લિવી (જ. ઈ. પૂ. 59, પડુઆ, ઉત્તર ઇટાલી; અ. ઈ. સ. 17, રોમ) : રોમન ઇતિહાસકાર. તેણે રોમનો ઇતિહાસ ‘Historiae ab Urbe Condita’ 142 ખંડમાં લખ્યો. તેમાં રોમની સ્થાપનાથી ઈ. પૂ. 9માં ડ્રૂસસનાં મૃત્યુ સુધીનો ઇતિહાસ છે. આ ગ્રંથ રોમન સમ્રાટ ઑગસ્ટસના અમલ દરમિયાન રોમનોનો સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય વલણોની અમૂલ્ય માહિતીનો મુખ્ય સ્રોત છે. તેના ગ્રંથના 142 ખંડોમાંથી માત્ર 35 ખંડ મળે છે. લિવીએ આ ગ્રંથ લખવામાં 40 વર્ષથી વધારે સમય લીધો હતો. પ્રાચીન સમયમાં આ ગ્રંથ પ્રખ્યાત થયો હતો. તેનાં અવતરણો આપવામાં આવતાં અને ઉત્તમ (classic) ગ્રંથ તરીકે એની ગણના થતી હતી.
લિવી સમ્રાટ ઑગસ્ટસના સમયમાં રોમમાં હતો અને ઑગસ્ટસનો મિત્ર હતો; પરંતુ ઇતિહાસકાર તરીકે સ્વતંત્ર હતો. રોમનો ઘણો લાંબો ઇતિહાસ તેનાં સંક્ષિપ્ત વર્ણનો દ્વારા જળવાયો છે. તેણે જાતે આંતરવિગ્રહો, પ્રજાસત્તાકનું પતન અને સમ્રાટ ઑગસ્ટસની સત્તાસ્થાપના જોયાં હતાં. તેનાં લખાણો પરથી ફલિત થાય છે કે તેણે ગ્રીક અને લૅટિન સાહિત્યનો ઘણો અભ્યાસ કર્યો હતો.
જયકુમાર ર. શુક્લ