ, એન-હેક્ઝાકોસેનૉલ અને નોનેકોસનની હાજરી પણ પર્ણોમાં જોવા મળી છે. પરિપક્વ પર્ણોના એક રાસાયણિક વિશ્લેષણ પ્રમાણે તેમાં પાણી 59.4 %, પ્રોટીન 7.1 %, મેદ 1.0 %, રેસા 6.2 %, કાર્બોદિતો 22.9 %, ખનિજો 3.4 %, કૅલ્શિયમ 510.0 મિગ્રા., ફૉસ્ફરસ 80 મિગ્રા., લોહ 17.1 મિગ્રા., થાયેમિન 0.04 મિગ્રા., નાયેસિન 1.4 મિગ્રા., અને પ્રજીવક ‘સી’ 218.0 મિગ્રા./100 ગ્રા.; કૅરોટિન 1,998 માઇક્રોગ્રામ/100 ગ્રા. અને કૅલરી-મૂલ્ય 129 કિલોકૅલરી / 100 ગ્રા. હોય છે. પર્ણોમાં રહેલા ઍમિનોઍસિડોમાં ગ્લુટામિક ઍસિડ 73.3 મિગ્રા., ટાયરોસિન 31.5 મિગ્રા., ઍસ્પાર્ટિક ઍસિડ 15.5 મિગ્રા., ઍલૅનિન 6.4 મિગ્રા., પ્રોલીન 4.0 મિગ્રા. અને ગ્લુટામિન 1.0 મિગ્રા./100 ગ્રા. હોય છે. તાજાં કચર્યા વિનાનાં પર્ણોના પેટ્રોલિયમ ઈથરના નિષ્કર્ષમાંથી ડોકોસન, પેન્ટાકોસન, હેક્ટાકોસન, ઑક્ટાકોસન, ટ્રાઇએકોન્ટેન, હેન્ટ્રાઇએકોન્ટેન, ડોટ્રાઇએકોન્ટન અને નોનેકોસન નામના આઠ હાઇડ્રોકાર્બન પ્રાપ્ત થાય છે. આ હાઇડ્રોકાર્બન-અંશ Aedes aegypti જેવા મચ્છર સામે વિષાક્ત છે અને કીટકવૃદ્ધિનિયામક તરીકે પણ વર્તે છે. સૂકાં પર્ણોનો હાઇડ્રોકાર્બન-અંશ Culex pipiens જેવા મચ્છરની ઇયળોનો નાશ કરે છે. તેની કુમળી ડાળીઓ દંતમંજનમાં વપરાય છે. પાયોરિયામાં તે ખાસ ઉપયોગી છે.

કુમળાં પાન મરી (Piper nigrum Linn.) સાથે લેવાથી આંત્રીય કૃમિતા(intestinal helminthiasis)માં અસરકારક થાય છે. પર્ણોનો મલમ બળિયાનાં ચાંદાં ઉપર લગાડવામાં આવે છે. લીમડાનાં તાજાં પાકાં પાન, બાવચી (Psoralea corylifolia Linn.) અને ચણા(Cicer arietinum Linn.)ના બીજમાંથી બનાવાતું ઔષધ સફેદ કોઢ(leucoderma)માં ખૂબ અસરકારક થાય છે. કુમળાં પાનનો 10 % જલીય નિષ્કર્ષ વૅક્સિનિયા–વૅરિયોલા, ફાઉલ પૉક્સ અને ન્યૂ કૅસલ રોગના વિષાણુઓ સામે પ્રતિવિષાણુક (antiviral) સક્રિયતા દર્શાવે છે. પર્ણના નિષ્કર્ષમાંથી મળતા અંશો રુધિર ગંઠાવાની પ્રક્રિયા ઢીલમાં નાખે છે. તેનાં તાજાં પર્ણોનો કાઢો મંદ પ્રતિરોધી (antiseptic) છે. તેનો ગરમ આસવ (infusion) ફૂલેલી ગ્રંથિઓ, ઉઝરડા (bruises) અને મચકોડ (sprains) પર શેક કરવા વેદનાહર (anodyne) તરીકે ઉપયોગી છે. છાંયડામાં સૂકવેલાં પર્ણો બાષ્પનિસ્યંદન દ્વારા સોનેરી પીળું બાષ્પશીલ તેલ (0.13 %) ઉત્પન્ન કરે છે. પર્ણોના ફૉસ્ફેટ બફર, ઈથર અને આલ્કોહૉલીય નિષ્કર્ષ Micrococcus pyogenes var. aureusની સક્રિયતાને અવરોધે છે. બાષ્પશીલ તેલ જીવાણુરોધી (antibacterial) ગુણધર્મો ધરાવે છે અને Mycobacterium tuberculosis, Micrococcus pyogenes var. aureus, Salmonella. paratyphi, S. typhi, Vibrio cholerae અને Klebsiella pneumoniaeની વૃદ્ધિને અવરોધે છે. તાજાં પર્ણોમાંથી મેળવેલું બાષ્પશીલ તેલ મંદ ફૂગનાશક પ્રક્રિયા દર્શાવે છે. પર્ણોના અશુદ્ધ નિષ્કર્ષની મૂર્છિત ગિનીપિગ અને સસલાના હૃદય ઉપર થતી અસરો વિશે અભ્યાસ થયો છે. 200 મિગ્રા./કિગ્રા. નિષ્કર્ષ દ્વારા સસલાના હૃદયનાં સ્પંદનોમાં 280 પરથી 150 / મિ. ઘટાડો થાય છે.

