લીમનો ઉપસાગર (Lyme Bay) : ઇંગ્લિશ ખાડી સાથે સંકળાયેલો અખાત. ભૌગોલિક સ્થાન : તે 50° 36´ ઉ. અ. અને 2° 55´ પ. રે.ની આસપાસ વિસ્તરેલો છે. આ ઉપસાગર નૈર્ઋત્ય ઇંગ્લૅન્ડનાં ડેવોન-ડૉરસેટ રાજ્યોના દક્ષિણ કિનારા સાથે સંકળાયેલો છે. આ ઉપસાગરના કિનારાની કુલ લંબાઈ આશરે 150 કિમી. જેટલી છે. ડેવોનનો કિનારો ડૉરસેટના કિનારા કરતાં વધુ ખાંચાખૂંચીવાળો હોવાથી ત્યાં બંદરોની સંખ્યા અધિક છે. અહીંનાં જાણીતાં બંદરોમાં કિંગબ્રિજ, બ્રિક્સહામ, પોઇંગટન, ટૉકર્વે, તાઇગમથ, એક્સમથ, સિદમથ, સીટન (ડેવોન) તથા વેમથ અને પૉર્ટલૅન્ડ(ડૉરસેટ)નો સમાવેશ થાય છે. પૉર્ટલૅન્ડ એક નાનો ટાપુ છે.

લીમના ઉપસાગરનો કિનારો ખંડીય છાજલીના ઊંચકાવાથી નિર્માણ પામ્યો હોવાથી તે ચૂનાના ખડકોથી બનેલો છે. આ કારણે કિનારાનું ભૂમિદૃશ્ય ઊભી-ઊંચી કરાડોથી બનેલું છે. ડૉરસેટને કિનારે સેક્સન સેલ્સી નામનું એક શહેર અગિયારમી સદીમાં અસ્તિત્વ ધરાવતું હતું, પરંતુ દરિયાઈ અતિક્રમણને કારણે આ શહેર આખું ને આખું નાશ પામ્યું, આજે તેનો કોઈ પણ અણસાર જોવા મળતો નથી કે પુરાવા રહ્યા નથી.

આ ઉપસાગરનો તળભાગ કોઈ નક્કર કે ઘનિષ્ઠ ખડકોથી બનેલો નથી. કિનારાની ભૂમિ પર કોઈ પંકભૂમિ પણ નથી. ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન સમુદ્રજળનું તાપમાન ઓછામાં ઓછું 4.7° સે. રહે છે. ઑગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન વધુમાં વધુ તાપમાન 15.5° સે. રહે છે. પાણીની ક્ષારતા 34 % જેટલી હોય છે. કિનારા નજીકથી વિવિધ પ્રકારની માછલીઓ મેળવાય છે, જેમાં ખાસ કરીને જેલી ફિશનું મહત્વ વધુ છે.

નીતિન કોઠારી