લીનન, ફિયોદોર (Lynen Feodor) (જ. 6 એપ્રિલ 1911, મ્યુનિચ, જર્મની; અ. 1979) : સન 1964ના તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યાના નોબેલ પારિતોષિક માટેના રોનાર્ડ બ્લોક(Konard Bloch)ના સહવિજેતા. તેમને કોલેસ્ટિરોલ તથા મેદામ્લો(fatty acid)ના ચયાપચયની ક્રિયાપ્રવિધિ સંબંધિત શોધ કરવા માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું. તેમના પિતા યાંત્રિક ઇજનેરી વિદ્યામાં પ્રાધ્યાપક હતા. તેમણે મ્યુનિચમાંથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું અને સન 1930માં મ્યુનિચ યુનિવર્સિટીના રસાયણવિદ્યાના વિભાગમાંથી મેટ્રિક્યુલેટ થયા. તેમની વૈજ્ઞાનિક તાલીમમાં 1927માં નોબેલ પારિતોષિક મેળવનારા હેન્રીચ વાયલૅન્ડ તથા અન્ય વૈજ્ઞાનિકોનો મહત્વનો ફાળો રહેલો છે. તેમના હાથ નીચે ફિયોદોર માર્ચ 1937માં સ્નાતક બન્યા. તે સમયે તેમણે ઝેરી દ્રવ્યો અંગે શોધપત્ર તૈયાર કર્યો હતો. ત્યારબાદ તેમના ગુરુના હાથ નીચે જૈવરસાયણવિદ્યાના ક્ષેત્રે પ્રવેશ્યા અને તેમાં જ તેમણે સમગ્ર જીવન વિતાવ્યું. તેઓ મ્યુનિચ યુનિવર્સિટીમાં 1942માં વ્યાખ્યાતા બન્યા, 1947માં સહાયક પ્રાધ્યાપક બન્યા અને સન 1935માં જૈવરસાયણવિદ્યાના પ્રાધ્યાપક બન્યા.

ફિયોદોર લીનન

સન 1954માં ઑટો વૉરબર્ગ અને ઑટો હેહનના પ્રયત્નોથી બનેલી મૅક્સ-પ્લૅન્ક ઇન્સ્ટિટ્યૂટના વડા બન્યા. આને લીધે તેમને જૈવરસાયણવિદ્યામાં સંશોધનની મહત્વની તક સાંપડી. તેમનું સંશોધનકાર્ય સજીવકોષોમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓની રાસાયણિક વિગતો તથા તેમના નિયમનની ક્રિયાપ્રવિધિઓ જાણવા વિશે રહ્યું. તેમણે અન્ય જર્મન વિજ્ઞાનીઓ સાથે રહીને એસેટિક ઍસિડ, કાર્બોક્સિલ ઍસિડ, મેદામ્લો, એસેટોએસિટિક ઍસિડ, ટાર્ટરિક ઍસિડ, સિસ્ટિન, ટર્પિન્સ, રબર વગેરે વિશેની રાસાયણિક પ્રક્રિયાઓના સંદર્ભે પ્રયોગો અને સંશોધનો કર્યાં. સન 1954થી 1963 સુધીમાં તેમને તત્કાલીન મહત્વના 4 ચંદ્રકો પ્રાપ્ત થયા તથા તે સમયગાળામાં તેઓ તેમના દેશની અને વિશ્વની જૈવવિજ્ઞાન અને જૈવરસાયણવિદ્યાના સંઘોમાં પણ સક્રિય રહ્યા. સન 1972માં તેમને ફ્રિબર્ગ યુનિવર્સિટી દ્વારા તબીબીવિદ્યાની માનદ ડૉક્ટરેટની ઉપાધિથી નવાજવામાં આવ્યા. તેઓ 1937માં ઇવા વાઇલૅન્ડ સાથે પરણ્યા હતા. તેમને 5 સંતાન હતાં.

શિલીન નં. શુક્લ