પર્ણોનો કીટ-પ્રતિકર્ષક (insect-repellent) તરીકે અને સૂત્રકૃમિઓના નિયંત્રણ માટે વિવિધ રીતે ઉપયોગ થાય છે. તે ઊનનાં કપડાં અને પુસ્તકોમાં જીવાતથી રક્ષણ મેળવવા મૂકવામાં આવે છે. ઘઉં અને જુવારના દાણાઓમાં લીમડાનાં સૂકાં પાન રાખવાથી ફૂદું (Ephestia cautella), સૂંઢિયા કે ચોખાનું વિવલ (Calandra oryzae), ધનેડું (Tribolium castaneum), અગોમૉઇસ (angomois), ધાન્યશલભ (Sitrototroga cerealella) અને લઘુધાન્યવેધક (Rhizopertha dominica) સામે 45 માસ સુધી સરસ રક્ષણ મળે છે. સંગ્રહ કરેલા બટાટાને પણ તે રક્ષણ આપે છે. 5 %થી 10 % વજન/વજન પર્ણોની સારવાર આપતાં ટામેટાં અને રીંગણમાં મૂળ પર ગાંઠો ઉત્પન્ન કરતા સૂત્રકૃમિ(Meloidogyne sp.)ના ચેપમાં ઘટાડો થાય છે. પર્ણોનો રસ આપતાં લગભગ 25 % જેટલી રજકાના વિપુલની ઇયળો નાશ પામે છે. પર્ણોનો જલીય નિષ્કર્ષ (1 કિગ્રા./45 લિ. પાણી) ફળ, શાકભાજી અને ધાન્ય પાકોને તીડ (Schistocerca gregaria) સામે અસરકારક રક્ષણ આપે છે. પર્ણોનો ઠંડા પાણીવાળો નિષ્કર્ષ Diplodia natalensisના બીજાણુઓનું અંકુરણ અટકાવે છે. Diplodia દ્વારા આંબાને થડનો સડો થતો હોય છે.

લીમડાના એક વૃક્ષ ઉપર પ્રતિવર્ષ લગભગ 200 કિગ્રા.થી 300 કિગ્રા. લિંબોળી ઉત્પન્ન થાય છે. બીજ અને ફળની છાલ વચ્ચે પોચો ગર આવેલો હોય છે, જે પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ–મનુષ્યો દ્વારા ખવાય છે. ફળનો ઉપયોગ બલ્ય, કાલિક, જ્વરરોધી (antiperiodic), રેચક, શામક (emollient) અને કૃમિહર (anthelmintic) તરીકે થાય છે. તે મૂત્રમાર્ગના રોગો અને હરસની સારવારમાં લાભદાયી છે. સૂકાં ફળને પાણીમાં છોલીને ત્વચાના રોગોમાં લગાડવામાં આવે છે. તેના માવાના જલીય દ્રાવણનો છંટકાવ કરવાથી પાકોને તીડથી રક્ષણ મળે છે.

ફળ જેડુનિન, 7–ડેસેસિટૉક્સિ 7α–હાઇડ્રૉક્સિ જેડુનિન, એઝાડિરેડિયોન, એઝાડિરોન, 17β-હાઇડ્રૉક્સિએઝાડિરેડિયોન (C28H34O6), 17-એપી-એઝાડિરેડિયોન (C28H34O5) ધરાવે છે.

બીજ પીળાશ પડતું સફેદ હોય છે અને સૂકું બને ત્યારે બીજાવરણ સખત અને બરડ બને છે અને તે સહેલાઈથી અલગ કરી શકાય છે. ફળનું એકત્રીકરણ એપ્રિલથી ઑગસ્ટ દરમિયાન કરવામાં આવે છે. એકત્રીકરણનો સૌથી શ્રેષ્ઠ સમય ચોમાસા પૂર્વેનો છે. તેની લણણી હાથ દ્વારા કરવામાં આવે છે અને સૂર્યપ્રકાશમાં સૂકવી ઑક્ટોબરથી ડિસેમ્બર કે તેથી વધારે સમય સુધી સંગ્રહવામાં આવે છે. બીજને ત્રણ માસ સુધી સંગ્રહવાથી તેલનું સારા પ્રમાણમાં ઉત્પાદન મેળવી શકાય છે. બીજ આશરે 44.7 % મીંજ અને 55.3 % કવચ ધરાવે છે. તાજા ફળમાં લીલાશ પડતી બદામી મીંજ 35 % જેટલી હોય છે.

