સાલમન (Salmon) : ઉત્તર આટલાન્ટિક અને ઉત્તર પૅસિફિક મહાસાગરોમાં મોટા પ્રમાણમાં મળી આવતી મોટા કદની, ચાંદી-સમા ચળકાટવાળી, નરમ મીનપક્ષ ધરાવતી, સાલ્મોનિડી (salmonidae) કુળની, અસ્થિ-મત્સ્ય (osteothysis) જાતની માછલી.
સાલમન-વર્ગીકરણ :
મુખ્ય જાતિ અને પ્રજાતિ – (1) ઑન્કોરિંક્સ અને (2) સાલ્મો સલ્વર.
કુળ – સાલ્મોનિડી
શ્રેણી – ક્લુપિફૉર્મિસ
પેટાવર્ગ – ઑસ્ટિકથીસ
વર્ગ – મત્સ્યાદિ (pisces)
સમુદાય – મેરુદંડી
સૃષ્ટિ – પ્રાણીસૃષ્ટિ
સાલમન માછલીનો જન્મ મીઠા પાણીમાં થાય છે, પરંતુ જિંદગીનો મોટો ભાગ મહાસાગરમાં વિતાવે છે અને ઈંડાં મૂકવા ફરીથી પાછી મીઠા પાણીમાં આવે છે. પૅસિફિક મહાસાગરમાં મળી આવતી સાલમનની પ્રજાતિ ઑન્કોરિહ્નકાસ (Oncorhynchus) છે. તેની પાંચ જાતિઓ (species) છે. મત્સ્યોદ્યોગમાં વ્યાપાર અર્થે આ માછલીઓ વિપુલ પ્રમાણમાં પકડવામાં આવે છે. તે પૈકીની ચિનુક નામની સાલમન 45 કિલો વજન ધરાવે છે. બ્લૂઓક સાલમન પૅક ડબ્બામાં (canned salmon) વેચાય છે. આટલાન્ટિકની સાલમન(Salmo salar)નું અસ્તિત્વ વધુ પડતા મત્સ્ય-પકડ-ઉદ્યોગને કારણે ભયમાં મુકાયું છે. મહાસાગરમાં થતા પ્રદૂષણને કારણે પણ આ જાતિ ભયમાં મુકાઈ છે. હાલમાં માત્ર 6.8 કિલો વજનની માછલી મળી આવે છે. સ્તરકવચી પ્રાણીઓ અને નાનાં મત્સ્યો એ તેનો સામાન્ય ખોરાક છે.
બધી જ સાલમન માછલીઓ પ્રજનન અર્થે નદીઓના મુખ પ્રદેશોમાંથી ઉપરવાસમાં ખડકાળ છીછરા મીઠા પાણીમાં સ્થળાંતર કરે છે અને ઈંડાં મૂક્યાં પછી નર અને માદા માછલીઓ અતિશ્રમથી ત્યાં જ નાશ પામે છે. સમુદ્રમાંથી પ્રજનન અર્થે નદી કે મીઠા પાણીમાં થતી સ્થળાંતરની પ્રક્રિયાને ઊર્ધ્વગામી સ્થળાંતર (anadromous migration) કહે છે. જાતિની ખાસિયત મુજબ ઊર્ધ્વગામી સ્થળાંતરની માછલી તેના કાયમી ખારા પાણીના નિવાસસ્થાનમાં એકાધિક વર્ષો વિતાવે છે અને પ્રજનન અર્થે મીઠા પાણી તરફ પ્રયાણ કરે છે. ગુજરાતના સાગરકાંઠે મળી આવતી હિલ્સા માછલી ઈંડાં મૂકવા નર્મદા નદીના ઉપરવાસ તરફ સ્થળાંતર કરે છે. તે પણ ઊર્ધ્વગામી સ્થળાંતરનું દૃષ્ટાંત છે.
ગુજરાત અને મહારાષ્ટ્રના સાગરીય અપતટ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં મળી આવતી રાવસ (polynemus heptadactylus) થ્રેડ-ફિશ તરીકે પણ ઓળખાય છે. તેને ભારતીય સાલમન પણ કહે છે.
સાલમનનું જીવનચક્ર : મોટાભાગની સાલમન માછલી સમુદ્રમાંથી 3,200 કિમી.નો પ્રવાસ ખેડી નદીના ઉપરવાસમાં ઈંડાં મૂકવા પ્રવેશે છે. વસંતઋતુ અગર શરદઋતુ – એ સ્થળાંતર કરવાનો અને પ્રજનનનો સમય હોય છે. આ પ્રવાસ કેટલાય મહિનાઓ સુધી ચાલુ રહે છે અને પથરાળ છીછરા અને તરંગોવાળા જળમાં ઈંડાં મૂકવાનું તે પસંદ કરે છે. માદા વાટકા જેવા છીછરા ખાડામાં ઈંડાં મૂકે છે પછી નર તેના ઉપર શુક્રકોષોનો સ્રાવ કરે છે. માદા જ્યાં જ્યાં આવા ખાડામાં ઈંડાં મૂકે ત્યાં ત્યાં નર શુક્રકોષોનો સ્રાવ કરવાનું ચાલુ રાખે છે, આમ માદા એકીસાથે કુલ 2000થી 10,000 ઈંડાં મૂકે છે.
