લીન, પિઆઓ (જ. 5 ડિસેમ્બર 1907, હુઆંગ-કુઆંગ, હુપેહ પ્રાંત; અ. 13 ડિસેમ્બર 1971, મૉંગોલિયન પ્રજાસત્તાક) : ચીનના રાજકીય નેતા અને પ્રમુખ સામ્યવાદી લશ્કરી કમાન્ડર. ચીનના દુબેઈ વિસ્તારમાં એક નાના જમીનદાર પરિવારમાં જન્મેલ લીન વામ્પોઆ એકૅડેમીમાં અભ્યાસ દરમિયાન સામ્યવાદી નેતા ચાઉ-એન-લાઈના સંપર્કમાં આવ્યા અને તેમનાથી પ્રભાવિત થયા. 1928માં સામ્યવાદી પક્ષ રાષ્ટ્રીય ક્રાંતિકારી દળ(National Revolutionary Army, KMT)થી અલગ પડતાં લીને સામ્યવાદી પક્ષને પોતાનો ટેકો આપ્યો અને માઓ-ત્સે-તુંગના અંતરંગ વર્તુળમાં સ્થાન પામ્યા. 1946 અને 1949 વચ્ચે ચીનના આંતરિક યુદ્ધમાં મંચુરિયા પ્રદેશમાં સામ્યવાદવિરોધી ક્યુઓમિનટાંગ દળોને હરાવવામાં લીને પ્રમુખ ભૂમિકા ભજવી. 1958માં લીન સામ્યવાદી પક્ષની કેન્દ્રીય સમિતિના ઉપાધ્યક્ષ બન્યા અને 1959માં તેમને ચીનના સંરક્ષણ મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી.

1960ના દશક દરમિયાન માઓએ શરૂ કરેલ સાંસ્કૃતિક ક્રાંતિના ગાળામાં લીને માઓના વ્યક્તિત્વ આસપાસ એક આભાવર્તુળ ઊભું કરવા નોંધપાત્ર પ્રયાસો હાથ ધર્યા. તેમણે સંપાદિત કરેલ માઓના વિચારોનું પુસ્તક ‘ક્વોટેશન્સ ફ્રૉમ ચેરમૅન માઓ-ત્સે-તુંગ’ ‘લિટલ રેડ બુક’ તરીકે વિશ્વવિખ્યાત બન્યું. માઓ સાથેની તેમની નિકટતાને કારણે લીનને સામ્યવાદી પક્ષમાં માઓના ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવ્યા. આનાથી આશંકિત થઈ 1969 બાદ માઓ-ત્સે-તુંગે લીન પિઆઓ અને તેમના સમર્થકો વિરુદ્ધ પગલાં લેવાં શરૂ કર્યાં. લશ્કરી બળવામાં માઓને સત્તા પરથી દૂર કરવાનું કાવતરું ઘડવાનો આક્ષેપ પણ તેમના પર કરવામાં આવ્યો. એક વાયકા મુજબ રશિયા સાથે સાંઠગાંઠ દ્વારા ઘડાયેલા આ કાવતરાની જાણ માઓને થઈ જતાં, પોતાના પરિવાર સાથે ચીન છોડી ભાગી જવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમનું વિમાન મૉંગોલિયામાં તૂટી પડતાં 1971માં લીનનું અવસાન થયું. જોકે માઓ દ્વારા આ ઘટનાની જાણકારી એક વર્ષ બાદ આપવામાં આવી. હજી પણ લીનના અવસાનનાં સંજોગો અને કારણોનું પૂરું રહસ્ય ઉકેલાયું નથી.

લશ્કરી વ્યૂહરચનામાં નિષ્ણાત લીને પશ્ચિમી મૂડીવાદી રાષ્ટ્રોને ગેરીલા યુદ્ધપદ્ધતિ અને પ્રચ્છન્ન હિંસા દ્વારા પરાસ્ત કરવાના સિદ્ધાંતને પ્રતિપાદિત કર્યો. મૂડીવાદના પ્રખર આલોચક લીને ચીન અને અમેરિકા વચ્ચે સમજૂતી સાધવાના માઓના પ્રયાસોનો ખુલ્લો વિરોધ કરેલો.

અમિત ધોળકિયા