બીજમાં 1α – મિથૉક્સિ–1, 2 ડાઇડ્રોએપૉક્સિએઝાડિરોન, 1β, 2β-ડાઇએપૉક્સિએઝાડિરેડિયોન, 7-એસિટિલિનિયોટ્રાઇકિલેનોન, 7-ડેસેસિટિલ-7 બેન્ઝૉઇલએઝાડિરેડિયોન, 7-ડેસેસિટિલ-7 બેન્ઝૉઇલ એપૉક્સિએઝાડિરેડિયોન અને 7-ડેસેસિટિલ-7-બેન્ઝોઇલજેડુનિન નામનાં છ ટેટ્રાનોર ટ્રાઇટર્પેનૉઇડો હોય છે. તે એઝાડિરેક્ટિન પણ ધરાવે છે, જે 40 માઇક્રોગ્રામ/ લિ.ની માત્રાએ તીડ જેવા કીટકો અને સૂત્રકૃમિઓની ખોરાક લેવાની પ્રક્રિયા અટકાવે છે. તે કીટકોની વૃદ્ધિ અને તેની પ્રજનનક્ષમતાને અવરોધે છે. એઝાડિરેક્ટિનનું બંધારણ કીટકના અંત:સ્રાવ સાથે સામ્ય ધરાવે છે, છતાં કીટકની દરેક અવસ્થાએ ચયાપચયની ક્રિયામાં ઉપયોગી એવા અંત:સ્રાવનું સંશ્લેષણ તે અટકાવે છે અને ચયાપચયની ક્રિયાને ધીમી પાડે છે અથવા સંપૂર્ણપણે અટકાવે છે અને ઘણા કીટકોને ઉત્પન્ન થતા અટકાવે છે અથવા તેનો જીવનક્રમ છિન્નભિન્ન કરે છે.

ફળ અને મીંજનું ચૂર્ણ પર્ણોની જેમ કીટ-પ્રતિકર્ષક છે અને તે પણ સૂંઢિયા કે ચોખાનું વિવલ (Sitophilus oryzae), લઘુધાન્યવેધક અને વાંતરી કે ખાપરા ભમરા(Trogoderma granarium)થી ઘઉંના દાણાનું અનુક્રમે 9, 11 અને 13 માસ માટે રક્ષણ કરે છે. બીજનું ચૂર્ણ મગ (Vigna radiata), ચણા (Cicer arietinum), ચોળા (Vigna unguiculata) અને વટાણા(Pisum sativum)નું ભૂંડ કે બ્રૂકિડ ભમરા(Callosobruchus maculatus)થી 8થી 11 માસ સુધી રક્ષણ કરે છે. લીમડાના બીજના ચૂર્ણ કે તેના નિલંબન દ્વારા સારવાર પામેલાં કઠોળને ધોઈને રાંધવાથી લીમડાનો સ્વાદ કે સુગંધી રહેતાં નથી. મીંજમાં ટ્રાઇટર્પેનૉઇડો, સેલૅનિન અને એઝાડિરેક્ટિન હોય છે, જે કીટકોની ખોરાક ખાવાની પ્રક્રિયાને અવરોધે છે. ખેતરોમાં તેનો મોટા પાયા પર ઉપયોગ કરવા તેનાં યોગ્ય સૂત્રણ (formulations) તૈયાર કરવામાં આવ્યાં છે. લીમડાના 10/20 છિદ્રનું કદ ધરાવતા મીંજના દાણા (5 %) ચાઇના માટીને વાહક તરીકે અને બાવળના ગુંદરનો બંધક તરીકે ઉપયોગ કરી બનાવવામાં આવે છે, જે જુવાર ઉપર આક્રમણ કરતા ગાભમારાની ઇયળ કે થડના વેધક કીટક (Chilo partellus) દ્વારા થતા નુકસાનને ઘટાડે છે અને દાણા અને ચારાનું ઉત્પાદન વધારે છે. પ્રાથમિક પ્રયોગોમાં લીમડાના મીંજની અશુદ્ધ નીપજો શુદ્ધ નીપજોની તુલનામાં કીટકોની ખોરાક લેવાની પ્રક્રિયાને વધારે સારી રીતે અવરોધે છે. Locust migratoria માટેનો ખોરાક લેવાનો સંપૂર્ણ અવરોધ 0.05 % નિલંબન દ્વારા પ્રદર્શિત થાય છે; જ્યારે Schistocera gregariaમાં 0.001 %એ ખોરાકભક્ષણને સંપૂર્ણ રીતે અવરોધે છે. મીંજ(0.1 %)ના નિલંબનનો છંટકાવ શાકભાજી, ધાન્ય અને ફળોના પાકનું તીડોથી રક્ષણ કરે છે. 2 % નિલંબન તમાકુના રોપને Spodoptera lituraની ઇયળો દ્વારા થતું નુકસાન અટકાવે છે. 0.3 % નિલંબન Boarmia (ascotis) selenariaની ઇયળોની વૃદ્ધિ અને તેનું કોશિત અવસ્થામાં થતું રૂપાંતર ખૂબ અસરકારક રીતે અવરોધે છે.