ફલિત ઈંડાંમાંથી 3થી 4 માસમાં બાળ-સાલમન બહાર આવે છે અને થોડાંક અઠવાડિયાં પથ્થરોમાં છુપાઈ રહે છે. તે દરમિયાન બચ્ચાંના પેટ આગળ ચોંટી રહેલી ગર્ભીય જરદીયુક્ત કોથળીમાંથી તેઓ ખોરાક મેળવે છે. કેટલીક જાતિની સાલમનમાં બચ્ચાં તુરત સમુદ્ર તરફ અધોગામી પ્રયાણ કરે છે (catadromous migration). બીજી કેટલીક જાતિઓમાં બચ્ચાં ત્રણ વર્ષ સુધી મીઠા પાણીમાં રહે છે. તેમનો મુખ્ય ખોરાક કીટકો, નાની જીવાતો અને પ્લવકો (planktons) હોય છે. વિપુલ જથ્થામાં પેદા થયેલાં સાલમનનાં બચ્ચાં પૈકી ઘણાં થોડાં સમુદ્રમાં પાછાં ફરવામાં સફળ થાય છે. તેઓ મોટી માછલીઓ અને પક્ષીઓનો ભક્ષ્ય બની જાય છે.
જે સાલમન સમુદ્ર સુધી પહોંચવાને સદ્ભાગી બને છે તે ત્યાં 6 માસથી 5 વર્ષ સુધી જીવન વિતાવે છે. અહીં તેમનો મુખ્ય ખોરાક જિંગા, સેપિયા અને નાની માછલીઓ હોય છે. સાલમન પરિપક્વ થતાં તેના મીઠા પાણીના મૂળ સ્થાને જ સ્થળાંતર કરી પહોંચી જાય છે. કેટલાક વૈજ્ઞાનિકો એવું માને છે કે માછલીમાંની લોહચુંબકીય સંવેદના સ્થળ શોધવામાં મદદ કરતી હશે. બીજા કેટલાક પ્રાણીશાસ્ત્રીઓ એવું માને છે કે લોહચુંબકીય આકર્ષણ અને સમુદ્રના પ્રવાહોને કારણે સાલમન મૂળ કિનારો પ્રાપ્ત કરે છે અને કિનારે આવ્યા પછી પાછલી યાદદાસ્ત, ઘ્રાણસંવેદનાના આધારથી, જાગતાં મૂળ જન્મસ્થાન શોધી કાઢે છે.
સાલમનની જાતિઓ : સાલમનની 7 જાતિઓ જાણવામાં આવી છે. (1) આટલાન્ટિક સાલમન (Salmo salar) : કદ 75 સેમી., વજન 4.5 કિલો. અતિશય માછીમારીને કારણે આ જાતિનું અસ્તિત્વ ભયમાં મુકાયું છે.
આકૃતિ : સાલમનની વિવિધ જાતિઓ
(2) ચેરી સાલમન અથવા મેસો સાલમન (Oncorhynchus masou) : પૅસિફિક મહાસાગરમાં તે વિપુલ પ્રમાણમાં મળે છે. તેની લંબાઈ 70 સેમી. અને વજન 2.5થી 10 કિલો હોય છે.
(3) ચિનુક સાલમન (Oncorhynchus tshawytscha) : પૅસિફિક કિનારાની સૌથી મોટા કદની સાલમન. તેનું વજન 10 કિલોગ્રામ અને લંબાઈ 90 સેમી. હોય છે.
(4) ચુમ સાલમન (Oncorhynchus keta) : લંબાઈ 60 સેમી., તે ‘કેલિકો ડૉગ’ નામે પણ ઓળખાય છે. વજન 4.5 કિલો.
(5) કોહો સાલમન : તે ‘સિલ્વર સાઇડ સાલમન’ તરીકે પણ ઓળખાય છે. તેની લંબાઈ 60 સેમી. અને વજન 4.5 કિલો હોય છે. વૈજ્ઞાનિકોએ આ માછલી ઉત્તર અમેરિકાના સરોવર-વિસ્તારોમાં દાખલ કરી છે. તેનાં બચ્ચાં મીઠા પાણીનાં વિશાળ સરોવરોમાં ઊછરતી અન્ય ઉપદ્રવકારક માછલીઓનાં બચ્ચાંનો ભક્ષ્ય કરી તેનું નિયંત્રણ કરે છે.
(6) ગુલાબી સાલમન (Oncorhynchus gorbuscha) : લંબાઈ 50 સેમી., વજન 2.5 કિલો. પૅસિફિકની સાલમન.
(7) સોકઆય સાલમન (Oncorhynchus nerka) : 60 સેમી. લંબાઈ. ‘રેડ સાલમન’ તરીકે પણ જાણીતી છે. વજન 2.7 કિલો. પૅસિફિકની સાલમન.
રા. ય. ગુપ્તે