મીંજમાંથી લીલાશ પડતા પીળા રંગથી બદામી રંગનું કડવું સ્થાયી તેલ (40.0 %થી 48.9 %) પ્રાપ્ત થાય છે, જેને માર્ગોસાનું તેલ કહે છે. તે લસણને મળતી આવતી અણગમતી ઉગ્ર વાસ ધરાવે છે. આખા બીજમાંથી આશરે 23.5 % જેટલું તેલ મળે છે. મીંજને લાકડાની ઘાણીમાં કચરવામાં આવે છે; જેમાંથી 30 %થી 40 % જેટલું તેલ પ્રાપ્ત થાય છે. સ્થાનિક તેલ-દાબકો (oil-press) દ્વારા ઘાણી કરતાં આશરે 3 % જેટલું તેલ ઓછું મળે છે. બાકીનું તેલ દ્રાવક નિષ્કર્ષણ (solvent extraction) પદ્ધતિથી મેળવવામાં આવે છે. કેટલીક વાર તેલનું નિષ્કર્ષણ પાણીમાં મીંજને ઉકાળીને કરવામાં આવે છે. સારી રીતે બંધ થઈ શકે તેવા પાત્રમાં ઠંડા સ્થળે તેલનો સંગ્રહ કરવામાં આવે છે. તેલમાં ટોકોફેરોલનું પ્રમાણ (1.17 મિગ્રા./ગ્રા.) ઊંચું હોય છે. અશુદ્ધ તેલનો દીવામાં ઉપયોગ થાય છે. જોકે તેનાથી ખરાબ ધુમાડો નીકળે છે. તેનો એંજિનના ઊંજણ તરીકે અને જંતુનાશક તરીકે બહોળો ઉપયોગ થાય છે. મંદ આલ્કોહૉલ, મિથેનૉલ, મંદ ઍસિટોન કે આ દ્રાવકોના મિશ્રણની મદદથી કડવાં અને ગંધયુક્ત દ્રવ્યોનું અલગીકરણ કરી તેલ શુદ્ધ કરવામાં આવે છે.

પરિષ્કૃત (refined)  શુદ્ધ તેલનું વિશિષ્ટ ગુરુત્વ 0.9087 જેટલું હોય છે અને તેમાં ઑલિક ઍસિડ 49 %થી 61 %, પામિટિક ઍસિડ 12 %થી 15 %, સ્ટિયરિક ઍસિડ 14 %થી 23 % અને 0.03 % નિમ્બોસ્ટેરૉલ હોય છે. પરિષ્કૃત તેલ સ્થાયી હોય છે અને સંગ્રહ કરતાં ખાટું પડતું નથી.

તેલમાંથી આલ્કોહૉલનિષ્કર્ષણ દ્વારા 2 % જેટલા કડવા ઘટકો ઉત્પન્ન થાય છે; જેમાં નિમ્બિડિન (1.2 %થી 1.6 %) મુખ્ય ઘટક છે. તે ખૂબ કડવું હોય છે અને સલ્ફર ધરાવે છે. તેનું જલાપઘટન કરતાં તટસ્થ નિમ્બિડિનિન અને નિમ્બિડિક ઍસિડ મળે છે. નિમ્બિડિન ઉપરાંત, સલ્ફરરહિત બે કડવા ઘટકો નિમ્બિન (ઉત્પાદન 0.1 %) અને નિમ્બિનિન (ઉત્પાદન 0.01 %) પ્રાપ્ત થાય છે. તેલમાં જેડુનિન, મેલ્ડેનિન, ડેસેસિટિલ જેડુનિન, સેલૅનિન, એઝાડિરોન, એપૉક્સિએઝાડિરેડિયોન અને વેપિનિન (C28H36O5; ઉત્પાદન 0.15 %), નિમ્બિનિન, 6-0 –એસિટિલ નિમ્બેન્ડીઓલ (C28H32O7), 6–ડેસેસિટિલ નિમ્બિનિન, 3–ડૅસેસિટિલસેલૅનિન, સેલેન્નોલ અને 1, 3–ડાઇઍસિટિલ વિલેસિનિન (C30H40O7) હોય છે.

તેલના ઘણા ચિકિત્સાકીય ઉપયોગો છે અને ભારતીય ઔષધકોશમાં તે અધિકૃત છે. તેના ઔષધ-ગુણધર્મો તેલમાં રહેલા કડવા અને ગંધયુક્ત ઘટકોને લઈને છે. ઔષધ-ઉદ્યોગમાં તેના કડવા ઘટકો ઉપયોગમાં લેવાય છે. કડવા ઘટકો દૂર કર્યા પછી આલ્કોહૉલીય નિષ્કર્ષનો કૃષિવિદ્યાકીય અને ઉદ્યાનવિદ્યાકીય સામાન્ય જીવાત માટે જલ-આધારિત જંતુનાશક છંટકાવ તૈયાર કરવા માટે કૃષિરસાયણ (agrochemical) તરીકે ઉપયોગ થાય છે. લિંબોળીનું તેલ કેટલાક દીર્ઘકાલીન ચામડીના રોગો અને ચાંદાંઓમાં વાપરવામાં આવે છે. તે સંધિવા (rheumatism), રક્તપિત્ત (leprosy) અને મચકોડમાં બહારથી લગાડવામાં આવે છે. વિવિધ પ્રકારના ગર્ભાશયશોથ(metritis)ના નિયંત્રણ માટે લિંબોળીના તેલનો અંત:ગર્ભાશયી (intrauterine) ઔષધ તરીકે ઉપયોગ થાય છે. ગરમ તેલ કાનના, દાંતના અને પેઢાના રોગોમાં ઉપયોગી છે. નાગરવેલના પાનમાં લિંબોળીના તેલનાં ટીપાં ઉમેરવાથી દમમાં આરામ રહે છે. તેલ ફળદ્રૂપતા-રોધી (antifertility) ગુણધર્મો ધરાવે છે. તે પ્રતિરોધી (antiseptic) અને ફૂગરોધી (antifungal) સક્રિયતા દર્શાવે છે અને ગ્રામ ધનાત્મક તેમજ ગ્રામ ઋણાત્મક બૅક્ટેરિયા સામે સક્રિય હોય છે.

લિંબોળીના તેલનો ઉપયોગ પ્રસાધન-સામગ્રીમાં ક્રીમ, હેર-લોશન, ઔષધ-સાબુઓ, ધોવાના સાબુઓ અને ટૂથપેસ્ટ બનાવવામાં થાય છે. સાબુ બનાવવામાં બીજાં તેલ સાથે પણ તે મિશ્ર કરવામાં આવે છે. તેનો ઑલિન અને સ્ટેરિનના અને હાઇડ્રૉજિનેશન કરી ઊંચું ગલનબિંદુ ધરાવતા સ્ટેરિનના ઉત્પાદનમાં ઉપયોગ થાય છે. કીટનાશકો માટે પાયસીકારક (emulsifying) અને રોગાણુનાશી (disinfectants) પ્રક્રિયકો બનાવવા તેનો ઉપયોગ કરવામાં આવે છે. માર્ગોસા તેલ ધરાવતા વાળના તેલના નિયમિત ઉપયોગથી ટાલ પડતી અને વાળ સફેદ થતા રોકી શકાય છે. બીજમાંથી પ્રાપ્ત થતું બાષ્પશીલ તેલ સૂક્ષ્મજીવ-રોધી (anti-microbial) સક્રિયતા દર્શાવે છે અને મગ તેમજ ચણા પર તેનો છંટકાવ કરતાં દાળના ભમરા સામે અને Callosobruchus sp. સામે રક્ષણ મળે છે.

દેડકા ઉપર નિમ્બિડિનની વિષાક્તતા (toxicity) અંગેના એક અભ્યાસ મુજબ, 0.25 મિગ્રા./ગ્રા. શરીરના વજનની માત્રા સરેરાશ વિનાશક માત્રા જણાઈ છે. નિમ્બિડિન Tenia rubrum, Rhizoctonia solani, Fusarium oxysporum અને Alternaria tenuis જેવી ફૂગની વૃદ્ધિ અવરોધે છે. તે કેટલાક પરોપજીવી સૂત્રકૃમિઓ માટે વિષાળુ છે. નિમ્બિડિનના વિવિધ રીતે સંયોજિત મલમો ચામડીના રોગોમાં સારાં પરિણામો આપે છે. નિમ્બિન જ્વરરોધી (antipyretic) અને અપકોપક (non-irritant) માલૂમ પડ્યું છે. તેની ઉચ્ચ કક્ષાની પરા-પ્રસાધનસામગ્રી (paracos-matics)માં ભલામણ કરવામાં આવે છે.

નિમ્બિડિનમાંથી મેળવવામાં આવેલ સોડિયમ નિમ્બિનેટ સક્ષમ મૂત્રલ (diuretic) અને પ્રતિશોથ (anti-inflammatory) ગુણધર્મો ધરાવે છે. તેનું અંત:સ્નાયવી (intramuscular) અંત:ક્ષેપણ કરતાં રક્તાધિક્ય (congestive) હૃદ્-વિફલતા(cardiac failure)માં સારાં પરિણામો પ્રાપ્ત થાય છે. તે ગર્ભાશયનું સંકોચન કરે છે. પ્રયોગમાં લેવાતાં પ્રાણીઓમાં રુધિરનું દબાણ ઘટાડે છે. નિમ્બિડિન અને સોડિયમ નિમ્બિડિનેટ(Paramoecium caudatum)નો 1/500ના પ્રમાણમાં નાશ કરે છે. સોડિયમ નિમ્બિનેટ પાણીમાં દ્રાવ્ય હોવાથી નિમ્બિડિન કરતાં વધારે સક્રિય છે. સોડિયમ નિમ્બિડિનેટ અને સોડિયમ નિમ્બિનેટ શુક્રકોષોનો નાશ કરે છે.

લિંબોળીના તેલના મુખ્ય ઘટકોની એક વધારાની નીપજ નિમ્બિડોલ છે. તે મેદદ્રાવ્ય, કડવો અને ગંધયુક્ત ઘટક છે. પ્રયોગશાળામાં થયેલો ઉંદર ઉપરનો અભ્યાસ દર્શાવે છે કે તેલ અને નિમ્બિડિયોલ 8 મિગ્રા./કિગ્રા. શરીરના વજનની માત્રાએ સંધિવાપ્રતિરોધી (anti-arthritic) સક્રિયતા દર્શાવે છે.

તેલનું તાપ-અપઘટન (pyrolysis) કરતાં પાયરોનિમિન ઉત્પન્ન થાય છે, જે આલ્કોહૉલ માટે વિકૃતિકારક (denaturant) છે. તેલનું રૂપાંતર ‘પાયલોલ’માં કરી શકાય છે, જે પૉલિપ્રોપિયોલીન ગ્લાયકોલ(પેટ્રોલિયમ નીપજ)નો અવેજીરૂપ પદાર્થ છે અને તેનો ઉપયોગ રૉકેટ-નોદક (Rocket propellant) બળતણ તરીકે થાય છે. તે વસ્ત્રતંતુ (textile) અને રબર-ઉદ્યોગમાં પણ ઉપયોગી છે.

ધ સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ચેન્નાઈ દ્વારા કાચાં ચામડાં કમાવવાની નવી પદ્ધતિ વિકસાવાઈ છે, જેમાં લિંબોળીના તેલમાંથી પ્રાપ્ત કરેલાં કાર્બનિક સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિથી તૈયાર કરેલાં ચામડાં સંગ્રહ દરમિયાન બગડતાં નથી.

લિંબોળીમાંથી તેલ કાઢી લીધા પછી જે ભાગ વધે છે, તેને લિંબોળીનો ખોળ કહે છે. એક રાસાયણિક વિશ્લેષણ મુજબ આ ખોળમાં (શુષ્ક દ્રવ્યને આધારે) પાણી 12 %, કાર્બોદિતો 26 %, અશુદ્ધ પ્રોટીન 36 %, અશુદ્ધ રેસા 9 %, ખનિજો 8 %, કૅલ્શિયમ 0.8 % અને ફૉસ્ફરસ 0.8 % હોય છે. તેમાં વેલાઇન અને ટ્રિપ્ટોફેન સિવાયના બધા આવશ્યક ઍમિનોઍસિડો હોય છે. તે સંગ્રહ કરવાથી બગડતો નથી. સંસાધિત (processed) ખોળ મરઘાં-બતકાં અને ઢોરને આપી શકાય છે. તે કડવો હોવાથી સારો ક્ષુધાવર્ધક (appetizer) અને કૃમિનાશક (vermicide) હોય છે. ખોળ ખાતર, કીટનાશક અને કૃમિનાશક તરીકે ઉપયોગી છે.

નિર્વલ્કીકૃત (decorticated) મીંજમાંથી મેળવેલ મેદરહિત અવચૂર્ણમાં રહેલા અવશેષિત કડવા પદાર્થો અને ગંધયુક્ત ઘટકોનું ઇથેનૉલ કે મિથેનૉલમાં નિષ્કર્ષણ થઈ શકે છે. તેને વધારે સંસાધિત કરી સૂકવવામાં આવે છે અને તૃણ જેવા આછા પીળા રંગનું કણિકામય ચૂર્ણ મેળવવામાં આવે છે, જે મનગમતો સ્વાદ અને ગંધ ધરાવે છે. તેનો મરઘાં-બતકાં અને ઢોરના ખોરાક તરીકે ઉપયોગ થાય છે. આ સંસાધિત અવચૂર્ણનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 10.7 %, નાઇટ્રોજન 10.1 %, પ્રોટીન 63.0 %, કાર્બોદિતો 10.4 %, અન્ય કાર્બનિક દ્રવ્યો 8.6 %, ભસ્મ 7.4 %,  P2O5 4.9 % અને લોહ 0.2 %.

અવચૂર્ણમાં રહેલા ઍમિનોઍસિડોનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : ગ્લાયસિન 9.4 %, ઍલૅનિન 5.3 %, ઍસ્પાર્ટિક ઍસિડ 6.8 %, ગ્લુટામિક ઍસિડ 11.8 %, સેરાઇન 7.6 %, થ્રિયૉનિન 5.3 %, વૅલાઇન-મેથિયૉનિન 4.5 %, નૉરલ્યુસિન – લ્યુસિન-આઇસોલ્યુસિન 8.0 %, આર્જિનીન 6.3 %, હિસ્ટિડિન 3.4 %, લાયસિન 3.9 %, પ્રોલિન 5.9 %, ટાયરોસિન 3.4 %, ફીનિલ ઍલૅનિન – ટ્રિપ્ટોફેન 5.3 %, સિસ્ટિન 3.1 %, ગ્લુટેમાઇન 1.6 %.

લિંબોળીનો ખોળ અને તેલ નાઇટ્રીકરણ અવરોધક ગુણધર્મ ધરાવે છે, જેથી યુરિયા સાથે ભેળવી તેનું વિલેપન (coating) કરવાથી જલદી નાઇટ્રીકરણ થતું નથી અને ઘઉંના દાણાનું અને ચારાનું ઉત્પાદન વધે છે. લિંબોળીનો ખોળ ગંઠવા કૃમિ અને અન્ય પ્રજાતિઓને દૂર રાખી પાકને રક્ષણ આપે છે. કેળ, રીંગણ, મરચી, ટમેટાં વગેરે પાકોમાં ખોળના ઉપયોગથી કૃમિનિયંત્રણમાં ખૂબ સારાં પરિણામો મળ્યાં છે. તે ધાન્ય – ફૂદું, લઘુધાન્ય-વેધક અને ધનેડા સામે રક્ષણ આપે છે. તે ગાંઠ-નિર્માણ(gall formation)ની ક્રિયામાં, કેટલીક પરોપજીવી ફૂગના ચેપમાં, મૂળની પેશીઓમાં સૂત્રકૃમિઓનો અને માદા કૃમિ દ્વારા ઈંડાં મૂકવાની ક્ષમતામાં ઘટાડો કરે છે. ખોળનો જલીય નિષ્કર્ષ meloidogyne incognita અને m. javanicaની ઇયળની નીકળવાની ક્રિયાને અટકાવે છે. લિંબોળીનો ખોળ Pratylenchus sp.ને અવરોધે છે. મૃદામાં લીમડાનો ખોળ ઉમેરવાથી બટાટાને થતા ‘કાળા થર’(black scurf)ના રોગમાં ઘટાડો થાય છે. નિમેગોન સાથેના સંયોજનમાં તે સારાં પરિણામો આપે છે. શેરડી, બટાટા, કપાસ અને ડાંગરને આપતાં તેમનું ઉત્પાદન વધે છે.

વાયુ-શુષ્ક પુષ્પકલિકાઓ β-સિટોસ્ટેરોલ અને β-ડી-ગ્લુકોસાઇડ, કૅમ્પ્ફેરૉલ, થાયૉએમિલ આલ્કોહૉલ (7.6 %), બેન્ઝાઇલ આલ્કોહૉલ (9.67 %), બેન્ઝાઇલ એસિટેટ (8.2 %) અને બાષ્પશીલ તેલ (0.025 %) ધરાવે છે. બાષ્પશીલ તેલમાંથી એઝાડિરેક્ટિન અને માર્ગૉસિન પ્રાપ્ત થયાં છે. દક્ષિણ ભારતમાં કાચી કે સૂકવેલી પુષ્પકલિકાઓનો કઢી, સૂપ અને તળેલી વાનગીઓમાં ઉપયોગ થાય છે. તે અજીર્ણ (dyspepsia) અને અશક્તિ(debility)માં ઉપયોગી છે. પુષ્પો પુષ્કળ પ્રમાણમાં મધ ધરાવે છે.

જલમાર્ગની નજીક થતાં વૃક્ષોના પ્રકાંડની ટોચેથી એક પ્રકારના રસનો કુદરતી રીતે સ્રાવ થાય છે. આ રસ શીતળ, પોષક અને બલ્ય ગણાય છે અને ચામડીના રોગોમાં ઉપયોગી છે. તે અજીર્ણ અને સામાન્ય અશક્તિમાં વપરાય છે. કેટલીક વાર તેમાંથી તાડી બનાવવામાં આવે છે. તાજા સ્રાવમાં આથો આવેલા દારૂ જેવી ઉગ્ર વાસ અને વૃક્ષની મિશ્ર વાસ આવે છે. તેનો સ્વાદ સહેજ મીઠો હોય છે અને તે કુલ ઘન પદાર્થ 12.5 %, અપચાયક (reducing) શર્કરાઓ 0.5 % અને કુલ ઍસિડ (એસેટિક ઍસિડ તરીકે) 0.8 % ધરાવે છે. તેમાં મળી આવતા ઍમિનોઍસિડોમાં આર્જિનિન 15.2 મિગ્રા., ટાયરોસિન 65 મિગ્રા., ટ્રિપ્ટોફેન 333.3 મિગ્રા., પ્રોલિન 58.5 મિગ્રા., ગ્લુટામિક ઍસિડ 38.3 મિગ્રા., સેરાઇન 17.0 મિગ્રા. અને ફીનિલ ઍલૅનિન 154.5 મિગ્રા./100 મિલી હોય છે. આ સ્રાવ ટ્રિપ્ટોફેન સારા પ્રમાણમાં ધરાવે છે.

આયુર્વેદ અનુસાર લીમડો ઠંડો, કડવો, લઘુ, ગ્રાહક, તીખો, અગ્નિમાંદ્યકારક, સોજાને મટાડનાર, વ્રણશોધક, બાળકોને હિતકર અને હૃદ્ય છે. તે કફ, વ્રણ, સોજો, કૃમિ, ઊલટી, પિત્ત, હૃદયદાહ, વાયુ, કોઢ, શ્રમ, તૃષા, અરુચિ, રક્તદોષ, ઉધરસ, તાવ અને મેદનો નાશ કરે છે. તેની છાલ પાચક, કડવી અને ગ્રાહી છે. તેનાં કુમળાં પર્ણો ગ્રાહક અને વાતકર છે અને રક્તપિત્ત, કોઢ અને નેત્રરોગનાં નાશક છે. પાકાં પર્ણો ખાસ કરીને વ્રણનાશક છે. લીમડાની ડૂંખો કાસ, શ્ર્વાસ, ગુલ્મ, અર્શ, કૃમિ અને પ્રમેહનો નાશ કરે છે. તેનાં કાચાં ફળ ભેદક, સ્નિગ્ધ, ગુરુ અને પિચ્છલ છે. તે નેત્રરોગ, કફરોગ, ક્ષતક્ષય અને રક્તપિત્તનો નાશ કરે છે. તેના બીજમાંનું મીંજ કુષ્ઠ અને કૃમિનો નાશ કરે છે. નિંબ પંચાંગ પિત્ત, રક્તદોષ, કંડૂ, દાહ, વ્રણ અને કોઢનો નાશ કરે છે. બીજનું તેલ ઉષ્ણ અને કડવું છે. તે કૃમિ, કોઢ, કફ, વ્રણ, વાતપિત્ત, પિત્ત, અર્શ, રક્તવિકાર, વાયુ, શોફોદર, તાવ, જરા, કફ અને પિત્તનો નાશ કરે છે.

તેનો વ્રણ, ગૂમડું ફૂટી રસી નીકળે તે ઉપર, ખસ, સર્પના વિષ ઉપર, પિત્ત પડવા માટે, ગરમી, મહારોગ, દાહયુક્ત સોજા ઉપર; પિત્તજ્વરમાં અતિશય દાહ થાય તે ઉપર; ઊના તાવ, કમળાના રોગ અને વિષમજ્વર ઉપર; મૂળ વ્યાધિ, કૃમિ અને પ્રમેહ ઉપર; સુવા રોગ ઉપર, સ્ત્રીને પ્રસવ ન થતો હોય તો; સોમલના વિષ ઉપર; કુષ્ઠાદિક અને યોનિશૂળ ઉપર; અંગ ઉપર શીળસ ઊઠે તે ઉપર; સ્થાવરજંગમ સર્વ વિષ ઉપર; રક્તસ્રાવ અને પ્રદર, સિક્તામેહ અને ઈક્ષુમેહ ઉપર, કફસંબંધી જંતુ ઉપર, જુલાબ બંધ થવા માટે, ઊરુસ્તંભ ઉપર, ઉપદંશ, બદ, ચાઠાં વગેરે ઉપર; નખ કે આંગળીના વેઢા પાકવા ઉપર; વીંછીના દંશ અને અગ્નિદગ્ધ વ્રણ ઉપર ઉપયોગ થાય છે.

આ વૃક્ષ પૃથ્વી ઉપરનું કલ્પતરુ છે. પ્રાચીન આર્ય ઋષિવર્યોએ તેના અલૌકિક ગુણોની શોધ કરી છે. તેના સેવનથી અનેક વ્યાધિઓ નિર્મૂળ થાય છે. તેથી ચૈત્ર માસમાં કુમળાં પાન, પુષ્પો, મરી, હિંગ, સિંધવ, જીરું, અજમો, આમલી અને ગોળ મેળવી તેને ખાવાનો શાસ્ત્રકારોએ નિયમ બનાવ્યો છે.

લીમડામાંથી બનાવાતાં પ્રસિદ્ધ ઔષધોમાં પંચનિંબાદિ ચૂર્ણ, પંચગુણ તેલ, નિંબાદિ ઘૃત, નિંબવટી અને નિંબતેલનો સમાવેશ થાય છે. બકાન લીમડો (Melia azadirachta, કુળ – મેલિયેસી) અને મીઠો લીમડો (Murraya koenigii, કુળ રુટેસી) આ લીમડાથી તદ્દન ભિન્ન એવી વનસ્પતિઓ છે.

પરેશ હરિપ્રસાદ ભટ્ટ

સુરેશ યશરાજભાઈ પટેલ

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